નિર્મલા સિતારામન રેકોર્ડ બનાવવામાં મોરારજી દેસાઈ કરતા કેટલા પાછળ?
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સિતારમન આજે તેમનું આઠમું બજેટ રજૂ કરી રહ્યા છે. પ્રધાનના પેટારામાંથી અમારા માટે શું નીકળશે તેના પર સૌનું ધ્યાન છે ત્યારે તેઓ એક રેકોર્ડ તરફ પણ આગળ વધી રહ્યા છે. આમ તો એક જ વડા પ્રધાનની આગેવાની હેઠળ બનેલી સરકારમાં સતત 8મી વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તેમણે કરી નાખ્યો છે, પરંતુ તેઓ મોરારજી દેસાઈના રેકોર્ડથી થોડાં દૂર છે. જો મોદી-3.0માં તેઓ આ જ પદ પર રહેશે તો રેકોર્ડ તોડી નાખશે.
શું છે મોરારજી દેસાઈનો રેકોર્ડ
દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો અનોખો રેકોર્ડ છે. તેમણે કુલ 10 બજેટ રજૂ કર્યા છે. નાણામંત્રી કે નાણામંત્રીનો હવાલો સંભાળતા કોઈ પ્રધાન આ રેકોર્ડ કરી શક્યા નથી. મોરારજી દેસાઈએ 1959માં પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. 1959 અને 1963 ની વચ્ચે, તેમણે સતત 5 સંપૂર્ણ બજેટ અને 1 વચગાળાનું બજેટ રજૂ કર્યું. ત્યારબાદ 1967માં તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું. તેમણે તે વર્ષનું સંપૂર્ણ બજેટ પણ રજૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે 1968 અને 1969માં સંપૂર્ણ બજેટ રજૂ કર્યું.
હજુ તો દેસાઈ 11મું બજેટ રજૂ કરવાના જ હતા, પણ જુલાઈ 1969માં તેમણે વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેથી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ નાણાકીય વર્ષ 1969-70નું બજેટ ખુદ રજૂ કર્યું હતું.
આ પણ વાંચો…Breaking News: આગામી સપ્તાહે આવશે Income Tax બિલ
જોકે મોરારજીભાઈએ ત્રણ અલગ-અલગ વડાપ્રધાનોના કાર્યકાળ દરમિયાન બજેટ રજૂ કર્યું હતું. તેમણે જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન બજેટ રજૂ કર્યું હતું. દેસાઈ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ બીજા ક્રમે છે. તેમણે 9 બજેટ રજૂ કર્યા છે. પ્રણવ મુખર્જીએ 8 બજેટ રજૂ કર્યા છે. જ્યારે મહિલા નાણા પ્રધાન સિતારામન આજે 8મું બજેટ રજૂ કરી રહ્યા છે.