વિદ્યા કલા અને સંગીતની દેવી સરસ્વતીને પૂજવાનો દિવસઃ જાણો પૂજાવિધિના સમય વિશે
અમદાવાદઃ હિન્દુ કેલેન્ડર અનુસાર આજે વસંત પંચમીનો તહેવાર છે. આજનો દિવસ શુભકાર્યો માટ ખાસ માનવામાં આવે છે અને આજે મૂહુર્ત જોયા વિના પણ લોકો લગ્ન જેવા શુભકાર્યો કરતા હોય છે. હિન્દુધર્મમાં માતા સરસ્વતીને વિદ્યાની દેવી, કલા અને સંગીતની દેવી તરીકે પૂજવામાં આવે છે. આજના દિવસે સરસ્વતીનો જન્મ થયો હતો અને તેથી માઘ(મહા) મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન બ્રહ્માએ માતા સરસ્વતીને પ્રગટ કર્યા હતા. માતા સરસ્વતી કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમના ચાર હાથ છે, જેમાં એક હાથમાં વીણા, બીજા હાથમાં પુસ્તક, ત્રીજા હાથમાં માળા અને ચોથા હાથમાં વરદાનની મુદ્રા છે.
આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરાય છે, સરસ્વતીને પીળા ફૂલ ધરવામાં આવે છે ને ઘણા ઘરોમાં આજે પણ પીળા રંગની મીઠાઈ બનાવવાનો રિવાજ છે.
તિથી, શુભ સમય અને પૂજાવિધિ
વૈદિક કેલેન્ડર અનુસાર આજે 2જી ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 9.15 વાગ્યે વસંત પંચમી શરૂ થશે અને તે 03 ફેબ્રુઆરીએ સવારે 06:53 કલાકે સમાપ્ત થશે. તહેવાર 2 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. કારણ કે 3જી ફેબ્રુઆરીએ સૂર્યોદય થતાં જ પંચમી તિથિ સમાપ્ત થઈ રહી છે, જેના કારણે માઘ શુક્લ પંચમી તિથિ ક્ષયદાયક માનવામાં આવે છે.
આ પણ વાંચો : વસંત પંચમીથી આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, 144 વર્ષો બાદ બનવા જઈ રહ્યો છે શુભ સંયોગ…
કેલેન્ડર મુજબ 2 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 12:34 સુધી પૂજા કરી શકાશે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર આજના દિવસે દેવી સરસ્વતીની વિધિપૂર્વક પૂજા કરવાથી જ્ઞાન અને સંપત્તિના આશીર્વાદ મળે છે. આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા અને પીળા ભોજન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પીળો રંગ દેવીને ખૂબ પ્રિય છે. આ દિવસે શાળા અને કોલેજોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ દિવસે પૂજાવિધિ કરે તો તેમને અભ્યાસ અને કારકિર્દી દરમિયાન માતા સરસ્વતીના આશીર્વાદ મળે છે. ઘણી સંગીતસંસ્થાઓમાં, ઘરાનાઓમાં આજનો દિવસ ખૂબ જ ધામધમૂથી ઉજવાય છે.
આ પ્રાથિમક માહિતી છે. આપ આપના પંડિતના કહેવા અનુસાર પૂજાવિધિ કરો તે વધારે સલાહભર્યુ છે.