આમચી મુંબઈ

સૈફ પર હુમલો શરીફુલે જ કર્યાની ખાતરી ફેશિયસ રેકગ્નિશન ટેસ્ટના રિપોર્ટમાં થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
બાન્દ્રાના ફ્લૅટમાં ઘૂસી બોલીવૂડના સ્ટાર સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરનારો શકમંદ શરીફુલ ફકીર જ હોવાની ખાતરી ફેશિયલ રેકગ્નિશન ટેસ્ટના અહેવાલ પરથી થઈ હતી.

સૈફ રહે છે તે બિલ્ડિંગ સહિત વિવિધ સ્થળના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં ઝડપાયેલા શકમંદનો ચહેરો શરીફુલ સાથે મેળ ખાતો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

સૈફ પરના હુમલાના કેસમાં પોલીસે બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઈસ્લામ શહઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર (30)ની ધરપકડ કરી હતી. જોકે સૈફ રહે છે તે શતગુરુ શરણ ઈમારતના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં નજરે પડતો શકમંદ શરીફુલ ન હોવાના આક્ષેપો થયા હતા. શરીફુલ અને ફૂટેજમાં નજરે પડતા શકમંદનો ચહેરો અલગ હોવાનો દાવો કરાયો હતો.

શરીફુલના પિતાએ પણ ફૂટેજમાં દેખાયેલો યુવાન તેનો પુત્ર ન હોવાનું કહ્યું હતું. પરિણામે પોલીસે ફેશિયલ રેકગ્નિશન ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો.

આપણ વાંચો: SaifAliKhanAttack: હુમલા પહેલાં સૈફ અલી ખાન પાસે એક કરોડની માગણી કરી કરાઈ

પોલીસને શુક્રવારે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીનો રિપોર્ટ મળ્યો હતો, જેમાં ધરપકડ કરાયેલા આરોપીની તસવીર અને વિવિધ સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલો શકમંદ એક જ હોવાની સ્પષ્ટતા કરાઈ હતી. આ કેસમાં ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલૉજીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાનું અધિકારીનું કહેવું છે.

સૈફ પર હુમલા બાદ ફોરેન્સિક લૅબના નિષ્ણાતોએ ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ લીધા હતા. એ ફિંગરપ્રિન્ટ્સ ધરપકડ કરાયેલા આરોપી શરીફુલના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. જોકે આ બાબતે વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે હજુ સુધી ફિંગરપ્રિન્ટ્સનો અહેવાલ આવ્યો નથી.

આપણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પશ્ચિમ બંગાળની મહિલાની ધરપકડ

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ફેશિયલ રેકગ્નિશન રિપોર્ટ ઉપરાંત આરોપી ઘટનાસ્થળે હાજર હોવાના પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ફોન લૉકેશન અને આઈપીડીઆર (ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ્સ રિપોર્ટ) સહિત અનેક સબળ પુરાવા છે.

16 જાન્યુઆરીના મળસકે સૈફના ફ્લૅટમાં ઘૂસી આરોપીએ છરીના છ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં સૈફ ગંભીર રીતે ઘવાયો હતો. પોલીસે ઘટનાના બે દિવસમાં જ 18 જાન્યુઆરીની મધરાતે આરોપી શરીફુલને ઘોડબંદર રોડ પરના મૅન્ગ્રોવ્ઝમાંથી પકડી પાડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button