નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સિતારામન આજે કેન્દ્રીય બજેટ રજૂ કરશે ત્યારે સૌથી વધારે અસર મિડલ ક્લાસને થતી હોય છે અને મિડલ ક્લાસની અપેક્ષાઓ બજેટ પાસેથી ઘણી વધારે હોય છે. જોકે હવે વર્ષમાં ગમે ત્યારે આર્થિક નીતિ બાબતે સુધારાવધારા થતા હોય ત્યારે બજેટનું મહત્વ થોડું ઘટી ગયું છે.
દેશમાં ઘણા સમયથી ફુગાવો વધતા મોંઘવારીનો સખત માર મધ્યમવર્ગ સહન કરે છે. રોજબરોજની વસ્તુ, બાળકોનું શિક્ષણ, ઈંધણ, પરિવહન, આરોગ્ય સેવાઓ તમામ વસ્તુઓ મોંઘી થતાં સામાન્ય જ નહીં ઉચ્ચ મધ્યમવર્ગ પણ મુશ્કેલી અનુભવી રહ્યો છે. આ સાથે સરકારની મફત સેવાઓ આપવાની યોજનાને લીધે ટેક્સપેયર્સ નારાજ છે અને તેમની પણ અપેક્ષા નાણા પ્રધાન પાસેથી છે.
બીજી બાજુ ખેડૂતો અને નાના ઉદ્યોજકો પણ ભીંસ અનુભવી રહ્યા છે. સુરતનો હીરા ઉદ્યોગ, મહારાષ્ટ્રનો સાકર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, જેવી રોજગારી ઊભી કરતા ઉદ્યોગો પણ સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખીને બેઠા છે. આ તમામ વર્ગને રાહત આપવાની સાથે દેશની મહેસૂલી આવક પણ વધે અને સમતોલ જળવાઈ રહે તેવું અઘરું કામ નાણા પ્રધાને કરવાનું છે.
Also read:Budget 2025-26: બજેટમાં ટેક્સ પેયર્સને મળી શકે છે મોટી ભેટ; થઇ શકે છે આ ફેરફારો…
આ સાથે પહેલીવાર મોદી સરકાર સાથીપક્ષોની મદદથી સત્તા પર છે. દરેક રાજ્યને પણ મહત્વ આપવું જરૂરી છે. ખાસ કરીને દિલ્હી અને બિહારની ચૂંટણી અને નીતિશ કુમારના સમર્થનને ધ્યાનમાં પણ રાખવું જરૂરી બની ગયુ છે. આથી મોદી સરકારનું આ બજેટ રાજકીય રીતે પણ મહત્વનું છે. બજેટ સંબંધિત વિશેષ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો.