હાર્દિક આ શું!, ટી-20 મૅચમાં સેટ થવા માટે તેં 20-25 બૉલ લીધા!: પાર્થિવ પટેલ
જુરેલને મોડો મોકલવાના નિર્ણયને પીટરસને પણ વખોડ્યો
રાજકોટઃ મંગળવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટી-20માં હાર્દિક પંડ્યા (40 રન, 35 બૉલ, 59 મિનિટ, બે સિક્સર, એક ફોર)એ બ્રિટિશ બોલર્સને લડત આપી હતી, પરંતુ છેવટે ભારતની હાર સાથે મૅચનું પરિણામ આવ્યું, સિરીઝ જે ભારતની તરફેણમાં 2-0ની હતી એ હવે 2-1 થઈ ગઈ છે અને આ સ્થિતિમાં ભારતે મંગળવારે જે કારણસર પરાજય જોવો પડ્યો એમાં હાર્દિકનું પણ નામ લેવાઈ રહ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે હાર્દિકની ધીમી બૅટિંગ બદલ ટીકા કરી છે.
વાત એવી છે કે ભારતીય ટીમ 172 રનનો સાધારણ લક્ષ્યાંક ચેઝ નહોતી કરી શકી. પાંચમા નંબરે બૅટિંગમાં મોકલવામાં આવેલા હાર્દિકે 19મી ઓવરમાં વિકેટ ગુમાવી હતી. તે સ્ટ્રાઇક પર હતો ત્યાં સુધી ભારતની જીતવાની આશા જીવંત હતી. તે આઉટ થયો એ પહેલાં ભારતે જીતવા 12 બૉલમાં 41 રન બનાવવાના હતા જે સંભવ હતા.
જોકે તેણે 19મી ઓવરમાં (જૅમી ઓવર્ટનના) પહેલા જ બૉલમાં લૉન્ગ-ઑફ પર કૅપ્ટન જૉસ બટલરને આસાન કૅચ આપી દીધો એ સાથે વિજયની આશા મંદ પડી હતી અને તેની વિકેટ બાદ બીજી બે વિકેટ (મોહમ્મદ શમી, ધ્રુવ જુરેલ) પડી હતી અને છેવટે 20 ઓવરમાં 145/9ના સ્કોર સાથે ભારતનો દાવ પૂરો થયો હતો અને ઇંગ્લૅન્ડનો 26 રનથી વિજય થયો હતો.
આપણ વાંચો: ભારત ત્રીજી ટી-20માં લડત આપીને હાર્યું, બ્રિટિશ ટીમને ફાસ્ટ બોલર્સે અપાવ્યો વિજય
પાર્થિવ પટેલ હાલમાં હાર્દિકની ભૂતપૂર્વ આઇપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સનો બૅટિંગ-કોચ છે. એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પર આપેલી પ્રતિક્રિયામાં પાર્થિવના મતે હાર્દિકના ઘણા ડૉટ-બૉલ ભારતને નડ્યા હતા.
પાર્થિવનું એવું પણ કહેવું છે કે ટી-20 મૅચમાં કોઈ બૅટર 20-25 બૉલ રમીને સેટ થાય એ ચાલે જ નહીં. સેટ થવામાં થોડો સમય લાગે એ સમજી શકાય, પણ સ્ટ્રાઇક રૉટેટ કરતા રહેવું જોઈએ. હાર્દિકે 35 બૉલમાં 40 રન બનાવ્યા ખરા, પરંતુ તેની ઇનિંગ્સની શરૂઆતમાં ઘણા ડૉટ-બૉલ હતા.
' 14મી ઓવરને અંતે હાર્દિક 21 બૉલમાં બનાવેલા 14 રને રમી રહ્યો હતો. 18મી ઓવરને અંતે તે 40 રન પર હતો. જોકે એ ઓવરના પાંચમા બૉલમાં હાર્દિકે એક રન લીધો હતો, પણ છેલ્લા બૉલમાં ધ્રુવ જુરેલ સાથે તે સિંગલ દોડી શકે એમ હતો, પણ નહોતો દોડ્યો અને 19મી ઓવરની શરૂઆતમાં પોતે સ્ટ્રાઇક પર આવ્યો હતો અને પહેલા જ બૉલમાં તેણે ઊંચા શૉટમાં વિકેટ ગુમાવી હતી.
આપણ વાંચો: પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટનો પ્રથમ દિવસ ટી-20 જેવો બન્યો, કુલ 20 વિકેટ પડી!
એક તરફ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને શા માટે ધ્રુવ જુરેલને છેક આઠમા ક્રમે બૅટિંગમાં મોકલવામાં આવ્યો? એવો સવાલ ઉઠાવ્યો હતો ત્યાં બીજી બાજુ પાર્થિવ પટેલે પણ બૅટિંગ-ઑર્ડર વિશેની ટિપ્પણીમાં કહ્યું હતું કે
ચોથા નંબર સુધી લેફ્ટ-રાઇટ કૉમ્બિનેશન જાળવી રાખવામાં આવ્યું એ ઠીક છે, પણ ત્યાર બાદ તો આ ફૉર્મેટ માટેના બેસ્ટ બૅટરને જ આગળ મોકલવા જોઈએ. જુરેલ ટી-20 ફૉર્મેટમાં બહુ સારી બૅટિંગ કરી જાણે છે. તે ભારતની ઇનિંગ્સને વધુ સારી રીતે ડેવલપ કરી શક્યો હોત.’
ભારત સિરીઝમાં 2-1થી આગળ છે. ચોથી મૅચ શુક્રવારે પુણેમાં અને છેલ્લી મૅચ રવિવારે વાનખેડેમાં રમાશે.