નેશનલ

UPI યુઝર્સ થઈ જજો સાવધાન! પેમેન્ટ કરતા પહેલા જાણી લેજો નવા નિયમો અન્યથા….

નવી દિલ્હીઃ આજકાલ લોકો રિક્ષા, ટેક્સીથી લઈને શાકભાજીની દુકાનો સુધી દરેક જગ્યાએ યુપીઆઈ દ્વારા ચૂકવણી કરે છે. લોકો UPIનો ઉપયોગ કરિયાણાની ખરીદીને લઈને રેલવે ટિકિટ સુધીના નાના-મોટા દરેક વ્યવહારો માટે કરે છે. UPI ચૂકવણી ભારતમાં લોકોના જીવનનો એક ભાગ જ બની ગઈ છે. હવે UPI પેમેન્ટને લઈને એક મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ UPI વ્યવહારો અંગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે જે પહેલી ફેબ્રુઆરી 2025 થી અમલમાં આવશે. આવા સંજોગોમાં જો તમે પણ UPI દ્વારા પેમેન્ટ કરો છો તો તમારે એ જાણવું જરૂરી છે કે NPCI પહેલી ફેબ્રુઆરીથી કયા નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે.

શું છે નવા નિયમો:-
NPCIના નવા નિયમો અનુસાર પહેલી ફેબ્રુઆરીથી વિશિષ્ટ અક્ષરો ધરાવતા આઇડી સાથેના વ્યવહારો સ્વીકારવામાં આવશે નહીં. આલ્ફાન્યૂમેરિક અક્ષરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આઈડી ધરાવતા વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો જ સ્વીકારવામાં આવશે. જે લોકો આનું પાલન નહીં કરે તેમના આઈડી બ્લોક કરી દેવામાં આવશે. નવા નિયમો અનુસાર #, @, &, $ અથવા * વગેરે જેવા વિશિષ્ટ અક્ષરો ધરાવતા UPI IDને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

જો તમે પણ તમારા વ્યવહારો માટે UPI પર નિર્ભર છો તો આ અપડેટ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. NPCIના પરિપત્ર મુજબ UPI IDમાં હવે વિશેષ અક્ષરો ના હોવા જોઈએ. પહેલી ફેબ્રુઆરીથી UPI IDમાં માત્ર નંબરો અને આલ્ફાબેટ જ સામેલ કરી શકાશે. હાલમાં ઘણા વપરાશકર્તાઓ પાસે તેમના UPI IDમાં વિશેષ અક્ષરો છે. આ લોકોએ UPIનો ઉપયોગ ચાલુ રાખવા માટે તેમની આઈડીમાં અપડેટ કરવાની જરૂર છે. જોકે, NPCI દ્વારા UPIની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિવાય જૂના નિયમોની જેમ જ તમામ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હાલમાં પેમેન્ટને લઈને કોઈ નવા નિયમો લાવવામાં આવ્યા નથી. આ પગલાનો હેતુ ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો અને યુપીઆઈ સિસ્ટમની અવિરત કામગીરીને સુનિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચો…નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ

દરમિયાનમાં ડિસેમ્બર 2024 સુધીમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા 16.73 બિલિયન પર પહોંચી ગઈ છે, જે અગાઉના મહિનાઓની સરખામણીમાં આઠ ટકા વધારે છે. યુપીઆઈ વ્યવહારમાં સ્વાભાવિક રીતે જ ભારતના ટાયર વન શહેરો આગળ છે. જોકે UPIના વધતા ઉપયોગ સાથે UPIને લગતા છેતરપિંડીના કેસોમાં અને કૌભાંડોમાં પણ વધારો થયો છે. લોકોના બેન્ક એકાઉન્ટ સાથે ઘણી છેતરપિંડી થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. UPI સીસ્ટમની સુરક્ષા વધારવા માટે એનપીસીઆઇ એ આ નવો નિયમ લાગુ કર્યો છે જે બધા UPI વપરાશકર્તાઓ માટે ફરજિયાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button