ભુજ

ભુજ-દિલ્હી ફલાઈટની શુભ શરૂઆતઃ પ્રથમ દિવસે જ ૯૬ ટકા સિટ બુક

ભુજઃ આતુરતાથી રાહ જોવાઇ રહેલી વિસ્તારા એરલાઇન્સની દિલ્હી-ભુજ વચ્ચેની સીધી ફ્લાઇટની વિધિવત શરૂઆત થતાં કચ્છીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

ભુજના હવાઈમથક પર દેશની રાજધાનીથી આવી પહોંચેલા બોઇંગ એરક્રાફ્ટને બે વોટર કેનન વડે સલામી આપવામાં આવી હતી. ૧૮૨ સીટની ક્ષમતા ધરાવતી આ ફલાઈટમાં પ્રથમ દિવસે ૧૭૬ મુસાફરોએ દિલ્હીથી ભુજની મુસાફરી કરી હતી.

આનંદના આ અવસર પર એરપોર્ટના ડાયરેકટર નવીનકુમાર સાગરે જણાવ્યું હતું કે, ભુજ-દિલ્હી વચ્ચે ફલાઈટ શરૂ થતાં ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહેલા ભાતીગળ પ્રદેશ કચ્છની ઈન્ટરનેશનલ કનેક્ટીવીટી વધશે જેનો સીધો ફાયદો એનઆરઆઈ મુસાફરોને થશે. કચ્છથી વિદેશ જતા આવતા પ્રવાસીઓ માટે તેમજ ઉતરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર ફરવા જતા પ્રવાસીઓને પણ ફાયદો મળશે.

ભુજ-દિલ્હી વચ્ચેની આ ફલાઈટ પ્રથમ ઉડાનમાં જ ૯૬ ટકા બુક હતી. દિલ્હીથી આફ્રિકા જતી ફલાઈટ દિલ્હીથી બપોરે ૧૨.૩૦ ઉપડે છે તેને રાત્રે ૧૨.૩૦ વાગ્યે ઉપાડવામાં આવે તેવી રજુઆતો કરાઈ છે જેથી, ભુજથી જતા મુસાફરોને આફ્રિકા માટે આ ફલાઈટ મદદરૂપ બની રહે. તેમજ લંડન અને સીંંગાપુર જતા મુસાફરોને પણ આ ફલાઈટ થકી લાભ મળે તે માટે રજુઆતો કરાશે. પહેલા દિલ્હી જવા માટે અમદાવાદ અને રાજકોટ જવાની ફરજ પડતી અને પાંચ છ કલાકની અને આખી રાત મુસાફરી કરવી પડતી હતી તે સમસ્યાનો અંત આવ્યો છે. કંડલા, મુંદરાને સીધી આ ફલાઈટથી દિલ્હીની કનેકટીવીટી મળશે. લંડન અને યુરોપ જવા માટે ખાસ ફાયદો થશે. ફ્લાઇટ ન હોતાં વિદેશી પ્રવાસીઓની કચ્છમાં સંખ્યા ઘટતી જતી હતી, પરંતુ હવેથી તેઓ પણ સરળતાથી દિલ્હીથી ભુજ આવી શકશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો : ભુજ-મુંબઈ ફ્લાઈટ રદ થતાં ઉતારુઓ રઝળી પડ્યા

આજથી શરૂ થયેલી આ ફલાઈટ દિલ્હીના ઈન્દીરા ગાંધી એરપોર્ટથી બપોરે ૩ વાગ્યે ઉડાન ભરી, ભુજ એરપોર્ટ પર ૪.૩૦ વાગ્યે ઉતરાણ કરશે અને પરત સાંજે ૫.૩૦ વાગ્યે ઉપડી સાંજે ૭ કલાકે દિલ્હી એરપોર્ટ પહોંચશે.

૧૮૦થી ૧૬૦ની સીટની ક્ષમતાવાળી ઈકોનોમી કલાસની ટિકિટ રૂ.૮૭૫૦ તેમજ ઓફ સીઝનમાં આ ભાવ ૫૫૦૦ સુધી જવાની સંભાવના છે. ભુજ- દિલ્હી વચ્ચે ફલાઈટ શરૂ થવાથી અમદાવાદ સુધીનો લાંબો ધક્કો બચશે.

અગાઉ આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં મુસાફરી કરવા માટે દિલ્હી- અમદાવાદની ફલાઈટમાં મુસાફરી કરવી પડતી હતી પરંતુ હવેથી સમય બચશે.

દિલ્હી માટે સીધી ટ્રેન સહિત વધુ એક સુવિધાના ઉમેરાથી રણોત્સવ સહિત પ્રવાસન, તહેવારો, લગ્નસરાની સિઝનમાં લોકોને ફાયદો મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button