ટોપ ન્યૂઝનેશનલ

Budget 2025: આજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, આર્થિક સર્વે થશે રજૂ

સંસદનું બજેટ સત્ર 4 એપ્રિલ સુધી ચાલશે

નવી દિલ્હીઃ આજથી સંસદનું બજેટ સત્રની (budget session) શરૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ લોકસભા અને રાજ્યસભાની બેઠક થશે. જેમાં નાણા પ્રધાન આર્થિક સર્વક્ષણ (economic survey) રજૂ કરશે. 1 ફેબ્રુઆરી એટલે કે શનિવારે નાણા પ્રધાન મોદી 3.0 સરકારનું પ્રથમ પૂર્ણકાલિન બજેટ રજૂ કરશે. સંસદનું બજેટ સત્ર 4 એપ્રિલ સુધી ચાલશે. બજેટમાં સરકાર અનેક મહત્ત્વના બિલ રજૂ કરી શકે છે.

બજેટ સત્રને લઈ સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજીજુએ ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં તમામ પક્ષને સંસદની કાર્યવાહીમાં સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી. પરંતુ વિપક્ષોએ તેમના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. સમાજવાદી પાર્ટીએ મહાકુંભમાં થયેલી દુર્ઘટના પર ગૃહમાં ચર્ચાની માંગ કરી અને આ ઘટનાની પારદર્શિતા સાથે તપાસ કરાવવાની માંગ કરી હતી. રાજ્યસભામાં કોંગ્રેસના ઉપનેતા પ્રમોદ તિવારીએ કહ્યું, વિપક્ષી ગઠબંધન સંસદના બજેટ સત્રમાં તમામ મુદ્દા ઉઠાવશે.નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરશે

આજથી શરૂ થઈ રહેલું સંસદનું બજેટ સત્ર ઘણું મહત્ત્વનું રહેશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (finance minister nirmala sitharaman) નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ અને સતત આઠમું બજેટ રજૂ કરશે.

Also read:Budget 2025-26: બજેટમાં ટેક્સ પેયર્સને મળી શકે છે મોટી ભેટ; થઇ શકે છે આ ફેરફારો…

આજે રજૂ થશે આર્થિક સર્વે

નાણા પ્રધાન આજે આર્થિક સર્વે રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે દેશના અર્થતંત્રની સ્થિતિ અને દિશા દર્શાવે છે. તે દેશના મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષના આર્થિક આંકડાઓ વિશે માહિતી આપવામાં આવે છે. આર્થિક સર્વે છેલ્લા એક વર્ષમાં અર્થતંત્રની કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કરે છે અને સંભવિત ઉકેલો પણ સૂચવે છે.

આર્થિક સર્વે કોણ કરે છે?

આર્થિક સર્વેનાણાં મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે. મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગનો આર્થિક વિભાગ તેને તૈયાર કરે છે. આ વિભાગ સરકારના મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ આ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ તૈયાર કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button