Naxal Encounter: છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, આઠ નક્સલી ઠાર મરાયા
બીજાપુર : છત્તીસગઢમાં સતત ચાલી રહેલા નકસલવાદી નાબૂદી અભિયાન અંતર્ગત બીજાપુર જિલ્લામાં મોટા એન્કાઉન્ટરના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ બીજાપુરના ટોડકા વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 8 નક્સલીઓ માર્યા(Naxal Encounter)ગયાના અહેવાલ છે. સુરક્ષાદળોએ નક્સલીઓના મૃતદેહ કબજે કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અથડામણ હજુ પણ ચાલુ છે. આ અથડામણમાં DRG અને STF સૈનિકો સામેલ છે.
આ પણ વાંચો: નકસલવાદ સામે મોટી સફળતા; છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 14 નક્સલવાદીઓને ઠાર કર્યા
જંગલોમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હાજર
ટોડકા વિસ્તાર બીજાપુર જિલ્લાના ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે જ્યાં આ અથડામણ ચાલી રહી છે. જેમાં માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા હોવાના અહેવાલ છે.આ અંગે પોલીસને માહિતી મળી હતી કે ગંગલોર વિસ્તારના જંગલોમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હાજર છે. આ માહિતીના આધારે, બીજાપુરથી સુરક્ષા દળના જવાનોની સંયુક્ત ટીમને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી.
સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
શનિવારે સવારે જ્યારે સૈનિકો તે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે નકસલવાદીઓ સૈનિકોને જોઈને ગોળીબાર શરૂ કરી દીધો. તેની બાદ સૈનિકોએ નક્સલીઓ સામે ગોળીબાર કર્યો હતો. જ્યારે આ અથડામણમાં નક્સલીઓને કેટલું નુકસાન થયું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. આઈજી સુંદરરાજ. પી. ના જણાવ્યા અનુસાર હજુ અથડામણ ચાલુ છે. સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.