સ્ટીવ સ્મિથે વધુ એક સદી ફટકારીને ચાર દિગ્ગજોને પાછળ મૂકી દીધા
ભારત સામેની સિરીઝમાં 9,999 રન પર અટકી ગયો હતો, હવે શ્રીલંકા સામે પહેલા જ દિવસે સિદ્ધિ મેળવી
ગૉલઃ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની સાઉથ આફ્રિકા સામેની જૂન મહિનાની ફાઇનલમાં પહોંચી ગયેલા ઑસ્ટ્રેલિયાને અહીં આજે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઓપનર ઉસમાન ખ્વાજા (147 નૉટઆઉટ, 210 બૉલ, એક સિક્સર, દસ ફોર)એ પ્રારંભિક દિવસે જ સારી સ્થિતિમાં લાવી દીધું હતું, પરંતુ બીજા સેન્ચુરિયન સ્ટીવ સ્મિથ (104 નૉટઆઉટ, 188 બૉલ, એક સિક્સર, દસ ફોર)ની સેન્ચુરી સ્પેશિયલ હતી. કારણ એ છે કે સ્મિથની આ 35મી સદી છે અને તેણે 34 ટેસ્ટ સેન્ચુરી ફટકારી ચૂકેલા ચાર દિગ્ગજ બૅટરને પાછળ મૂકી દીધા છે.
સુનીલ ગાવસકર, બ્રાયન લારા, માહેલા જયવર્દને અને યુનીસ ખાને 34-34 ટેસ્ટ સદી ફટકારી હતી. હવે સ્મિથ આ ચારેયથી આગળ થઈ ગયો છે અને સૌથી વધુ ટેસ્ટ સેન્ચુરી ફટકારનારાઓમાં સાતમા નંબરે આવી ગયો છે. તે વધુ એક સદી (36મી સેન્ચુરી) ફટકારશે એટલે રાહુલ દ્રવિડ તથા જૉ રૂટની બરાબરીમાં થઈ જશે. ટેસ્ટ જગતમાં સૌથી વધુ 51 ટેસ્ટ સદી સચિન તેન્ડુલકરના નામે છે.
આ પણ વાંચો: અશ્વિને જ્યારે ચોખ્ખું કહી દીધું, હું સ્ટીવ સ્મિથ સામે બોલિંગ નહીં જ કરું…
તાજેતરમાં ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 9,999 રનના આંકડા પર અટકી ગયો હતો. આ મહિનાની શરૂઆતમાં ત્યારે તે પ્રસિદ્ધ ક્રિષ્નાના બૉલમાં ફક્ત ચાર રનના પોતાના સ્કોર પર યશસ્વી જયસ્વાલના હાથમાં કૅચઆઉટ થયો એટલે ફક્ત એક રન માટે 10,000મો રન ચૂકી ગયો હતો. જોકે તેણે 10,000 રન પૂરા કરી ચૂકેલાઓની હરોળમાં આવવાનું સપનું અહીં ગૉલમાં શ્રીલંકા સામેની મૅચમાં પૂરું કરી લીધું છે.
સ્મિથ ટેસ્ટમાં 10,000 કે વધુ રન બનાવનારો વિશ્વનો 14મો અને ઑસ્ટ્રેલિયાનો ચોથો ખેલાડી છે. સચિન તેન્ડુલકર 15,921 રન સાથે તમામ ટેસ્ટ બૅટર્સમાં મોખરે છે. સ્ટીવ સ્મિથની પહેલાં 10,000 રનની સિદ્ધિ મેળવી ચૂકેલા ત્રણ ઑસ્ટ્રેલિયનોમાં રિકી પૉન્ટિંગ (13,378 રન), ઍલન બોર્ડર (11,174) અને સ્ટીવ વૉ (10,927) છે.
આજે ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં બે વિકેટે 330 રન બનાવ્યા હતા. ઓપનર ટ્રેવિસ હેડ 57 રન પર પ્રભાત જયસૂર્યાના બૉલમાં કૅચઆઉટ થયો હતો.