સોનાચાંદીમાં જોરદાર તેજીઃ શુદ્ધ સોનાના ભાવ 81,000 રુપિયાને પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકનાં અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખીને ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતનો નિર્ણય ફુગાવા અને રોજગારીના ડેટા પર અવલંબિત રહેશે તેમ જણાવ્યું હોવાથી આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં સાધારણ 0.1 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ઊંચા મથાળેથી ટકેલું વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 31નો ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે શુદ્ધ સોનાના ભાવ રૂ. 81,000ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 920ના ઉછાળા સાથે રૂ. 91,000ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 31 ડૉલરની નજીક પહોંચતાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 920ના ઉછાળા સાથે રૂ. 91,000ની સપાટી પાર કરીને રૂ. 91,600ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પીછેહઠ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન સોનાના વેરા રહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 31ના સુધારા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 80,682 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 81,006ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું
ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બજારની અપેક્ષાનુસાર બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો, પરંતુ બેઠક પશ્ચાત્ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં જ્યાં સુધી ફુગાવા અને બેરોજગારીનો દર સંતોષજનક સપાટી સુધી ન આવે ત્યાં સુધી અમને વ્યાજદરમાં કપાત કરવાની કોઈ ઉતાવળ નથી.
આમ ફેડરલના સાવચેતીના અભિગમ સાથે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ છતાં ટ્રમ્પની વેપાર-વેરા અને ટેરિફની અનિશ્ચિતતાને કારણે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકો વધીને અનુક્રમે આૈંસદીઠ 2761.59 ડૉલર અને 2773.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધ્યા મથાળા આસપાસ આૈંસદીઠ 30.83 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યાં હતાં. જોકે, રોકાણકારોની નજર શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા અથવા તો ફુગાવાના ડેટા પર હોવાથી સોના-ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિરમ રહ્યો હતો.
આ પણ વાંચો : મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં આજે જોવા મળ્યો ચમકારો, જાણો લેટેસ્ટ ભાવ…
સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની હેજરૂપી લેવાલી રહેતી હોય છે, પરંતુ તાજેતરમાં બૉન્ડની યિલ્ડમાં વધારો થતો હોવાથી હેજરૂપી માગ ખરડાઈ રહી છે. જોકે તેની સામે રોકાણલક્ષી માગનો ટેકો મળતાં વૈશ્વિક સોનાના ભાવ વધીને આૈંસદીઠ 2900થી 3000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા એએનઝેડના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવતાં ઉમેર્યું હતું કે ભવિષ્યમાં ફુગાવાની વધઘટનો આધાર અમેરિકાના નીતિવિષયક ફેરફારો પર અને રાજકીય-ભૌગોલિક જોખમો કેવા રહે છે તેના પર નિર્ભર રહેશે.
નોંધનીય બાબત એ છે કે અગાઉ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આગામી પહેલી ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકોથી થતી આયાત સામે ઊંચા ટેરિફ લાદવાની અને તે જ પ્રમાણે ચીન પર પણ ઊંચા ટેરિફ લાદવા અંગે વિચારણા કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક વ્યાજદરમાં કપાત સાથે હળવી નાણાનીતિ અપનાવે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, હાલ ખાસ કરીને ચીન સહિત દક્ષિણ કોરિયા, તાઈવાન, મલયેશિયા અને સિંગાપોર ખાતે નવાં લ્યૂનાર વર્ષની ઉજવણીને કારણે બજારો બંધ હોવાથી સોનામાં માગ ઓછી રહેતી હોવાના અહેવાલ હતા.