રાણકપુર એક્સપ્રેસમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, આપઘાતની શંકા…
મુંબઈઃ મુંબઈના દાદર રેલવે ટર્મિનલ પર ઊભેલી રાણકપુર એક્સપ્રેસમાં એક વ્યક્તિએ આપઘાત કર્યાની ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રેનના ટોઈલેટમાંથી ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેણે ટૂવાલની મદદથી ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.
Also read : શિક્ષિકા પર બળાત્કારના આરોપસર શૈક્ષણિક સંસ્થાના સ્થાપકની ધરપકડ…
બુધવારે સાંજે રાણકપુર એક્સપ્રેસ દાદર સ્ટેશન પર આવ્યા બાદ આરપીએફ ટ્રેનનું નિરીક્ષણ કરી રહી હતી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવ પછી સ્ટેશન પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો, ત્યાર બાદ રેલવે પોલીસે મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાણકપુર એક્સપ્રેસ બુધવારે મોડી સાંજે દાદર સ્ટેશન પર આવી હતી. ટ્રેન ખાલી થયા બાદ આરપીએફ જવાનો આખી ટ્રેનની તપાસ કરી રહ્યા હતા. ત્યારે એક્સપ્રેસના એક કોચનો બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હતો.
આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) પોલીસે દરવાજો ખટખટાવતા કોઈ પ્રતિસાદ ન મળ્યો કે ન તો દરવાજો ખૂલ્યો. જેના કારણે પોલીસને શંકા ગઈ હતી. અંતે પોલીસે બળજબરીથી બાથરૂમનો દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા.
ટ્રેનના ટોઈલેટમાં એક વ્યક્તિએ ટૂવાલ વડે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે મૃતદેહને ઉતારી તપાસ શરૂ કરી હતી. આરપીએફ પોલીસને આત્મહત્યા કરનાર વ્યક્તિ પાસેથી કોઈ ઓળખપત્ર કે મોબાઈલ ફોન મળ્યો નથી. તેથી, તે કોણ છે, તેણે આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
Also read : જેલમાં રાજનના સાગરીતો પર હુમલાના કેસમાં ફરાર દાઉદનો ગુંડો 29 વર્ષે પકડાયો
રેલવે પોલીસે આ મામલામાં મુંબઈ સેન્ટ્રલ રેલ્વે પોલીસ સ્ટેશનમાં એડીઆર નોંધી છે અને કેસની તપાસ શરુ કરી છે. પોલીસ મૃતકની ઓળખ કરી રહી છે અને તેના સંબંધીઓને શોધી રહી છે.