વિક્રોલી આરઓબીની ફરી તારીખ પડી માર્ચ નહીં પણ ચોમાસા પહેલા મે મહિનામાં ખૂલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિક્રોલી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો અને લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો ફ્લાયઓવર વાહનવ્યવહાર માટે ચોમાસા પહેલા ખૂલ્લો મુકાવાનો છે. જોકે સ્થાનિક કાર્યકર્તાઓના દાવા મુજબ પુલની પશ્ર્ચિમ તરફના અપ્રોચ રોડને કારણે કામમાં વિલંબ થઈ રહ્યો હોવાથી આ પુલનું કામ તેની સમયમર્યાદામાં પૂરું થવાની શક્યતા બહુ ઓછી છે.
લાલબહાદુર શાસ્ત્રી માર્ગ (એલબીએસ) અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવને જોડનારો વિક્રોલીમાં બની રહેલો રેલ ઓવર બ્રિજ (આરઓબી)નું બાંધકામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ સૌ પહેલા ૨૦૧૮માં આરઓબીને મંજૂરી આપી હતી અને તેનું બાંધકામ ઓક્ટોબર, ૨૦૨૦ સુધીમાં પૂરું કરી નાખવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. જોકે પુલની ડિઝાઈનમાં ફેરફાર, અતિક્રમણ, જમીનના સંપાદન સહિત ૨૦૧૯માં કોરોના મહામારીને કારણે લાગુ પડેલા લોકડાઉન જેવા કારણોથી કારણે પુલના કામમાં અનેક વિધ્નો આવ્યાં હતાં. તેને પગલે પુલની ડેડલાઈન લંબાઈ ગઈ હતી અને મે ૨૦૨૩ પુલ ખૂલ્લો મુકાવાનો હતો, તેની મુદત ડિસેમ્બર, ૨૦૨૪ની થઈ હતી. જોકે હવે પાલિકા પ્રશાસને આ પુલ મે, ૨૦૨૫ સુધીમાં ખુલ્લો મૂકવામાં આવશે એવું આશ્ર્વાસન આપ્યું છે.
વિક્રોલીમાં પૂર્વ-પશ્ર્ચિમને જોડનારો રેલવે ફાટક બંધ થયા બાદ વર્ષોથી કનેક્ટિવિટીની સમસ્યા રહી છે. લગભગ ૬૧૫ મીટર લાંબા અને ૧૨ મીટર પહોળા આ પુલ પાછળ લગભગ ૮૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક નાગરિકોને વિક્રોલી પૂર્વથી વિક્રોલી-પશ્ર્ચિમ જવા માટે ઘાટકોપર અથવા તો કાંજુરમાર્ગ સ્ટેશન પાસેના ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે. વિક્રોલી સ્ટેશન પરનો આરઓબી બંધાઈ ગયા પછી સ્થાનિક નાગરિકોને મોટી રાહત થઈ રહેવાની છે. જોકે સ્થાનિક કાર્યકર્તાઓના કહેવા મુજબ પૂર્વમાં અપ્રોચ રોડ સહિતના કામ થઈ ગયા છે. પરંતુ વિક્રોલી-પશ્ર્ચિમમાં અપ્રોચ રોડ સહિતનાં અનેક કામ બાકી છે, તેથી પાલિકાએ પુલ શરૂ કરવા માટે આપેલી માર્ચની સમયમર્યાદામાં આ પ્રોજેક્ટ પૂરો થવા અંગે શંકા છે.
આ પણ વાંચો : શોકિંગઃ પરિવારના વિરોધને કારણે વિક્રોલીમાં પ્રેમી યુગલે ભર્યું અંતિમ પગલું
અન્ય સ્થાનિક કાર્યકર્તા ગણેશ શેટ્ટીના જણાવ્યા મુજબ લાંબા સમયથી સ્થાનિક નાગરિકો ફ્લાયઓવર ખૂલ્લો મુકાવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ કામ જે ગતિેએ ચાલી રહ્યું છે, તેને જોતા માર્ચ મહિનામાં પુલનું કામ પૂરું થાય એવું જણાતું નથી. પરંતુ એક વખત પુલ ખૂલ્લો મુકાશે તો તેનાથી રાહત તો થશે પણ સાથે જ સ્થાનિક નાગરિકોની તકલીફમાં પણ વધારો થવાનો છે. વિક્રોલી પૂર્વમાં મોટા પ્રમાણમાં રિડેવલપમેન્ટના કામ થયા છે. વસતી વધી રહી છે, તેમાં પાછું આ ફ્લાયઓવરને કારણે ટ્રાફિકની સમસ્યામાં હજી વધારો થવાનો છે. ફ્લાયઓવર બંધાઈ ગયા બાદ પશ્ર્ચિમથી પૂર્વમાં આવનારા વાહનો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વિક્રોલી ટાગોર નગર-ક્ધનમવાર જંકશન પાસે બોટલનેકને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી કરશે. અહીં સ્કૂલ પણ આવેલી છે. અહીં રસ્તા સાંકડા છે અને અત્યારે જ મોટા પ્રમાણમાં ટ્રાફિકની તકલીફ છે, જે આગળ જઈને પુલ ખુલ્લો મુકાયા બાદ હજી વધશે.
ટેક્નિકલ સમસ્યાથી વિલંબ
પાલિકાના પુલ વિભાગના ઉચ્ચ અધિકારીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે વિક્રોલીના પુલમાં પશ્ર્ચિમ તરફનું કામ ટેક્નિકલી પડકારજનક છે. પશ્ર્ચિમમાં જગ્યા સાંકડી છે અને અહીં ‘એસ’આકારમાં ગર્ડર નાખવામાં આવી રહ્યા છે, તેને બેસાડવા માટે ચોક્કસ ઈન્સ્ટોલેશન અને સમયની જરૂર પડે છે. હાલ ગર્ડરને જોડવાનું કામ ફેકટરીમાં ચાલી રહ્યું છે. જોડવાનું કામ થયા બાદ પશ્ર્ચિમમાં તેને પિલર પર બેસાડવામાં આવશે. એપ્રોચ રોડનું કામ પણ પણ ચાલી રહ્યું છે. મે , ૨૦૨૫ સુધીમાં પુલનું કામ પૂરું કરવાનું લક્ષ્યાંક અમે રાખ્યું છે.