કવર સ્ટોરી : દિલ્હીની ચૂંટણી, અહીં જનાદેશ નહીં – ધનાદેશ બાજી મારી જશે?!
- વિજય વ્યાસ
દિલ્હી વિધાનસભામાં સત્તા મેળવવા આડેધડ ગલીચ કક્ષાના આરોપો અને મત મેળવવા માટે સરકારી તિજોરીનું દેવાળું ફૂંકાઈ જાય એવાં એવાં વચનોની લહાણી કરીને ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો જે અધમ કક્ષાના ખેલ કરી રહ્યા છે એમાં ખરી લોકશાહીએ માથે હાથ મૂકીને ઠૂઠવો મૂકવાનો વખત આવ્યો છે!
Also read : કવર સ્ટોરી : હિંડનબર્ગનો આમ અચાનક સંકેલો કેમ?
દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. મતદાન આડે ગણીને દિવસ બચ્યા છે ત્યારે આક્ષેપોની રમઝટ જામી છે. આમ આદમી’ પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલનેમહાજૂઠો માણસ’ કહેવાથી માંડીને આતિશીએ બાપ બદલી નાખ્યો’ ત્યાં સુધીના ગંદા આક્ષેપો વિપક્ષી એવા ભાજપના નેતાઓએ ફટકાર્યા છે. કેજરીવાલ સામે કથિત લિકર સ્કેમમાં કેસ ચલાવવાની મંજૂરી સહિતના દાવપેચ પણ ભાજપેઆમ આદમી’ પાર્ટીને ભિડાવવા ખેલ્યા છે. કેજરીવાલ નકલી હિંદુ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
બીજી તરફ, અરવિંદ કેજરીવાલ પણ ગાંજ્યા જાય એવા નથી, એમણે પણ સામે મહાભ્રષ્ટાચારીઓની યાદી’ બહાર પાડીને નરેન્દ્ર મોદીથી માંડીને રાહુલ ગાંધી સુધીના નેતાઓને લપેટી લીધા છે ને ભાજપની હરિયાણા સરકાર યમુના નદીનાં પાણીમાં ઝેર ભેળવી રહી હોવાનોહળાહળ’ આક્ષેપ પણ કરી નાખ્યો….! નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કરીને પોતે 11 વર્ષથી યમુનાનું પાણી પીવે છે એવો દાવો કર્યો ને હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈનીએ તો જાહેરમાં યમનાનું પાણી પીવાનો ડ્રામા પણ કરી દેખાડ્યો!
આ બધા વચ્ચે કૉંગ્રેસે તો કેજરીવાલ સામે પોલીસ ફરિયાદ કરીને જ ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કરેલાં. કૉંગ્રેસવાળા કેજરીવાલને ભ્રષ્ટાચારી, જૂઠ્ઠાઓના સરદાર, દેશદ્રોહી વગેરે વિશેષણોથી નવાજી રહ્યા છે. બાકી હતું તે છેલ્લે છેલ્લે `આમ આદમી’ પાર્ટીના સાત ધારાસભ્યએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, આ ધારાસભ્યોને છેક હમણાં ખબર પડી કે, પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ને પક્ષની મૂળ વિચારધારાને ત્યાગી દેવામાં આવી છે…બોલો!
રાજકારણીઓ દ્વારા થતા આક્ષેપોની આ તો અલપઝલપ છે, બાકી તો કાનના કીડા ખરી પડે એવી ગંદી ભાષા અને આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે તેના કારણે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર 1980ના દાયકાની `બી ગ્રેડ’ની કોઈ ફિલ્મ જેવો થઈ ગયો છે. કોણ વધારે ગંદા આક્ષેપો કરી શકે છે અને કોણ વધારે નીચલા સ્તરે ઊતરી શકે છે તેની હોડ અહીં ચાલી રહી છે.
Also read : 144 વર્ષે યોજાતો પૂર્ણ કુંભ મેળો મૅનેજમેન્ટનો માસ્ટરપીસ એવો મહાકુંભ મેળો
આવા ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષોમાં બીજી પણ હોડ ચાલી રહી છે. રાજકારણીઓ દ્વારા એકબીજાને ઉતારી પાડવા કરાતા ગંદા આક્ષેપો ઉપરાંત ગરીબો, મહિલાઓ, યુવાન મતદારોને આકર્ષવા માટે ખેરાતોનાં વચનોની પણ લહાણી થઈ રહી છે. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી’ પાર્ટી ત્રણેય વચ્ચે કોણ સરકારી તિજોરીને વધારે લૂંટાવશે તેની સ્પર્ધા ચાલી રહી હોય એવી હાલત છે. એક સમયે કેજરીવાલ દ્વારા અપાતાં રાહતનાં વચનોનેરેવડી’ કહીને મજાક ઉડાવનારા નરેન્દ્ર મોદીનો ભાજપ અત્યારે પોતે જ લોકોને રેવડીઓની ખેરાત કરી રહ્યો છે. ભાજપના નેતાઓને લોકો પોતાની વાતો પર કે વિકાસના દાવા પર ભરોસો નહીં કરે તેનો પાકો વિશ્વાસ હોય એમ લોકોને લોભાવવા માટે અને રેવડીઓની ખેરાત કરવા માટે ત્રણ-ત્રણ તો સંકલ્પપત્ર બહાર પાડ્યા છે.
ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ 17 જાન્યુઆરીએ સંકલ્પ પત્રનો પહેલો ભાગ બહાર પાડ્યો તેમાં સંકલ્પ પત્રને વિકસિત દિલ્હીનો પાયો’ ગણાવ્યો હતો. પહેલા સંકલ્પપત્રમાં ભાજપે ચૂંટણીમાં જીત મળે તો દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, ગરીબ મહિલાઓને સિલિન્ડર પર 500 રૂપિયા સબસિડી, હોળી-દિવાળી પર એક-એક સિલિન્ડર મફત આપવાની જાહેરાત કરી હતી.માતૃ સુરક્ષા વંદના’ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા અને 6 પોષણ કિટ પણ આપવામાં આવશે.
વીજળી, બસ અને પાણી અંગેની આમ આદમી પાર્ટી’ની 60-70 વર્ષના લોકોનું પેન્શન 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરાશે. વિધવાઓ, વિકલાંગો અને 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને 3000 રૂપિયાનું પેન્શન મળશે.અટલ કેન્ટિન’ યોજના હેઠળ ઝૂંપડપટ્ટીમાં ગરીબોને 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવશે.
એ પછી ભાજપના અનુરાગ ઠાકુરે 21 જાન્યુઆરીએ સંકલ્પ પત્રનો બીજો ભાગ બહાર પાડ્યો તેમાં સરકારી સંસ્થાઓમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધી મફત શિક્ષણ આપવાનું વચન, યુપીએસસીની પરીક્ષા આપનાર ઉમેદવારોને એકવાર 15 હજાર રૂપિયાની સહાય, પોલિટેકનિક અને સ્કિલ કેન્દ્રોમાં અભ્યાસ કરતા એસસી વિદ્યાર્થીઓને ડૉ. બી.આર. આંબેડકરના નામે 1,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ, ઘરેલુ નોકરાણીઓના કલ્યાણ માટે બોર્ડની રચના, ઘરેલુ નોકરો અને ઑટો-ટૅક્સી ડ્રાઇવરો માટે રૂ. 10 લાખનો વીમો અને રૂ. 5 લાખનું અકસ્માત કવર ઉપરાંત નોકરાણીઓને છ મહિનાની પેઇડ મેટરનિટી લીવ આપવાનાં વચન આપ્યાં છે.
અધૂરામાં પૂરું એમ અમિત શાહે 25 જાન્યુઆરીએ સંકલ્પ પત્રનો ત્રીજો ભાગ બહાર પાડ્યો તેમાં સ્વતંત્ર કોન્ટ્રાક્ટરો, કામદારોને જીવન અને અકસ્માત વીમો, બાંધકામ કામદારોને 10,000 રૂપિયા સુધીની ટૂલકિટ, 3 લાખ રૂપિયા સુધીની લોન, યુવાનો માટે 50,000 સરકારી નોકરીઓ, 20 લાખ રોજગાર અને સ્વરોજગારની તકો, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેટ્રોમાં મફત મુસાફરી સહિતનાં વચનોની ખેરાત કરી છે.
આમ આદમી’ પાર્ટીકેજરીવાલ કી ગેરંટી’ને નામે મહિલા સન્માન યોજના’ અંતર્ગત મહિલાઓને માસિક 2,100 રૂપિયા,સંજીવની યોજના’ હેઠળ 60 વર્ષથી વધુના લોકોને મફત હેલ્થકેર પૂરી પાડવી, દિલ્હીના જળ સંકટનો નીવેડો અને બાકી બિલ ભરવામાંથી મુક્તિ જેવાં વધારાનાં વચન આપ્યાં છે. મફત વીજળી, પાણી, મોહલ્લા ક્લિનિક વગેરે યોજનાઓ તો ચાલુ જ રહેશે.
કૉંગ્રેસના યુવા ઉડાન યોજના’ હેઠળ બેરોજગાર યુવાનોને એક વર્ષ માટે મહિને 8,500 ઉપરાંત યુવાનોને સ્થાનિક ઉદ્યોગોમાં એપ્રેન્ટિસશિપ,પ્યારી દીદી યોજના’ હેઠળ ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલાઓને મહિને 2,500 રૂપિયા અને 300 યુનિટ સુધી મફત વીજળીની ઑફર કરી છે. કૉંગ્રેસે દિલ્હીના તમામ રહેવાસીઓને 25 લાખનું આરોગ્ય વીમા કવચ અને દરેક ઘરમાં 500 રૂપિયાની સબસિડીવાળા ગેસ સિલિન્ડર આપવાનું વચન પણ આપ્યું છે.
આમ ભાજપ, કૉંગ્રેસ અને `આમ આદમી’ પાર્ટી દ્વારા કરાતા આક્ષેપો અને વચનોની ખેરાત આ દેશના રાજકારણીઓ માટે સત્તા જ સર્વોપરિ છે તેનો પુરાવો છે. પહેલાં લોકોને સીધો ફાયદો થાય એવાં વચન અપાતાં ત્યાં સુધી બરાબર હતું, પણ હવે તો મતદારોના ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરીને સીધી લાંચ આપીને મત ખરીદવાનો જ પ્રયત્ન બધા પક્ષ કરી રહ્યા છે.
દિલ્હીની ચૂંટણીમાં કોણ જીતશે એ ખબર નથી, પણ ગમે તે જીતે, હાર લોકશાહીની થવાની છે એ નક્કી છે. એક રીતે મતદારોના મતોની બોલી લગવાઈ રહી છે. મહિલાઓ, ગરીબો, બેરોજગાર યુવાનોના મતની જે સૌથી ઊંચી બોલી લગાવે તેના જીતવાના ચાન્સ વધારે છે એ જોતાં દિલ્હીની ચૂંટણીનું પરિણામ લોકશાહીના સિદ્ધાંતો પ્રમાણેનો જનાદેશ નહીં હોય, પણ રાજકીય પક્ષોએ નાણાં વેરવાનાં વચનો આપીને મેળવાયેલો ધનાદેશ હશે.
Also read : બેકારનું લેબલ ભૂંસવું છે? આ જગ્યા માટે એપ્લાય કરો…
આજે દિલ્હીની ચૂંટણી આ દેશમાં લોકશાહી મજાકરૂપ બની ગઈ છે અને પ્રામાણિક કરદાતાનાં નાણાં નેતાઓની સત્તાભૂખ સંતોષવા માટે વેડફાઈ રહ્યાં છે તેનો નક્કર પુરાવો છે. નેતાઓ વચનો પૂરાં કરવા માટેનાં નાણાં ક્યાંથી આવશે ને તેના કારણે દેશના કરદાતાઓ પર કેટલો બોજ પડશે તેની ચિંતા કર્યા વિના `મફત કા ચંદન ઘસ બે લાલિયા’ કરીને લૂલીને છૂટી મૂકી દીધી છે ને પ્રામાણિક કરદાતા લાચાર બનીને જોઈ રહેવા સિવાય કશું કરી શકતો નથી.
લોકશાહી માટે આનાથી વધારે શરમજનક બીજું શું હોઈ શકે?