આપણું ગુજરાત

મોરબીના શક્તિ ચોકની ચાર દાયકા જૂની ગરબીમાં યુવતીઓના તલવાર, અંગારા અને મશાલ રાસગરબા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નવરાત્રીની ઉજવણી અવનવા પ્રકારે થાય છે ત્યારે પરંપરા પણ જળવાતી જોવા મળે છે. આદ્યશક્તિની આરાધનાના આ પર્વમાં મોરબીના શક્તિ ચોકમાં ૪૦ વર્ષોથી થતી પ્રાચીન ગરબીમાં પહેલા નોરતે બાળાઓએ રજૂ કર્યો હતો મશાલ-અંગારા રાસ, જે જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરબીના શક્તિ ચોકમાં છેલ્લા ૪૦ વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. યુવતીઓ દ્વારા બન્દીશ રાસ, તલવાર રાસ સહિતના અવનવા રાસ ગરબા રજૂ કરવામાં આવે છે. રાસ જોવા મોરબી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવે છે. આ વખતે પહેલા નોરતે યુવતીઓ દ્વારા મશાલ-અંગારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો. અદ્ભુત રાસ જોવા મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ પહોંચ્યા હતા.

મોરબી શહેરના ખાટકીવાસ વિસ્તારની બાજુમાં જ ગેસ્ટ હાઉસ રોડના ખૂણે શક્તિ ચોક ગરબીનું છેલ્લાં ૪૦ વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજૂ કરતી હોય છે, જેથી આ ગરબી મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે. અહીં માતાજીની આરાધના કરતી બાળાઓ દ્વારા નવરાત્રી દરમિયાન માડી તારા અઘોર નગર, ટીપ્પણી રાસ, બન્દીસ રાસ, તલવાર રાસ સહિતના રાસગરબા લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button