તરોતાઝા

છાસ સ્વાદિષ્ટ અને પાચનવર્ધક ટોનિક

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા

રસ – અમ્મલ, કષાય
પાચન – લઘુ, પચવામાં હળવું
વીર્ય – ઉષ્ણ, શરીરમાં ગરમી વધારનાર
દોષ – વાત, કફ નાશક
અન્ય પ્રભાવ – દીપનીય, પાચન ક્ષમતા વધારનાર, શરીરમાં સોજા ઉતારનાર, મેધ્ય.

અષ્ટાંગ હૃદય :છાશ પચવામાં, હળવી, ખાટી, પાચન શક્તિ વધારનાર, વાત અને કફનાશક, સોજો, પેટની સમસ્યા, હરસ, મૂત્ર સંબંધિત સમસ્યા, ઘીનાં અપાચનમાં, ભોજનમાં અરુચિ તથા પાંડુરોગમાં લાભકારી છે. બીજા કોઈ આહાર સાથે લેવાથી છાસ પચવામાં સહાયક છે.

ભાવપ્રકાશ નિઘન્ટુ મુજબ શિયાળામાં અગ્નિ, મંદતામાં, વાતરોગમાં, નાડીઓના અવરોધમાં છાશ અમૃત સમાન છે. વિષમજવર, પાંડુરોગ, મેદસ્વિતા, મધુમેહ, ગૅસની સમસ્યા, ઝાડા, ઊલટી, સફેદ કોઢ, ચામડીના રોગ, કૃમિ, તૃષા વગેરેમાં લાભકારક છે.
વાત રોગમાં સિંધવ અને સૂંઠ સાથે સેવન હિતાવહ છે. પિત્ત રોગમાં સાકર (મિસરી કે ખડી સાકર) નાખીને સેવન કરવાથી પિત્તનું શમન થાય છે. કફ રોગમાં સૂંઠ, કાળા મરી, પીપળી વગેરે મિશ્ર કરી સેવન કરવાથી લાભ થાય છે. ગળો નાખીને છાશ પીવાથી મૂત્ર સંબંધિત રોગ દૂર થાય છે. ચિત્રક નાખીને પીવાથી પીળીઓ દૂર થાય છે.

છાશના પ્રકાર

ઘોળવું: દહીંમાં પાણી નાખ્યા વગર મલાઈ સાથે વલોવવામાં આવે અને જે છાશ બને તેને ઘોળવું કહે છે. તેમાં હિંગ, શેકેલું જીરું, સિંધુ મીઠું નાખીને પીવાથી, કફનાશક, હરસ અને ઝાડામાં રાહત કરનાર, રુચિજનક, પુષ્ટિકારક, બળદાયક અને મૂત્રરોગ નાશક છે.

માથિત: દહીંમાં પાણી નાખ્યા વગર ઉપરની મલાઈ કાઢીને વલોવવાથી જે બને છે તેને સંસ્કૃતમાં માથિત કહે છે. તેનાથી પિત દોષ દૂર થાય છે અને તેની પ્રકૃતિ ઠંડી છે.

તક્ર: દહીં ત્રણ ભાગ અને એક ભાગ પાણી મંથન કરી માખણ કાઢતા જે વધે છે તેને તક્ર કહે છે. આ તક્ર અમ્મલ, મધુર રસયુક્ત, પચવામાં હળવી, પાચન શક્તિ વધારનાર અને વાત નાશક છે. શાસ્ત્રો અનુસાર તક્રનું સેવન કરનાર વ્યક્તિ ક્યારેય બીમાર નથી પડતી અને તક્રથી નષ્ટ થયેલ રોગ પાછા ક્યારેય ઉત્પન્ન થતા નથી. ઋષિઓએ કહ્યું છે કે જેવી રીતે દેવતાઓ માટે સુખકારી અમૃત છે, તેવી જ રીતે મનુષ્ય માટે તક્ર છે.

ઉદશ્ર્ચિત: દહીંમાં અડધું પાણી નાખીને (દહીં બે ભાગ અને પાણી એક ભાગ) મંથન કરી માખણ કરતા જે વધે તે ઉદશ્ર્ચિત છે. એ બળવર્ધક, કફવર્ધક અને અત્યંત આમ નાશક છે.
છચ્છીકા: જેને આપણે સાધારણ ગુજરાતીમાં છાશ કહીએ છીએ. આયુર્વેદ અનુસાર દહીંમાં પાણી નાખી બધું જ માખણ કાઢી લેવાથી જે વધે છે તેમાં પાછું પાણી નાખીને જે બને છે તે છાશ છે. આ છાશ પચવામાં હળવી, પિત્ત, થાક અને તરસને રોકનાર દવા છે.

સુશ્રુતઋષિના મતે છાશ ટી.બી., ગરમી સમયે દુર્બળતા, ચક્કર, હાથ પગમાં દુખાવો કે લોહી નીકળતું હોય ત્યારે ન પીવી જોઈએ. છાસ ગાય માતાના દહીંથી બનાવેલ હોવી જોઈએ. છાશ આહારનું પાચન કરે છે. દહીં અને છાશને માટીના પાત્રમાં રાખવી જોઈએ. આમ કરવાથી તે ખાટી થતી નથી. છાસના સેવનથી ઝાડા, ક્ષય,પેટના રોગો, ત્વચાના રોગો જેવા વિવિધ રોગો દૂર થાય છે. ગૌ માતા દૂધમાંથી બનેલી છાસમાં કપડું પલાળી તે કપડાને રોગીને આડાડવાથી દાહનો નાશ થાય છે. કબજિયાતમાં છાશમાં અજમો અને સિંધવ મીઠું નાખીને પીવી જોઈએ.

કહેવાય છે કે ભગવાન ધનવંતરી જ્યારે પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે પૃથ્વી પર રહેતા લોકો માટે કયું તત્ત્વ સૌથી ફાયદાકારક છે? ત્યારે તેમણે જવાબ આપ્યો “તક્ર, તક્ર, તક્ર છાસ આપણા સ્વાસ્થ્ય માટે ગાયનું વરદાન છે. તેનો યોગ્ય ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી બચી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button