મહાકુંભમાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત
રાજકોટઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં ફરી એક ગુજરાતી શ્રદ્ધાળુના મૃત્યુના સમાચાર છે. મૌની અમાવસ્યાની આગલી રાત્રે થયેલી નાસભાગમાં મહેસાણાના એક શ્રદ્ધાળુ મોત પામ્યા હતા. એવામાં ગુજરાતના વધુ એક શ્રદ્ધાળુનું મહાકુંભમાં મોત થયું છે. રાજકોટ રહેવાસીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેઓ ઢળી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને PGVCLના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કિરીટસિંહ રાઠોડ (ઉ.વ.53) ગત 24મી જાન્યુઆરીના રોજ પત્ની લત્તા રાઠોડ, મિત્ર લક્ષ્મણગિરી ગોસાઈ અને તેમની પત્ની શોભના સાથે અમદાવાદથી ફ્લાઈટમાં અયોધ્યા ગયા હતા. જ્યાંથી તેઓ પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા હતા.
ગત 30મી જાન્યુઆરીના રોજ પવિત્ર સ્નાન કર્યા બાદ અચાનક કિરીટસિંહને ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ ચડતાં તેઓ ઢળી પડ્યા હતા. જેથી તેમના પત્ની અને મિત્રો તાત્કાલિક કિરીટસિંહને સેક્ટર 20માં ઉભી કરવામાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કિરીટસિંહ તબિયત વધારે ખરાબ હોવાનું કહી ડોક્ટરોએ તેમને તેઓને રાયબરેલીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. જોકે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયાના અહેવાલો મળ્યા છે.
આ પણ વાંચો : પ્રયાગરાજમાં બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ , પીએમ મોદીએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ
કિરીટસિંહના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
કુંભમાં ઠંડીના માહોલ વચ્ચે સ્નાન કર્યા બાદ ઘણા શ્રદ્ધાળુઓ શ્વાસની તકલીફની ફરિયાદો કરે છે. શ્રદ્ધાળુની સારવાર માટે અહીં પૂરતી વ્યવસ્થા છે, પરંતુ હૃદય સંબંધિત કે શ્વાસ સંબંધિત તકલીફો વધી જતા મોત થવાની ઘટના અગાઉ બની છે.