નેશનલ

સરકાર દેશભરના તમામ બાળકો માટે લાવી રહી છે APAAR ID, જાણો તેનો હેતુ-ફાયદા

નવી શિક્ષણ નીતિ- 2020 હેઠળ વન નેશન વન IDના કોન્સેપ્ટના આધારે દેશભરમાં શાળાના બાળકો માટે એક નવો નિયમ લાગુ કરવાનું સરકાર વિચારી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા APAAR IDની યોજના પર હાલ કામ ચાલી રહ્યું છે. શાળાના બાળકોનો એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર હશે. આ નંબરને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી – APAAR કહેવામાં આવશે અને તેમાં પ્રી-પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીના બાળકોના IDનો સમાવેશ થાય છે.
આ APAAR IDને આધાર કાર્ડ સાથે પણ લિન્ક કરવામાં આવશે અને તેમાં વિદ્યાર્થીની શાળાકીય યાત્રાની સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવશે.

APAAR ID લાવવાનો મુખ્ય હેતુ દેશભરમાં સમાન શિક્ષાપદ્ધતિ ઉભી કરવાનો છે. જેના દ્વારા દરેક બાળકોની માહિતી સરકાર પાસે ઉપલબ્ધ રહેશે. જેમ કે સરકાર શાળા છોડી દેનારા બાળકો અંગે ડેટા મેળવી શકશે અને તેમને શિક્ષણ પ્રણાલી સાથે ફરીવાર જોડવા માટે પ્રયાસો કરી શકાશે. આ ID સાથે એક DigiLocker ઇકોસિસ્ટમ પણ બનાવવામાં આવશે જેના દ્વારા બાળકો તેમના રિપોર્ટ કાર્ડ, હેલ્થ કાર્ડ, ઓલિમ્પિયાડ અથવા રમતની સિદ્ધિઓ સંબંધિત પ્રમાણપત્રો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંબંધિત પ્રમાણપત્રો અથવા ડેટા એક જગ્યાએ રાખી શકશે.

APAAR IDથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક માહિતી, ઇતરપ્રવૃત્તિઓ, રમતગમતની પ્રવૃત્તિઓનો ડેટા એકસાથે એકત્ર કરી શકાશે અને તે સરળતાથી ઍક્સેસિબલ હશે. APAAR IDથી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, શિક્ષણ લોન, પુરસ્કારો અને સરકારી યોજનાઓનો લાભ મેળવવાનું સરળ બનશે. જો કોઈ પણ માતા-પિતા શાળા બદલશે તો આ APAAR ID બદલવાની જરૂર રહેશે નહીં કારણ કે તેનું પહેલેથી આધાર નંબર સાથે લિંક થયેલું હશે. વિદ્યાર્થી દેશના કોઇપણ રાજ્યમાં જાય તેનું વિદ્યાર્થી ID એ જ રહેશે. આ IDનો સંપૂર્ણ ઉપયોગ શિક્ષણસંબંધી પ્રવૃત્તિઓ માટે જ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button