ટોપ ન્યૂઝનેશનલ

Budget 2025: પ્રથમ વખત 50 લાખ કરોડથી વધુનું બજેટ; જાણો કયા મંત્રાલયને મળ્યું કેટલું બજેટ?

નવી દિલ્હી: આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2025નું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત આપવામાં આવી છે અને હવેથી 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવામાં આવી છે. આ નિર્ણય મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત બજેટમાં શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, ગૃહ મંત્રાલય અને કૃષિ સહિત અનેક મુખ્ય મંત્રાલયોને મોટી ફાળવણી કરવામાં આવી છે.

Also read : Budget 2025: અબજોપતિઓની લોનમાફી રદ કરવાના પ્રસ્તાવમાં સ્થાન ન મળતાં નિરાશ: અરવિંદ કેજરીવાલ

મોદી 3.0 સરકારનું બીજું બજેટ
આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મોદી 3.0 સરકારનું બીજું બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ અંદાજ રૂ. 50,65,345 કરોડ છે, જેમાં કુલ મૂડી ખર્ચ રૂ. 11,21,090 કરોડ છે. જેમાંથી રાજ્યોને 25,01,284 કરોડ રૂપિયા મળશે. સરકારે જણાવ્યું હતું કે બજેટમાં કુલ મહેસૂલ આવક રૂ. 34,20,409 કરોડ છે, મૂડી આવક રૂ. 16,44,936 કરોડ છે. સરકારે વિવિધ મંત્રાલયો માટે બજેટ પણ નક્કી કર્યું છે.

શિક્ષણ વિભાગ
બજેટમાં સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે કુલ 1 લાખ 28 હજાર 650 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં, આ વર્ષે શિક્ષણ બજેટમાં લગભગ 7 ટકાનો વધારો થયો છે. વર્ષ 2023ના બજેટની સરખામણીમાં 2024માં શિક્ષણનો હિસ્સો 13 ટકા વધારો થયો હતો. આ વર્ષે ફાળવવામાં આવેલા 1.28 લાખ કરોડ રૂપિયામાંથી લગભગ 78 હજાર કરોડ રૂપિયા શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ માટે આપવામાં આવ્યા છે. જે કુલ બજેટના લગભગ 61 ટકા હશે.

Also read : Budget 2025: રાહુલ ગાંધી અને ખડગેએ બજેટ અંગે આપી આકરી પ્રતિક્રિયા…

આરોગ્ય ક્ષેત્ર
સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે 98 હજાર 311 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત યોજના અને અન્ય ઘણી આરોગ્ય સંબંધિત યોજનાઓ પર પૈસા ખર્ચ કરી રહી છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે પ્રોડક્શન લિંક્ડ ઈનીશીએટિવ (PLI) હેઠળ લગભગ 2,500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બજેટમાં આયુષ્માન યોજના માટે 9,406 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આયુષ્માન ભારત આરોગ્ય માળખા માટે 4,200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ગ્રામીણ વિકાસ
સરકારે ગ્રામીણ વિકાસ માટે અંદાજે 2 લાખ 67 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. પાછલા વર્ષના બજેટમાં આશરે 1 લાખ 80 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતી. મનરેગા, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન જાતિ ઉન્નત ગ્રામ અભિયાન, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના જેવી ડઝનબંધ યોજનાઓ આ ક્ષેત્ર હેઠળ આવે છે.

Also read : સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફને કેટલું ભંડોળ મળશે?

ગૃહ વિભાગ
આ બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 2 લાખ 33 હજાર 211 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગૃહ વિભાગના બજેટ હેઠળ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોને ગ્રાન્ટ આપવામાં આવે છે. ગૃહ વિભાગનું કામ દેશની આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અને ગુનાઓ પર નિયંત્રણ રાખવાનું છે.

કૃષિ ક્ષેત્ર
સરકારે બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે આશરે 1 લાખ 71 હજાર 437 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 2024-25ના બજેટમાં આ ક્ષેત્ર માટે કુલ જોગવાઈ 1 લાખ 52 હજાર કરોડ રૂપિયા હતી. આ વખતે બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ માટે બીજી એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનું નામ ધન ધાન્ય કૃષિ યોજના છે.

પરમાણુ ઉર્જા વિભાગને 3,992 કરોડ
તે ઉપરાંત બજેટમાં પરમાણુ ઉર્જા વિભાગને 3,992 કરોડ, રસાયણ અને ખાતર મંત્રાલયને 1.61 લાખ કરોડ, નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયને 2,400 કરોડ, કોલસા મંત્રાલયને 501 કરોડ, આયુષ મંત્રાલયને 3,992 કરોડ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયને 18,446 કરોડ, દૂરસંચાર મંત્રાલયને 1.08 લાખ કરોડ , ગ્રાહક બાબતોના મંત્રાલયને 2.15 લાખ કરોડ, સહકાર મંત્રાલયને 1,186 કરોડ, કોર્પોરેટ બાબતોના મંત્રાલયને 11,561 કરોડ, સંસ્કૃતિ મંત્રાલયને 3,360 કરોડ ફાળવવામાં આવ્યા છે.

Also read : Budget 2025: સંરક્ષણ ક્ષેત્ર માટે સરકારે ખોલ્યો ‘ખજાનો’: દુશ્મન દેશની ઊંઘ થશે હરામ…

ભારે ઉદ્યોગ મંત્રાલય 7680 કરોડ
પૂર્વોત્તર પ્રાદેશિક વિકાસ મંત્રાલયને 5,915 કરોડ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને 3,649 કરોડ, આઇટી મંત્રાલયને 26,000 કરોડ, પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રાલયને 3,412 કરોડ, વિદેશ મંત્રાલયને 20,000 કરોડ, નાણાં મંત્રાલયને 19.3 લાખ કરોડ, મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગને 7544 કરોડ, ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયને 4364 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને 99,000 કરોડ, ભારે ઉદ્યોગ મંત્રાલય 7680 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button