સર્જકના સથવારે : ખમીર-ખુમારીનો અલગારી કવિ વેણીભાઈ પુરોહિત…
- રમેશ પુરોહિત
જલ વરસી થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી
ધરતીનો પટ મસ્તાન મુલાયમ શીતલ ને કુંજાર હતો
ગાંધીયુગના કવિ ખરા પણ આદર્શવાદના દંભ અને દેખાડા વગરના એક સાચકલા સર્જક કવિ વેણીભાઈ પુરોહિતની આજે વાત કરવી છે. વેણીભાઈ એક ખુશમિજાજી માણસ હતા. એમનું બહુમુખી અને બહુરૂપી વ્યક્તિત્વ ખુમારી અને ખમીરથી ભર્યું ભર્યું હતું. એ અચ્છા પત્રકાર હતા એટલે એમને કશાનો છોછ ન હતો. ફિલ્મ પત્રકારત્વમાં એમના શબ્દનું વજન હતું. તત્કાલીન ઘટનાઓને કેન્દ્રમાં રાખીને અખા ભગતને નામે `ગોફણ ગીતા’માં વેધક અને ધારદાર નિરીક્ષણો એમની ખૂબી હતી. વેણીભાઈ તળપદી બાનીમાં રસતરબોળ કરે અને કોઈની શેહ-શરમ વગર કહેવાનું કહી દે.
Also read : આધુનિક ગઝલના પ્રણેતા શેખાદમ આબુવાલા
વેણીભાઈએ ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો અને સાબરમતી જેલમાં એક વર્ષ જેલવાસ ભોગાવ્યો, પણ સમયે મિજાજ એવો ને એવો. એમની સાથે જેલમાં હતા કવિ રતિલાલઅનિલ’ જે એ વખતે કવિતા નહોતા કરતા પણ નોંધે છે કે `મારા જેવા અકવિનો પહેલા સાહિત્યકારનો પડોશ સાબરમતી જેલમાં વેણીભાઈ પુરોહિતનો એ જેલમાં પણ મઘઈ પાન ખાઈને મોઢું લાલ અને મિજાજ ગુલાબી રાખનારો માણસ જુદો હતો. એ મોજીલો માણસ જેલની કોટડીમાં આપકળાથી ભજિયાં બનાવી ટેસથી ખાતો. પછી તો અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં સંખ્યાબંધ મુશાયરામાં એમણે ભાગ લીધો. તેમાં એ મોજીલો માણસ સાવ જુદો પડી આવે અને અમારી જેલની દોસ્તી રિન્યૂ થયા કરે.’
વેણીભાઈ ગીત, છાંદસ, ભજન કે ગઝલ લખે, પણ આ બધાંમાં ધ્યાન ખેંચતું તત્ત્વ એનું સંગીત હતું. વેણીભાઈએ પોતે કહ્યું છે એમ એમની કવિતાનાં મૂળ હવેલી સંગીતમાં હતાં. એમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો. એક જગ્યાએ નોંધે છે કે મારું જન્મસ્થળ સંગીતશોખીનોનું ઠૂમરી, દાદરા અને ગઝલના જલસાઓમાં નાનપણથી શરીક થનાર આ કવિમાં રહેલો સર્જક સભર સભર થયો હતો. એમના સર્જનમાં સંગીતનો સમન્વય પ્રાસરચનામાં ઉપકારક નીવડતો. સંગીતમય શબ્દ અને શબ્દનું સંગીત આ રીતે વહેવા માંડતું:
વાય વેણુ પરોઢધૂન માંડી
ને નાચે છે નોબતની દાંડી,
હો દેવ! આજ જાગો!
વેદ ગુંજે છે છંદ
ગેબ ગાજે પડછંદ
મારા નયનોના નંદ
દેવ જાગો…
મારા મંદિરના દેવ, આજ જાગો
જ્યારે ફાગણ મહિનામાં વિજોગણની વાતમાં રહેલું લય-લહેકા અને સંગીતનું કેસરિયું રમખાણ માણવા જેવું છે:
આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ
સવળા વાતા વાયરા એની અવળી વાગે ચોટ
ભુલકણા એ શું નહીં તુજ ભૂલ?
ખીલ્યા કેસૂ ખાખરે એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ.
Also read : સૈફ અલી ખાન પટૌડી પરિવારને 15 હજાર કરોડનો ફટકો
વેણીભાઈની કવિતામાં અનેક સ્તર છે. એ ગીત લખે, ભજન લખે અને દીર્ધ કાવ્ય લખે. ગઝલોની રવાની અને બાની જુદી તરી આવે. ક્યાંક રંગીની, ક્યાંક રવાયત, ક્યાંક ગેરુઓ તો ક્યાંક ગુલાલની રંગછોળો ઊડતી હોય. ગાંધીયુગના હોવા છતાં સર્જનમાં અનુ-ગાંધીયુગના હતા. આપણે જોયું તેમ આઝાદીની લડતમાં ઝંપલાવી ને કારાવાસ ભોગવનાર કવિ પાસે જીવનનો આશય હતો. ફૈઝ અહમદ ફૈઝ જેલમાં બેઠા બેઠા લખે છે કે:
ચાંદ-તારે ઈધર નહીં આતે
વરના જિંદા મેં આસમાં હૈ વહી
વેણીભાઈએ પણ જેલની બરાકમાં લખેલ સ્મૃતિ સિંજારવની શરૂઆત પણ કંઈક આવી જ કરી છે:
ધીમે ધીમે વધે છે આ અંધારું આસપાસનું
ખૂલે છે બારણું મારી બરાકે બંદીવાસનું
વેણીભાઈ છંદમાં લખે. ક્યારેક લાગે કે એ ભલે રીતસરનું છંદશાસ્ત્ર નહીં શીખ્યા હોય પણ એમના કેળવાયેલા કાનનો છંદ તો શુદ્ધ જ નીખરી આવતો. આપણે આગળ હવેલી સંગીતની અને એના સંદર્ભમાં એમના ભક્તિગીત `વાય વેણુ પરોઢધૂન માંડી, ને નાચે છે નોબતની દાંડી’નો ઉલ્લેખ કર્યો. આ ગીતમાં કવિની ખૂબી જુઓ. વેણીભાઈ આપણી સામે એક ચિત્ર ખડું કરે છે. પરોઢધૂનની વખતે જે નોબત વાગતી હોય એને કવિ આ રીતે મૂકે છે કે નાચે છે નોબતની દાંડી. નોબત શબ્દની સાથે આપણા કાન સરવા થઈ જાય પણ નાચે છે શબ્દથી આંખ સામે એક ચિત્ર મૂર્તિમંત થાય. એક સર્જકે કહ્યું છે કે કવિ પાસે સતેજ- સતર્ક ઇન્દ્રિય હોવી જોઈએ. એ એક પંક્તિમાં આંખ અને કાનને સાવધ કરી દે છે.
વેણીભાઈની કવિતામાં નિસર્ગની નાવીન્યતા અને પ્રકૃતિનાં ચિત્રો અને ગીતમાં સંગીતમય લયની આગવી મિરાત એ મોટું પ્રદાન છે. ભજનોમાં પરંપરા છે તો આધુનિકતા પણ છે. મનુભાઈ ત્રિવેદીની જેમ ગીત અને ગઝલમાં સરખી ગતિ હતી તેવી જ વેણીભાઈની છે. કિરતારની ધૂન કિર્તનમાં લાવીને અલૌકિક વાતાવરણ સર્જે છે, ભાવ અને ભાષાની સરળતા લાગણીની તીવ્રતા અને સચ્ચાઈનો રણકો આ કવિના ગીતમાં, ભજનમાં અને ગઝલમાં સંભળાય છે:
હરિકીર્તનની હેલી રે મનવા!
હરિ કીર્તનની હેલી.
ધ્યાનભજનની અરસપરસમાં જાગી તાલાવેલી
ધામધૂમ નર્તન-અર્ચનની સંતત ધૂન મચેલી
આ અલગારી મિજાજના કવિએ પૂર્ણ સમયના પત્રકારત્વ સાથે સાહિત્યના અનેક પ્રકારોમાં સર્જન કર્યું અને શબ્દ સાધનાની ધૂન મચાવી. ગીતની જેમ ગઝલમાં પણ શબ્દ પસંદગી, રવાની, લય અને રંગીની એમનાં ઊજળા પાસાં છે. એમણે આપેલી ગઝલોમાં નોખી તરી આવતી આ ગઝલના ચંદ શેર માણીએ:
એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો
તમરાની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.
જલ વરસી થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ શીતલ ને કુંજાર હતો
ભરતી ને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો
મન ભીનું ભીનું જલતું’તું એ આતશનો આધાર હતો.
Also read : સુખનો પાસવર્ડ ઃ વિકટ સંજોગોમાં પણ આત્મવિશ્વાસ ન ગુમાવવો જોઈએ
ગઝલ સર્જન માટે સ્વભાવની મસ્તી અને શબ્દોની માવજત વેણીભાઈમાં અલગારીપણું છે, પ્રેમવૈફલ્યની ચોટ પણ છે, ગાઢ વેદના અને ઊંડી ગમગીની પણ નજરે પડે છે. કાફિયાની નવીનતા અને નિર્વાહ પરથી ગઝલકાર પરખાઈ આવે છે. વેણીભાઈ કાફિયાને કેવી રીતે નિભાવે છે તેનું ઉદાહરણ એમની `દસ્તૂર થાતો જાઉં છું.’ એ ગઝલમાં મળી રહે છે. ગઝલના થોડા શેર જોઈએ:
આશકોની આહની અંગૂર ખાતો જાઉં છું.
પ્યારમાં ને પ્યારમાં મન્સૂર થાતો જોઉં છું.
એ હથેળીમાં હિનાની મુશ્કરાહટ લાલ-લાલ
મનનો હું મજબૂત પણ મજબૂર થાતો જાઉં છું.
આપણી આ અલવિદાનાં આંસુઓ લે સાચવી,
કોકના સેંથાનું હું સિન્દૂર થાતો જાઉં છું.
એમણે અમદાવાદના એક મુશાયરામાં કવિશ્રી ઉમાશંકર જોશીની હાજરીમાં એક રંગીન ગઝલ પેશ કરી હતી જેની શરૂઆત આ પ્રમાણે છે:
સનમ શોખીન ગુલાબી છે, અને બંદો બદામી છે
મને એ ભોટ માને છે, સનમનું દિલ હરામી છે.
આના પછી ઉમાશંકર જ્યારે મળે ત્યારે વેણીભાઈને બંદો બદામી કહીને આવકારતા.
એમનો પ્રથમ કાવ્યસંગ્રહ સિંજારવ’ 1955માં ગ્રન્થસ્થ થયો હતો. એના પછીનાદીપ્તિ’ કાવ્યસંગ્રહને મુંબઈ સરકાર તરફથી દ્વિતીય પારિતોષિક મળ્યું હતું. એમની કવિતામાં વિષયનું વૈવિધ્ય, રચનાનું નાવીન્ય, ચિંતનની ચિનગારી અને શાયરની મસ્તી છે. ગીતો સુમધુર છે, ભજનો મીઠાં છે, ગઝલ રંગીન છે. વેણીભાઈ પ્રસિદ્ધ છે કવિ તરીકે પણ એમનું પ્રથમ પુસ્તક તો વાર્તાઓનું વાંસનું વન’ હતું. પછીઅત્તરના દીવા’ અને `સેતુ’ વાર્તા સંગ્રહો આવ્યા.
એમની કવિતાએ ગાંધીજીને પણ સ્પર્શયા છે. ગાંધીજીને વેણીભાઈનું ગીત `વિસામો’ ઘણું ગમતું જેની શરૂઆત આ પ્રમાણે છે:
થાકે ન થાકે છતાં એ હો માનવી! ન લેજે વિસામો!
ને ઝૂમજે એકલ બાંયે-હો માનવી! ન લેજે વિસામો.
વેણીભાઈ જેવા બહુશ્રુત અને બહુમુખ સર્જક બહુ ઓછા મળે છે. ગીત, ભજન, ગઝલ, વાર્તા, પત્રકારત્વ ઉપરાંત સમૃદ્ધ નૃત્યનાટિકાઓ પણ આપી છે. તેમાંની વાસવદત્તા’,વાંજિત્રોની વાણી,’ જંતરમંતર’ વગેરે લોકપ્રિયતાને વરી હતી. આમ એમની કાવ્યસૃષ્ટિમાં ગેરુ પણ છે. અને ગુલાલ પણ છે. ભાષાની છટા અને છાક બન્ને દેખાય. ગઝલમાંજાનેમન’ શબ્દ મૂકીને જાણે કે વાત કરતા હોય એમ શેર કહે:
જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી
Also read : AIનો લાભ ગામડાંને છેવટના માણસ સુધી પહોંચવો જરૂરી છે
એમના ભજન `ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલા’નો કવિ-સર્જક સુરેશ જોશીએ કરેલો આસ્વાદ વાંચીએ તો વેણીભાઈના સર્જનની ઝાંખી થઈ શકે.