ગુજરાતનો રવિવાર ગમગીનઃ ડાંગ પછી ગાંધીધામમાં માર્ગ અકસ્માતમાં ત્રણના મોત
ભુજઃ ગુજરાતની રવિવારની સવાર ખુશ્નુમા ને બદલે ગમગીન થઈ ગઈ છે. વહેલી સવારે ડાંગના સાપુતારામાં બસ પલટી ખાઈ જતા પાંચ જણના મોતની ખબર આવી હતી ત્યારે કચ્છના ગાંધીધામમાં પણ એક પરિવારને માર્ગ અકસ્માત નડતા ત્રણના મોત થયાના સમાચાર આવ્યા છે.
રાધનપુર-સાંતલપુર ધોરીમાર્ગ પરના બામરોલી નજીક કચ્છના ગાંધીધામ તાલુકાના ચુડવા ગામ નજીક એક મુસ્લિમ પરિવારની સ્કોર્પિયો જીપકાર પલટી મારી જતાં પતિ, પત્ની ઉસ્માન કોરેજા, ફરીદા ઉસ્માન કોરેજા અને કુમળી વયના બાળક સહિત ત્રણ સભ્યોના કમકમાટીભર્યાં મોત નીપજયા હતા જ્યારે અન્ય બાળકો સહિત ૭ને ઇજાઓ પહોંચતાં ધારપુર તેમજ રાધનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ગમખ્વાર અકસ્માત અંગે વારાહી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ, ચુડવા ગામના ઉસ્માન કોરેજા તેમના પરિવાર સાથે ઊંઝા નજીક ઉનાવા ગામે આવેલી પ્રસિદ્ધ હજરત સૈયદ અલી મીરા દાતાર (ર.અ.)ની દરગાહ ખાતે સલામ કરવા જઈ રહ્યા હતા. બામરોલી ગામ નજીક તેઓ પહોંચ્યા ત્યારે પૂરપાટ વેગે દોડતી સ્કોર્પિયો જીપકાર કોઈ કારણોસર રસ્તાની સાઈડમાં ત્રણ-ચાર પલટી ખાઈ જતાં વાહનમાં મુસાફરી કરી રહેલાં પતિ-પત્નિ અને બાળકનું ગંભીર ઈજાઓથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતી, જ્યારે પરિવારના ઇસબ હાજી કોરેજા, હાજરાબેન ઈસબ કોરેજા,આશીયાબેન અશરફ કુરેજા અને નાના બાળકો મળી કુલ ૭ જેટલા સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો : ભુજ-દિલ્હી ફલાઈટની શુભ શરૂઆતઃ પ્રથમ દિવસે જ ૯૬ ટકા સિટ બુક
બનાવ સ્થળે ધસી ગયેલી નેશનલ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ વાનમાં ઇજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માત મામલે વારાહી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ જણાના મોત નિપજતા કચ્છ સહીત બૃહદ કચ્છમાં ભારે ગમગીની પ્રસરી છે. દરમ્યાન, ઈજાગ્રસ્તો પૈકી એક મહિલાની હાલત ગંભીર હોવાના અહેવાલો આ લખાઈ રહ્યું છે ત્યારે સાંપડી રહ્યા છે.