સુરતમાંથી 14 લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપાયું, માત્ર આટલા રૂપિયે કિલો વેચાતું હતું
Surat News: ડાયમંડ નગરી સુરતમાં છેલ્લા થોડા દિવસોથી નકલી ચીજ વસ્તુઓ મોટા પ્રમાણમાં ઝડપાઈ રહી છે. સુરત રૂરલમાંથી નકલી સાબુ, સફાઈ લિકવીડ સુધીની નકલી વસ્તુઓ પકડાઈ આવી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીના ગોડાઉનમાં દરોડા દરમિયાન 14 લાખથી વધુની કિંમતના ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો.
સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી મારૂતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ખાતા નંબર 13, 14માં શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી પલસાણા પોલીસે લેબલ વગરના અલગ અલગ પૂઠ્ઠાના બોક્સમાં રાખેલા ડબ્બાઓ તેમજ પતરાના ડબ્બાઓમાં ભરેલા ઘી જેવું શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલ FSL ટીમને સાથે રાખી લીધા હતા. પલસાણા તાલુકાના જોળવા ખાતે 14.48 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો.
આ ઘીમાં મીલ્ક ફેટની જગ્યાએ કલર, વનસ્પતિનો ઉપયોગ થતો હોવાની શંકા છે. ઘી બજારમાં 375 રૂપિયે કિલોથી માંડીને અલગ અલગ કિંમતે વેચાતું હતું. જોકે રિપોર્ટને આધારે ભેળસેળનું પ્રમાણ નિર્ધારીત થશે. ઘીના સેમ્પલ વડોદરા લેબમાં મોકલાયા હતા. લેબમાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટ, સુરત અને વડોદરાથી પણ મહાકુંભ માટેની વોલ્વો બસ સેવા આપવા ઉઠી માંગ…
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી નકલી જીરું, નકલી તેલ, નકલી પનીર સહિતની અનેક નકલી ખાદ્યચીજો પકડાઈ છે. જેને લઈ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા નક્કર પગલાં ભરવામાં આવતા ન હોવાનું લાગી રહ્યું છે.