સ્વતંત્ર ભારતનાં પ્રથમ રાજદૂત: વિજયલક્ષ્મી પંડિત

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
સ્વતંત્રતા સેનાની સરૂપકુમારીનું નામ સાંભળ્યું છે ? આ સવાલનો જવાબ મુખ્યત્વે નકારમાં જ મળશે. પરંતુ આ પ્રશ્નમાં સ્વરૂપકુમારીને સ્થાને વિજયલક્ષ્મી પંડિત નામ મૂકી દેવામાં આવે તો તરત જ એમની ઓળખાણ પડશે. આપણે એમને વિજયાલક્ષ્મી પંડિત તરીકે ઓળખીએ છીએ, પણ એમનાં લેખિકા દીકરી નયનતારા સહેગલે માતાના નામનું ઉચ્ચારણ વિજયલક્ષ્મી પંડિત તરીકે કર્યું છે. વિજયલક્ષ્મી પંડિત એટલે ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ વકીલ મોતીલાલ નેહરુ અને સ્વરૂપરાણીનાં દીકરી. ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં બહેન, ભારતનાં પ્રથમ મહિલા વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનાં ફોઈ અને ઇન્દિરાના પુત્ર તથા ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધીના નાનાજીની બહેન… આવા મશહૂર પરિવારના વિજયલક્ષ્મી પંડિતનો પરિચય કૌટુંબિક પૃષ્ઠભૂમિનો મોહતાજ નહોતો. વિજયલક્ષ્મીની પોતાની આગવી ઓળખ હતી. તે એ કે વિજયલક્ષ્મી બ્રિટિશ રાજમાં પ્રથમ કેબિનેટ મંત્રી હતાં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં પ્રથમ મહિલા પ્રમુખ અને મહારાષ્ટ્રનાં રાજ્યપાલ પણ હતાં. પણ એમની મુખ્ય અને મહત્ત્વની ઓળખ એ હતી કે એ સ્વતંત્ર ભારતનાં પ્રથમ મહિલા રાજદૂત હતાં ! તેમણે મોસ્કો, લંડન અને વોશિંગ્ટનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.vભારત સરકારે એમના પ્રદાનને બિરદાવવા 1962માં વિજયલક્ષ્મીને દ્વિતીય સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણથી પુરસ્કૃત કર્યાં હતાં !
આ વિજયલક્ષ્મીનો જન્મ 18 ઓગસ્ટ 1900ના રોજ થયો. માતા સ્વરૂપરાણી અને પિતા મોતીલાલ નેહરુ. ઉત્તર પ્રદેશના નામી વકીલ. વિજયલક્ષ્મીનું બાળપણનું નામ માતાને નામે સરૂપકુમારી હતું. નેહરુ પરિવારની વૈભવી જીવનશૈલીને અનુરૂપ સરૂપનું શિક્ષણ અને ઘડતર થયું. એવામાં 1919માં ગાંધીજી નેહરુ પરિવારના મહેમાન બન્યા. મોતીલાલના નિવાસસ્થાન આનંદ ભવનમાં રોકાયા. સરૂપ બાપુથી પ્રભાવિત થઈ. સ્વતંત્રતા સંગ્રામમાં ઝુકાવ્યું. અસહકાર આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો. 1920માં, સરૂપ વીસ વર્ષનાં હતાં, ત્યારે મોતીલાલે એક યુવા એડવોકેટ રણજિત સીતારામ પંડિત સાથે તેમની ઓળખાણ કરાવી. સરૂપ અને રણજિતનાં લગ્ન લેવાયાં. વર્ષ 1921 અને મે મહિનો. ગાંધીજી ખાસ આ લગ્નમાં હાજરી આપવા અલાહાબાદ આવેલા.
બાપુના આશીર્વાદ લઈને જોડું રણજિતના ઘર ભણી ઊપડ્યું. નવવધૂ સરૂપકુમારીએ રાજકોટમાં સાસરે ગૃહપ્રવેશ કર્યો ત્યારે તેને વિજયલક્ષ્મી એવું નવું નામ આપવામાં આવ્યું. સંયુક્ત પરિવારમાં એક વર્ષ રહ્યા બાદ દંપતીએ દિલ્હી સ્થળાંતર કર્યું. રણજિત અને વિજયલક્ષ્મીએ ફરી એક વાર સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિયપણે સામેલ થવાનું શરૂ કર્યું. ત્રણ પુત્રીઓ સહિતના પરિવારની વધતી જતી જવાબદારીઓ છતાં બન્ને આઝાદી આંદોલનમાં ભાગ લેતાં હતાં. પણ વિજયલક્ષ્મી સંવેદનશીલ અને વિચારશીલ માતા હતાં. તેમણે એ વાતનું ધ્યાન રાખ્યું કે તેમના જેલગમનને તેમની દીકરીઓ એક રોજબરોજની વાસ્તવિકતા તરીકે સ્વીકારે. રણજિતને આઝાદીની લડતમાં ભાગ લેવા બદલ ધરપકડનું પહેલવહેલું વોરંટ મળ્યું, ત્યારે તેમણે ચોકલેટ કેકનો ઓર્ડર આપ્યો હતો અને દીકરીઓ સાથે એક ટી-પાર્ટી કરેલી.
રણજિતને પગલે વિજયલક્ષ્મીએ પણ જેલવાસ માટેની પૂર્વતૈયારી કરી લીધી. 1929માં મોટા ભાઈ જવાહરલાલ નેહરુના પ્રમુખપદે મળેલા કૉંગ્રેસના લાહોર ખાતેના અધિવેશનમાં સંપૂર્ણ સ્વતંત્રતાના કૉંગ્રેસના ધ્યેયનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તે સાથે વિજયલક્ષ્મી રાષ્ટ્રીય ચળવળમાં વધુ સક્રિય થયાં. 27 જાન્યુઆરી 1932ના રોજ વિજયલક્ષ્મીની ધરપકડ થઈ. એક વર્ષની કેદ અને દંડ કરાયાં. જેલવાસમાંથી બહાર આવ્યા બાદ વિજયલક્ષ્મી 1935માં, બ્રિટિશરાજમાં ભારતનાં પ્રથમ મહિલા મંત્રી બન્યાં. 1937માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વિધાનસભામાં ચૂંટાયાં. ગોવિંદવલ્લભ પંતના મંત્રીમંડળમાં સ્થાનિક સ્વરાજ અને જાહેર આરોગ્ય
ખાતાનાં મંત્રી બન્યાં. તેમણે ગામડાંમાં પીવાનું પાણી, બાળકો માટે દૂધની યોજના, યુવકો માટે રમતનાં મેદાનો, મેળા-બજારો અને પ્રદર્શનો માટેની જગ્યાની વ્યવસ્થા અંગે જરૂરી કામગીરી કરેલી.
બે વર્ષ પછી, કૉંગ્રેસી મંત્રીમંડળોએ 1939માં રાજીનામાં આપ્યાં. 1940-’41માં કૉંગ્રેસે વ્યક્તિગત સત્યાગ્રહની ઘોષણા કરી. વિજયલક્ષ્મી એમાં જોડાયાં. તેમની ધરપકડ કરીને ડિસેમ્બર, 1940માં ચાર મહિનાની સજા કરાઈ. 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા બદલ ફરી ધરપકડ અને નવ મહિના સુધી અટકાયતમાં. બે વર્ષ બાદ 1944માં કઠોર કારાવાસની સજા ભોગવીને બહાર આવેલા રણજિત પંડિતનું 14 જાન્યુઆરી 1944ના નિધન થયું. વિજયલક્ષ્મીએ નવેસરથી શરૂઆત કરી. રાજકીય કારકિર્દીમાં ગંભીરતાથી જોતરાઈ ગયાં. ગાંધીજીએ તેમને અમેરિકા જઈ ત્યાંના લોકોમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે જાગૃતિ આણવા પસંદ કર્યાં હતાં. 1945માં પોતાનું કામ પૂરું કરી જયારે તેઓ ભારત પાછાં ફર્યાં ત્યારે એક ‘જનનાયિકા’ની માફક આવકારવામાં આવ્યાં.
બે વર્ષ પછી, ભારતની આઝાદીના થોડા દિવસો પૂર્વે વિજયલક્ષ્મીને રશિયામાં ભારતીય રાજદૂત તરીકે મોકલવામાં આવ્યાં. થોડાં વર્ષો બાદ આ જ હોદ્દા પર તે અમેરિકા અને ઇંગ્લેન્ડ ગયાં. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતીય પ્રતિનિધિમંડળનાં નેતા તરીકે તેમણે 1946થી 1948, 1950 તથા 1963માં કામગીરી બજાવી. 1947થી 1949 સુધી સોવિયેત સંઘમાં; 1949થી 1952 સુધી અમેરિકા અને 1949-’51 દરમિયાન મેક્સિકોમાં તથા 1954થી 1961 સુધી ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્પેનમાં એકસાથે રાજદૂત હતાં. 1952 અને 1964ની ચૂંટણીમાં લોકસભાનાં સભ્ય તરીકે ચૂંટાયાં.. 1962થી 1964 સુધી મહારાષ્ટ્રનાં રાજ્યપાલ હતાં. 1962માં વિજયલક્ષ્મીની સેવાઓને બિરદાવતાં ભારત સરકારે તેમને દ્વિતીય સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણથી પુરસ્કૃત કર્યાં. જોકે કટોકટી લાદવાના મુદ્દે ભત્રીજી અને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે મતભેદ થતાં વિજયલક્ષ્મીએ રાજકીય સંન્યાસ લઈ લીધો. દીકરીઓ તથા તેમના પરિવારો સાથે દહેરાદૂનમાં શાંતિમય જીવન ગાળ્યું. 1939માં સો આઈ બિકેમ એ મિનિસ્ટર, 1946માં પ્રિઝન ડેઝ અને 1958માં ઇવોલ્યુશન ઓફ ઈન્ડિયા જેવાં પુસ્તકો લખ્યા પછી 1979માં આત્મકથા ધ સ્કોપ ઓફ હેપ્પીનેસ-એ પર્સનલ મેમોઈર લખી. એમાં લખેલું કે, હવે જયારે સંધ્યા આવી પહોંચી છે, ત્યારે હું તેને આવકારું છું, કારણ કે હું જાણું છું કે એના પછી જે અંધકાર આવશે તે એક બીજા દિવસની શરૂઆત હશે!