Budget 2025: અબજોપતિઓની લોનમાફી રદ કરવાના પ્રસ્તાવમાં સ્થાન ન મળતાં નિરાશ: અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે અબજોપતિઓને આપવામાં આવતી લોનમાફીને રદ કરીને બચેલા પૈસાથી મધ્યમ વર્ગ અને ખેડૂતોને સહાય કરવાના તેમના સૂચનને બજેટમાં સ્થાન ન મળતાં તેઓ નિરાશ થયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.+6
આ પણ વાંચો: Budget 2025: બજેટ અંગે મહારાષ્ટ્રમાંથી શું મળી પ્રતિક્રિયાઓ, ફડણવીસ અને…
પંજાબની વધુ એક વખત અવગણના: મુખ્ય પ્રધાન ભગવંત માન
ચંદીગઢ: પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કેન્દ્રીય બજેટ અંગે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરહદી રાજ્યને વધુ એક વખત કેન્દ્રીય બજેટમાં અવગણવામાં આવ્યું છે અને તેને કશું જ આપવામાં આવ્યું નથી.
આ બજેટને ચૂંટણી લક્ષી ગણાવતાં તેમણે કહ્યું હતું કે આમાં ફક્ત બિહાર માટેની જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પંજાબના ખેડૂતો અને યુવાનોને કશું જ આપ્યું નથી. પંજાબના ઉદ્યોગો માટે કોઈ પેકેજની જાહેરાત ન કરવા માટે તેમ જ પાક માટે ટેકાના ભાવ અંગે જાહેરાત ન કરવા માટે પણ તેમણે કેન્દ્રની ટીકા કરી હતી. પંજાબ સાથે વધુ એક વખત ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે, પરંતુ અમે પંજાબને પગભર કરીશું, એમ માને કહ્યું હતું.
બજેટ લોકહિત માટે નહીં, રાજકીય હિતો માટે: માયાવતી
લખનૌ: બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ શનિવારે કહ્યું હતું કે ભાજપ સરકારનું બજેટ અગાઉની કૉંગ્રેસની સરકારોની જેમ જ રાજકીય હિતો માટેનું વધારે અને જનતા અને દેશ માટે ઓછું હોવાનું જણાઈ રહ્યું છે.
માયાવતીએ કહ્યું હતું કે ફુગાવાની ભારે અસરને કારણે ગરીબી અને બેરોજગારી વધી રહી છે. આ ઉપરાંત પાયાભૂત સુવિધા જેમ કે રસ્તા, પાણી અને શિક્ષણ જેની દેશની 140 કરોડ જનતાને તકલીફ પડી રહી છે તેને ઉકેલવા માટેના પ્રયાસો થયા નથી. જો આવું ન હોત તો વર્તમાન સરકારમાં લોકોનું જીવન કેમ દુ:ખી અને પરેશાન છે. વિકસિત ભારતનું સપનું પણ બહુજનના હિતમાં હોવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
બજેટ વાણી-વિલાસ અને જૂની જાહેરાતો નવા સ્વરૂપથી ભરેલી: તેજસ્વી
પટના: આરજેડીના નેતા તેજસ્વી યાદવે કેન્દ્રની એનડીએ સરકાર પર બજેટમાં વાણી-વિલાસ કરવાનનો આરોપ લગાવતાં કહ્યું હતું કે ભૂતકાળમાં કરવામાં આવેલી જાહેરાતોને જ નવા સ્વરૂપે રજૂ કરવામાં આવી છે.
બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને અત્યારના વિપક્ષી નેતાએ બિહારના મુખ્ય પ્રધાન નિતીશ કુમાર, જેમની પાર્ટી કેન્દ્રની એનડીએ સરકારમાં મુખ્ય ઘટકપક્ષ છે, તેમની ટીકા કરતાં કહ્યું હતું કે રાજ્ય માટે વધુ જોગવાઈઓ મેળવવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશ માટે એક લાખ કરોડ રૂપિયાના લાભ મેળવ્યા હતા. બિહારને માટે આવા કોઈ લાભ આપવામાં આવ્યા નથી. ગયા વર્ષે જેનો વાયદો કરવામાં આવ્યો હતો તે 59,000 કરોડ રૂપિયા ક્યાં ખર્ચાયા તે પણ ખબર નથી.
વિકસિત ભારતની બ્લ્યુ-પ્રિન્ટ: ત્રિપુરાના મુખ્ય પ્રધાન
કેન્દ્રીય બજેટને બિરદાવતાં ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહાએ શનિવારે કહ્યું હતું કે આ તો વિકસિત ભારતની બ્લ્યુ પ્રિન્ટ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે કહ્યું હતું કે આ બજેટમાં ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગના લોકોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
આવી જ રીતે બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન સહિત બધા જ વિવિધ ક્ષેત્રોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટ મોદીજીના આત્મ નિર્ભર ભારતના સપનાનો રોડમેપ તૈયાર કરશે.