પરવડી શકે એવા ઘરો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર નવી મ્હાડા પોલીસી તૈયાર કરશે: એકનાથ શિંદે
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર નવી મ્હાડા પોલીસી ઘડી રહી છે, જેનાથી કામ કરનારી મહિલાઓ, સિનિયર સિટિઝન્સ અને વિદ્યાર્થીઓને પરવડી શકે તેવા ઘરો ઉપલબ્ધ કરાવી શકાય.
સરકાર મુંબઈને ઝુંપડપટ્ટી મુક્ત બનાવશે એમ તેમણે પુણે હાઉસિંગ બોર્ડની લોટરી કાઢ્યા બાદ પત્રકારોને કહ્યું હતું.
ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ ઊંચી કિંમતને કારણે અનેક ઘરો આનાથી વંચિત રહી જાય છે. મ્હાડાનું લક્ષ્ય સામાન્ય માણસોને ઘર ઉપલબ્ધ કરાવવાનું છે, એમ રાજ્યના ગૃહનિર્માણ ખાતાનો હવાલો સંભાળતા એકનાથ શિંદેએ કહ્યું હતું.
સરકાર નવી મ્હાડા પોલીસી તૈયાર કરી રહી છે, જેમાં પરવડી શકે તેવા ઘરો, ભાડાના ઘરો, વર્કિંગ વીમેન માટે ઘરો, સિનિયર સિટિઝન અને વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: મ્હાડાના ડેવલપરને ફટકો: બિલ્ડિંગના રિડેવલપમેન્ટના રખડેલા પાંચ પ્રોજેક્ટને તાબામાં લેવાયા
મુંબઈ, થાણે, પુણે અને અન્ય શહેરોમાં વિલંબમાં પડેલા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું હતું કે મ્હાડા, એસઆરએ, સિડકો સહિતની વિવિધ સરકારી એજન્સીઓને સાથે લાવીને અટકી પડેલા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરવામાં આવશે.
મોટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાંનો પહેલો ચેમ્બુરમાં એસઆરએ અને એમએમઆરડીએ દ્વારા બાંધવામાં આવી રહ્યો છે, જેમાં 17,000 ઘર બાંધવામાં આવશે. આ પ્રોજેક્ટ લાંબા સમયથી પડતર એસઆરએ અને પુનર્વસનના પ્રોજેક્ટ માટે સીમાચિહ્નરૂપ બની રહેશે.
ઝૂંપડપટ્ટી મુક્ત મુંબઈ ટૂંક સમયમાં સત્ય બની રહેશે. આમાં એવા લોકોનો પણ સમાવેશ થશે, જેઓ ઘરની સમસ્યાને કારણે મુંબઈની બહાર પ્રયાણ કરી ગયા છે, તેઓ શહેરમાં પાછા ફરશે. ગૃહનિર્માણ પ્રોજેક્ટની ગુણવત્તા અને સમયસર પુર્ણતા એ રાજ્ય સરકારની ટોચની પ્રાથમિકતા છે,એમ પણ તેમણે જણાવ્યું હતું.