આજે આટલું જ : ભુલાઈ ગયેલી ભાષા…
- શોભિત દેસાઈ
એક ગજબનું સામ્ય હતું બન્નેમાં… મરણાનુક્રમે ગોઠવું તો ઓશો અને પ્રવિણ જોશીમાં. (જુકુ દુનિયાની સૌથી ઉત્તમ ચીજોને ક્યા શબ્દથી નવાજે છે, જાણો છો? ખતરનાક! બોલો, શું કરીશું આપણે એનું?) એ ખતરનાક’ સામ્ય એ હતું કે ભાષા એનાં સૌંદર્ય-લાલિત્ય-ગરિમા-નાજુકાઈ-ભવ્યતાની પરાકાષ્ટાએ અથવા એથીય ઉપર હતી. બન્ને થકી… (ઓહોહોહો! કેટલા દાયકા પછીથકી’ લખ્યું! `થકી’ લખીએ વાંચીએ તો થોડો થાક તો લાગે…) ઓશોની હિન્દી અને પ્રવિણ જોશી પાસે, પોતાની અને નાટ્યલેખકોની ગુજરાતી.
Also read : સ્પોટ લાઈટ : વહાલા પ્રેક્ષકોએ ઘર અપાવ્યું
એમાં પાછું ભળે બન્નેના અર્ધકાલા અવાજનું માર્દવ. બાજરીનાં લોટમાં ખૂબ શુદ્ધ ઘીનું મોણ નાંખેલા રોટલા, ઓળો અને ગોળકેરી ગળે પતંગિયાની ઊડાઊડા કરતા લાગે. પ્રજો પછી 1979થી સતત અત્યાર સુધી ગુજરાતીની અને ઓશો પછી 1990થી સતત અત્યાર સુધી હિન્દીની કશીક પૈણી ગઈ છે એ વાત તો ચોક્કસ.
ખતરનાક’ સામ્ય બીજું… જેમણે દેશની વ્યવસ્થાને 1947થી અત્યાર સુધી કૂટવાનું ચાલુ રાખ્યું છે એવી નેતાગીરીના કેટલાક જ્યારે ઉપકાર કરે છે અહીંથી જવાનો તો અંધભક્તો એ દિવસનેનિર્વાણ દિન’ તરીકે ઓળખીને અટકતા હોય તો તો ક્યાં વાંધો જ છે! પણ એને મહાપરી નિર્વાણ દિન’ તરીકે ખપાવે એ વખતે આપણા જેવા માટે ધરતીએ મારગ ન આપવો જોઈએ!? (હશે. ભઈલા શોભિત! જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહનું તે સમે તે જ…) તો પ્રજો અને ઓશોએ પસંદગીનો કળશ ઢોળેલા 19 જાન્યુઆરીના દિનને (1979 અને 1990) શેનાથી મઢીએ?! મહાનતમ હંમેશાં એટલું સરળ હોય છે કે એનેલીલા સમાપ્તિ દિન’ તરીકે ઓળખીએ?!
અને બન્ને… સ્ટાઈલ, છટા, લઢણ, નકશી, ભાતના જન્મદાતા… સ્ટેજ અને વક્તવ્યમાં, અને જાળવણીકાર પણ… મરાઠીની મૂળ પાતળી પંક્તિઓના એથીય પાતળાં ગુજરાતી પોતને પ્રજો પોતાના સંસ્કારથી પલાળી સ્ટેજ ઉપર ફરતાં હવામાં મૂકે… કે ઓશો તો સિંહાસને બેઠાં બેઠાં જ માત્ર આંગળીઓના હાવભાવ અને આંખના હલનચલનથી ભાષા પરિપ્લાવિત કરી અવની પર અવતારે, ત્યારે રૂબરૂને તો એમ જ થાય કે જે કપોળકલ્પિત જ છે એ સ્વર્ગ આ જ તો નથી ને! (જી હા, મર્યા પછી કૈં જ નથી, શરત બકવા તૈયાર છું. કાં તો બળી જવાનું છે અથવા પૂરાઈ રહેવાનું છે, નિશ્ચેતન નામના પરમ સખા સાથે. માટે સારા કામ કરવાની તરત જ સ્વર્ગાનુભૂતિ અને બદ્, ખરાબ કાર્યોની તરત જ નરકાનુભૂતિ અહીં જ લૂંટવાની- ભોગવવાની છે. પ્રજો/ઓશો જેવા કેટલાક જે એમના ખર્ચે, જોખમે અને જીવનના ભોગે તમને સ્વર્ગાનુભૂતિ ધરે છે.. કોઈક મહેંદી હસન, કોઈક જગજીત સિંગ, કોઈક ઝાકીર હુસેન, કોઈક ગાલિબ, કોઈક નરસિંહ મહેતા ઈત્યાદી જેવા સાથે…) આપણે પ્રજો/ઓશોની વાત કરતા હતા. તો સ્ટાઈલ તો એમના પોતપોતાના પૂજ્ય પિતાશ્રીઓની એમ લાડથી કહીએ તો એમાં ખોટું નહીં…
લો, વાત કરવાની હતી એસ ધમ્મો સનંતનો’ નામની ઓશો વક્તવ્ય શ્રેણીનું 98મું વક્તવ્ય કે જેમાં ઓશો સ્વયમના શિષ્યગણમાંથી કોઈકે આલેખેલી બુદ્ધની વાર્તાનું પઠન કરે છે શરૂઆતમાં એની… અને વાતે ચઢી ગયા આજે પ્રવીણ જોશી અને ઓશોના 19 જાન્યુઆરી (હમણાં જ 2025નાને રવાના કર્યો)ના દિવસની. પણમુંબઈ સમાચાર,’ ગુજરાતી ભાષા અને આપણી (મારી એકલાની નહીં) આ કોલમ `યાવદ્ ચંદ્ર દિવાકરો’ છે એટલે બુદ્ધને ઓશોના હોઠથી આવતા રવિવારે અડીશું.
Also read : વલો કચ્છ : 26 જાન્યુઆરીની ગોઝારી સવાર: કચ્છનાં આંસુભીનાં સ્મરણો
વામન વિષય ત્યજીશું, વિરાટ તો થવાશે
છોડીશું દીન માનસ, સમ્રાટ તો થવાશે
કલકલ-પરોઢ-ખોળો-માળાની પાર જઈને
નીરખીશું આભ સામે, ફફરાટ તો થવાશે
ભીનાં નયનની સાથે, સેવીશું દુ:ખ જગતનાં
ચહેરાનો એના મબલક મલકાટ તો થવાશે
બાકી તો ચાલવાની, નમવાની સૌ પ્રથાઓ
માથું જો ઊંચકીશું, તરખાટ તો થવાશે
પગ પર હો આંખ બન્ને, મંઝિલ ઉપર નજર હો
સાધીશું જો સમન્વય, પૂરપાટ તો થવાશે.
આજે આટલું જ.