પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર નવીન ચાવલાનું ૭૯ વર્ષની વયે નિધન
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર (સીઇસી) નવીન ચાવલાનું આજે નિધન થયું હતું. તેઓ ૭૯ વર્ષના હતા. તેઓને ૨૦૦૯માં પક્ષપાતના આરોપોને લઇને ચૂંટણી પંચમાંથી હટાવવાની ભલામણ કરવામાં આવી હતી.
ભૂતપૂર્વ સીઇસી એસ. વાય. કુરેશીના જણાવ્યા મુજબ તેઓ લગભગ ૧૦ દિવસ પહેલા ચાવલાને મળ્યા હતા. ત્યારે ચાવલાએ જણાવ્યું હતું કે તેમને મગજની સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. કુરેશીએ જણાવ્યું કે શનિવારે સવારે એપોલો હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. જ્યારે તેઓ છેલ્લે મળ્યા હતા ત્યારે તેઓ ખુશ હતા. આ ઉપરાંત ચૂંટણી પંચના એક અધિકારીએ પણ ચાવલાના મૃત્યુની પુષ્ટિ કરી છે.
કુરેશીએ એક્સ પર જણાવ્યું કે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર નવીન ચાવલાના નિધન વિશે જાણીને દુઃખ થયું. તેમના આત્માને શાંતિ મળે. ભૂતપૂર્વ અમલદાર ચાવલા ૨૦૦૫થી ૨૦૦૯ સુધી ચૂંટણી કમિશ્નર(ઇસી) હતા.
આપણ વાંચો: મત ગણતરી શરૂ થતાં જ આવતા નકલી ટ્રેન્ડને લઈ લાલઘૂમ થયા ચૂંટણી કમિશ્નર, એક્ઝિટ પોલને લઈ કહી આ વાત
એપ્રિલ ૨૦૦૯થી જુલાઇ ૨૦૧૦ સુધી મુખ્ય ચૂંટણી કમિશ્નર રહ્યા હતા. ચૂંટણી સંસ્થામાં ચાવલાનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો હતો. તત્કાલિન વિપક્ષ ભાજપે તેમના પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. ૨૦૦૯માં સીઇસી એન. ગોપાલસ્વામીએ સરકારને ચાવલાને હટાવવાની ભલામણ કરી હતી, એ સમયે તેઓ ચૂંટણી કમિશ્નર હતા.
૩૦ જુલાઇ, ૧૯૪૫ના રોજ જન્મેલા ચાવલાએ સનાવરની લોરેન્સ સ્કૂલમાંથી શાળાકીય અને સેન્ટ સ્ટીફન કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેમની સિવિલ સર્વિસ કારકિર્દી દરમિયાન તેમને ઘણી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જો કે તેઓએ ક્યારેક ક્યારેક કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ કામ કર્યું હતું. પરંતુ તેમનું કાર્યકારી જીવન મુખ્યત્વે દિલ્હીમાં રહ્યું હતું. ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત થયા પહેલા તેઓ કેન્દ્રીય સચિવ બન્યા હતા.