ગુજરાતમાં ભાજપને બળવાનો ડર, આ રીતે ઉમેદવારોને ફોર્મ ભરવા આપી સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ગુજરાત ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક (parliamentary board meeting) પૂરી થયા બાદ ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે પાર્ટીએ જે-તે જિલ્લા કે શહેરના પ્રમુખોના નામ પર મહોર મારી દીધી છે. પરંતુ અસંતોષના ડરથી ભાજપે નામ જાહેર કરવાના બદલે પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરવા સૂચના આપી છે.
ઉમેદવારોને શું આપી સૂચના
પાર્ટી દ્વારા તદ્દન ગુપ્ત રાહે આ યાદી મોકલીને ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પોતાના જરૂરી કાગળો, દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. નામ જાહેર થતાં કોઈ નવો વિવાદ ન સર્જાય તે માટે આ રણનીતિ અપનાવવામાં આવી છે. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ત્યાં સુધીમાં ઉમેદવારો પૂરતી તૈયારી કરી લેશે. શુક્રવારે જેમને સૂચના મળી ગઈ છે તેઓ ઉમેદવારી પત્ર ભરવાની તૈયારી કરશે.
Also read:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન મુદ્દે અનેક તર્કવિતર્ક
કેમ અપનાવવામાં આવી આ વ્યૂહરચના
સૂત્રોના જણાવ્યા મુજબ, નામ જાહેર થતાં જ અસંતુષ્ટો ગાંધીનગર દોડી ન આવે તે માટે આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. આજે સાંજ સુધીમાં યાદી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવશે. તે ફછી ફોર્મ ભરવા માટે એક જ દિવસ રહેશે. તેથી અસંતુષ્ટોને નક્કી થયેલા નામ સામે વિરોધ ઉઠાવવાનો મોકો નહીં મળે. પાર્ટીએ નો રિપીટ થીયરી લાગુ કરવા મન બનાવી લેવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુની વયના અને બે ટર્મથી ચૂંટાતા સભ્યોને પણ ટિકિટ નહીં આપવામાં આવે. ભાજપ આ વખતે નવા ચહેરાઓનો વધુ પ્રાધાન્ય આપશે. ઉપરાંત જે વોર્ડમાં ઉમેદવારી નોંધાવી હોય તે વોર્ડનો કાર્યકર્તા હોવો જોઈએ. કોઈપણ ઉમેદવારને વોર્ડ સિવાય ચૂંટણી લડવા દેવામાં આવશે નહીં.
જૂનાગઢમાં કાર્યકારી પ્રમુખ અમિત પટેલના અભિવાદન કાર્યક્રમ વખતે એક કાર્યકરે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી સામે તેમ ટિકિટ વેચો છો તેમ કહીને ભારે હોબાળો મચાવ્યો હતો. પક્ષના બે જૂથ વચ્ચે મારા મારી થાય તેવા સંજોગો ઉભા થતાં મનોજ જોષીએ પોલીસ બોલાવવી પડી હતી.
ક્યારે થશે મતદાન
ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યા બાદ પાલિકા-પંચાયતમાં પણ દબદબો કાયમ રાખવા ભાજપ શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યું છે. ગુજરાતમાં 66 પાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 2100થી વધુ બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.