Budget 2025: રોકાણકારો માટે સરકારની મોટી જાહેરાત, ડિવિડન્ડ પરના ટીડીએસની મર્યાદા વધારી
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને શનિવારે બજેટ(Budget 2025)સંસદમાં રજૂ કર્યું હતું. સરકારે આ બજેટના સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખવાનો પ્રયાસ કર્યો. જેમાં નાણામંત્રી મધ્યમ વર્ગ માટે આવક વેરાની મુક્તિ મર્યાદા 12 લાખ સુધી વધારવાની જાહેરાત કરી. જ્યારે પગારદાર લોકો માટે આ મુકિત મર્યાદા 12.75 લાખ સુધીની કરી છે. જેની સાથે જ સરકારે શેરબજારના રોકાણકારો અને મ્યુચલ ફંડના રોકાણકારોને પણ રાહતની જાહેરાત કરી છે. જેમાં ડિવિડન્ડ પર વસૂલવામાં આવતા ટીડીએસની મર્યાદામાં વધારો કર્યો છે.
આ પણ વાંચો: Big Breaking: બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખની આવક સુધી…
10,000 રૂપિયા સુધીના ડિવિડન્ડ પર ટીડીએસ કાપવામાં આવશે નહીં
નાણામંત્રીએ ડિવિડન્ડ આવક પર કાપવામાં આવતા TDSની મર્યાદા રૂપિયા 5,000 થી વધારીને રૂપિયા 10,000 કરવાની જાહેરાત કરી. આનો અર્થ એ થયો કે રોકાણકારોને વર્ષમાં મળેલા 10,000 રૂપિયા સુધીના ડિવિડન્ડ પર 1 રૂપિયાનો પણ ટીડીએસ વસૂલવામાં આવશે નહીં. જોકે, 10,000 રૂપિયાથી વધુના ડિવિડન્ડ પર 10 ટકા ટીડીએસ કાપવામાં આવશે. આ નવો નિયમ 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. હાલ 5000 રૂપિયાથી વધુના ડિવિડન્ડના કિસ્સામાં, કંપની 10 ટકા ટીડીએસ કાપીને રોકાણકારોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે.
નવી સિસ્ટમ હેઠળ રોકાણકારોને થોડી બચત થશે
ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ પાસે કોઇ એક કંપનીના 1000 શેર છે. કંપનીએ દરેક શેર પર 10 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. જેમાં વ્યક્તિને કુલ 10,000 રૂપિયા ડિવિડન્ડ તરીકે મળશે. નવા નિયમો હેઠળ વ્યક્તિને મળતા ડિવિડન્ડ પર કોઈ TDS કાપવામાં આવશે નહીં. જ્યારે વર્તમાન નિયમો હેઠળ 10,000 રૂપિયાના ડિવિડન્ડ પર 10 ટકા (1000 રૂપિયા) TDS કાપ્યા પછી વ્યક્તિના બેંક ખાતામાં ફક્ત 9000 રૂપિયા જ આવશે. એટલે કે નવી સિસ્ટમ હેઠળ રોકાણકારોને થોડી બચત થશે.