અમરેલીટોપ ન્યૂઝ

Gujarat Politics: અમરેલી ભાજપમાં વધુ એક ભડકો, યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભર્યું

Amreli News: રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અમરેલી ભાજપના વિવિધ વિવાદનું એપી સેન્ટર બન્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી છે. યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભરતાં ચકચાર મચી ગઈ હતી. અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેનભાઈ પાડાના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભરતાં રાજકીય હડકંપ મચી ગયો છે. હિનાબેન હિરેનભાઈ પાડાએ લાઠીમાં વોર્ડ નં.૩ માટે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. ભાજપના હોદ્દેદારના પરિવારજને કૉંગ્રેસમાંથી દાવેદારી નોંધાવતા લાઠી તાલુકા ભાજપમાં ઉકળતો ચરૂ બહાર આવ્યો છે.

અમરેલીમાં લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામશે. લાઠી નગરપાલિકાના ભાજપના ઉમેદવારો ઢોલ નગારા સાથે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. લાઠીના ધારાસભ્ય જનક તળાવીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પણ ઉત્સાહ સાથે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કૉંગ્રેસના પ્રભારી પ્રવિણભાઇ રોઠોડ પણ ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : અમરેલી લેટર કાંડઃ આરોપી મનીષ વઘાસીયાએ કર્યો મોટો ઘટસ્ફોટ, રાજકારણમાં આવી શકે છે ગરમાવો

લાઠી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ, કૉગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 64 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપ – 24, કૉંગ્રેસ – 24, આપ – 14 અને 2 અપક્ષો ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. 3 તારીખે આ ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમજ 4 તારીખ ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ છે. આમ લાઠી નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરેખરનો ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

નવસારીમાં ભાજપમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી

નવસારીમાં બીલીમોરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપમાંથી ટિકીટ ન મળતા નારાજ કાર્યકર્તા, નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બીલીમોરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંધ્યાબેન પટેલે પણ નારાજગીને કારણે કૉંગ્રેસનો હાથ પકડ્યો હતો. વર્ષ 2013થી 2015 દરમિયાન બીલીમોરા પાલિકાના પ્રમુખ રહેલા સંધ્યાબેન પટેલે કૉંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપમાંથી છેડો ફાડી સંધ્યા પટેલે વોર્ડ નં. 7માંથી કૉંગ્રેસના મેંડેટ પર ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ભાજપમાંથી ટિકીટ ન મળતા અન્ય નારાજ કાર્યકરોએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button