ઇંગ્લેન્ડની 10 વિકેટ ખેરવીને વરુણ ચક્રવર્તીએ ICC T20 રેન્કિંગમાં મોટો કુદકો માર્યો

મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 T20I મેચની ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવી. રાજકોટમાં રમાયેલી મેચમાં વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) સિવાય ભારતના બોલર્સ નિષ્ફળ રહ્યા, વરુણે ઇંગ્લેન્ડની પાંચ વિકેટ ઝડપી હતી. આ પહેલા સિરીઝની પહેલી બે મેચમાં વરુણે કુલ 5 વિકેટ લીધી હતી. આ પ્રદર્શનને કારણે આજે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં વરુણને મોટો (ICC T20 Bowlers Ranking) ફાયદો થયો છે. તેણે ICC બોલર્સ રેન્કિંગમાં 25 સ્થાનની મોટી છલાંગ લગાવી છે અને ટોપ-5માં એન્ટ્રી મારી છે.
આદિલ રશીદ નંબર વન:
ઇંગ્લેન્ડના સ્પિનર આદિલ રશીદને મોટો ફાયદો થયો છે. ભારત સામેની ત્રીજી મેચમાં આદિલ રશીદે શાનદાર બોલિંગ કરી. આદિલે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને એક વિકેટ લીધી. આ શાનદાર પ્રદર્શનને કારણે, આદિલ રશીદે T20I બોલર્સ ICC રેન્કિંગમાં નંબર-1 સ્થાન પ્રાપ્ત કર્યું છે. આદિલે વેસ્ટ ઈન્ડિઝના અકીલ હુસૈન પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો. આદિલ પાસે 718 રેટિંગ પોઈન્ટ છે.
રેન્કિંગમાં બીજા ક્રમે રહેલા અકીલ પાસે 707 રેટિંગ પોઈન્ટ છે. શ્રીલંકાનો વાનીન્ડો હસરંગા 698 રેટિંગ પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાનો એડમ ઝામ્પા 694 રેટિંગ પોઈન્ટ્સ સાથે ચોથા ક્રમે છે.
વરુણ ચક્રવર્તી T20I બોલરો માટે ICC રેન્કિંગમાં 25 સ્થાનનો કુદકો મારીને અને સીધો ટોપ-5માં ક્રમે પહોંચ્યો છે. વરુણ ચક્રવર્તીના 679 રેટિંગ પોઈન્ટ છે.
આ પણ વાંચો ; ICC T20 રેન્કિંગમાં તિલક વર્માને મોટો ફાયદો, ઇતિહાસ રચવાની ખુબ નજીક…
જોફ્રા આર્ચરને પણ ફાયદો થયો:
ચક્રવર્તી અને રાશીદ ઉપરાંત, ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના રેન્કિંગમાં પણ વધારો થયો છે. આર્ચર 13 સ્થાનની છલાંગ લગાવીને સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકાનો મહિષા ટીકસાના 665 પોઈન્ટ્સ સાથે સાતમાં સ્થાને છે. જયારે અફઘાનિસ્તાનનો રાશિદ ખાન અને ભારતનો અર્શદીપ સિંહ 664 પોઈન્ટ્સ સાથે સંયુક્ત રીતે આઠમા સ્થાને છે.
રવિ બિશ્નોઈ ખરાબ ફોર્મના કારણે5 સ્થાન નીચે સરકીને 10 સ્થાને પહોંચી ગયો છે. જોકે, અક્ષર પટેલ 5 સ્થાનના ફાયદા સાથે 11મા સ્થાને પહોંચી ગયો છે.