ટોપ ન્યૂઝનેશનલ

મૌની અમાવસ્યાના દિવસે બીજી જગ્યાએ પણ સ્ટેમ્પેડ થયું હતું, જાણો શું છે મામલો?

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પહેલા સંગમના નોઝ પાસે મચેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા (Maha Kumbh Stampede) હતાં, ત્યાર બાદ આવી ઘટના ફરીથી ના બને એ માટે વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. એવામાં અહેવાલ છે કે આ ઘટનાના કલાક પછી, કુંભ મેળામાં અન્ય એક જગ્યાએ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં એક બાળક સહિત સાત લોકોના મોત થયા હતાં. એક અહેવાલમાં કલ્પવાસી પોલીસ સ્ટેશનના અધિકારીને ટાંકીએ જણાવવામાં આવ્યું કે આ ઘટના સંગમ નાકાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ઘાટની બાજુમાં ઝુસી (Jhusi Stampede) ખાતે બની હતી. અધિકારીએ જણાવ્યું કે વધુ પડતી ભીડને કારણે ઝુસી ખાતે ઘટનાસ્થળે સાત લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

રાજ્ય વહીવટીતંત્રનું મૌન:ચોંકાવનારી બાબત એ છે કે, રાજ્ય વહીવટીતંત્રે આ ઘટના અંગે કોઈ માહિતી જાહેર કરી ન હતી અને મૌન જાળવી રાખ્યું હતું. બુધવારે સાંજે 7 વાગ્યે મહાકુંભ નગર જિલ્લા મેજિસ્ટ્રેટ અને મેળાના ડીઆઈજીએ પહેલી ભાગદોડ અંગે બ્રીફિંગ આપ્યું હતું, એ સમયે પણ બીજી ઘટના અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો ન હતો.

અહેવાલમાં દાવો:

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે લગભગ 6 વાગ્યાના સુમારે સેક્ટર 18 ના નજીકના ઘાટ પર સ્નાન કરીને પાછા ફરતા શ્રદ્ધાળુઓ મેળામાંથી બહાર નીકળવા માટે ઝુસી તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમના વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા શ્રદ્ધાળુઓના સામસામે આવી ગયા હતાં. બંને દિશાઓથી આવતા લોકોને કારણે કલાકો સુધી ભીડ વધતી રહી.અહેવાલ મુજબ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે 2 વાગ્યા પહેલા અફરાતફરી મચી કારણ કે ભીડ એટલી વધારે હતી કે લોકોને હલવા માટે જગ્યા નહોતી. પ્રત્યક્ષદર્શીએ કહ્યું “લોકો બચવા માટે સબસ્ટેશનમાં ધસી ગયા, અને ઘણા બધા સાધનો, ટેબલ, ટીન શીટને નુકશાન થયું.

કોઈને વીજ કરંટ ન લાગે તે માટે 400KVA ટ્રાન્સફોર્મર બંધ કરવું પડ્યું.”અહેવાલ મુજબ આ ઘટનામાં ત્રણ મહિલાઓ અને એક ત્રણ વર્ષના બાળક સહિત સાત શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સબસ્ટેશનના ગેટ પર મૃતદેહો પડી રહ્યા હતાં. યુટ્યુબ મીડિયા આઉટલેટનો દાવો:એક યુટ્યુબ ન્યુઝ આઉટલેટે ઝુસી ખાતેના ઘટનાસ્થળ પરથી અહેવાલ આપ્યો હતો. ફૂટેજમાં કપડાં, બુટ ચપ્પલ અને બોટલોના ઢગલા જોવા મળે છે અને કર્મચારીઓએ ટ્રેક્ટર દ્વારા આ બધું સાફ કરી રહ્યા છે. વિડીયોમાં પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેમણે લોકોને કચડાતા જોયા અને સ્થળ પરથી મૃતદેહો બહાર કાઢતા પણ જોયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button