શેરબજારમાં રોકાણના નામે લોકોને ઠગતી મહેસાણાની ટોળકી આ રીતે મુંબઈથી ઝડપાઈ
મુંબઈઃ ગુજરાત પોલીસે મુંબઈના મીરા રોડ પરથી 5 લોકોની ધરપકડ કરી હતી. આ લોકો શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપવાના નામે લોકોને છેતરવા માટે એક કોલ સેન્ટર ચલાવતા હતા. સુરેન્દ્રનગરના અશોક પટેલ અને રાજપીપળાના કલ્યાણી પાટીલે ફરિયાદ નોંધાવ્યા બાદ સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના અશોકભાઈ પટેલને ફેબ્રુઆરી 2023માં ફોન કરીને શેર માર્કેટમાં રોકાણથી વધારે નફાની લાલચ આપી ગઠિયાએ એક આઈડી જનરેટ કરાવી આપ્યું હતું. ત્યાર બાદ રોકાણની ટિપ્સ આપીને શરૂઆતમાં નફા તરીકે રૂ.35 હજાર એકાઉન્ટમાં જમા કર્યા હતા. ત્યાર બાદ ટુકડે ટુકડે રૂ.9.50 લાખ પડાવી લીધા હતા. આ અંગે અશોકભાઈએ સીઆઈડી ક્રાઈમના સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી, જેના આધારે તપાસ કરતા પૈસા પડાવતું કોલ સેન્ટર મુંબઈમાં ચાલતું હોવાની માહિતી મળી હતી. આથી ટીમ મુંબઈ ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
Also read:આટલા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર; ફેડ રિઝર્વના નિર્ણયની ભારતીય બજાર પર અસર
પોલીસે આરોપીઓના મોબાઇલ ફોન ટ્રેક કર્યા હતા અને ડમી સિમ કાર્ડ મેળવીને ઓપરેશન પાર પાડ્યું હતું. મીરા રોડ સ્થિત એક ફ્લેટમાં દરોડા દરમિયાન પાંચ આરોપીઓ પકડાયા હતા. ટીમે 13 મોબાઇલ ફોન, ચાર ડેબિટ કાર્ડ જપ્ત કર્યા હતા. આરોપીઓ અગાઉ ખેરાલુમાં જ કોલ સેન્ટર ચલાવતા હતા, પરંતુ 2024માં તેઓ ખેરાલુ છોડીને મુંબઈ શિફટ થઈ ગયા હતા. આ ટોળકી બે વર્ષથી કોલ સેન્ટર ચલાવતી હતી, જેથી તેમની પાસેથી મોબાઇલ નંબર વાળા લિસ્ટ મળી આવ્યાં હતાં. પોલીસે તે લોકોને ફોન કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે.