નેશનલ

મળો કેપ્ટન નિર્મલા સિતારામન અને તેમની બજેટ ટીમને…

નાણા પ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે. 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સંભાળી ત્યાર બાદ નિર્મલા સીતારામને સાત વખત બજેટ રજૂ કર્યું છે. આ તેમનું આઠમું અને મોદી સરકારનું 14મું બજેટ હશે, જેમાં વચગાળાના બજેટનો પણ સમાવેશ થાય છે.

Also read : મહાકુંભમાં નાસભાગ બાદ રેલવેએ લીધો મોટો નિર્ણય, આજે 360થી વધુ ટ્રેન દોડાવાશે

બજેટ બનાવવા માટે નાણા પ્રધાનની સાથે અનેક અધિકારીઓની ટીમ હોય છે, જેમાં આર્થિક બાબતોના સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર સહિત અધિકારીઓ સામેલ હોય છે, જે નાણા પ્રધાનને બજેટ તૈયાર કરવામાં મદદ કરે છે. આપણે નિર્મલા સીતારામન અને તેમની ટીમ વિશે જાણીએ.

નિર્મલા સીતારામનઃ-
કેપ્ટન નિર્મલા સીતારામન દેશના પહેલા એવા નાણા પ્રધાન છે જે એક વચગાળાના બજેટ સહિત તેમનું આઠમું બજેટ રજૂ કરશે. આ પહેલા મનમોહન સિંહ, અરૂણ જેટલી, પી. ચિદમ્બરમ અને યશવંત સિંહા નાણા પ્રધાનની રૂએ લગાતાર પાંચ બજેટ રજૂ કરી ચૂક્યા છે. નિર્મલા સીતારામને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તેઓ કર્ણાટકથી રાજ્ય સભાના સાંસદ છે. તેઓ અગાઉ વાણિજ્ય અને સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

તુહિન કાંત પાંડેઃ-
બજેટ બનાવનારી ટીમમાં નાણા સચિવ તુહિન કાંત પાંડે સામેલ છે. તેઓ 1987ના બેચના આઇએએસ અધિકારી છે. તેમણે બજેટમાં રેવેન્યુ અને ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે કામ કર્યું છે. એર ઇન્ડિયાનું ખાનગીકરણ અને એલઆઇસીના આઇપીઓમાં તેમની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. તેમણે ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)માં સેવા આપી છે.

વી. અનંત નાગેશ્વરનઃ-
મુખ્યઆર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન પણ બજેટ બનાવનારી ટીમમાં સામેલ છે. નિર્મલા સીતારામનના નજીકના સલાહકાર હોવા ઉપરાંત તેઓ એક લેખક અને શિક્ષક પણ છે. તેઓ મોટે ભાગે આર્થિક સર્વે તૈયાર કરતા હોય છે. તેમણે IIM અમદાવાદથી MBA કર્યું છે.

મનોજ ગોવિલઃ-
તેઓ મધ્ય પ્રદેશ કેડરના 1991ના બેચના આઇએએસ અધિકારી છે. તેઓ સરકારી ખર્ચ અને તેના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. નવી યોજનાઓ મંજૂર કરવા, ખર્ચની માર્ગદર્શિકા ઘડવા અને રાજ્યોને સંસાધનો ટ્રાન્સફર કરવામાં તેમની અગત્યની ભૂમિકા છે. આ પહેલા તેઓ કોર્પોરેટ બાબતના મંત્રાલયમાં સચિવના પદ પર કામ કરી ચૂક્યા છે.

અજય સેઠઃ-
તેઓ કર્ણાટક કેડરના 1987ના બેચના આઇએએસ અધિકારી છે. તેઓ આર્થિક બાબતોના વિભાગના વડા છે, જે બજેટ દસ્તાવેજ તૈયાર કરવામાં અને વ્યાપક સ્થિરતા જાળવી રાખવા માટે જવાબદાર છે. તેમને ભારતના પહેલા સોવરીન ગ્રીન બોન્ડ જારી કરવામાં અને ઇન્ફ્રા. ફાઇનાન્સ સચિવાલયના નિર્માણની પહેલ માટે પણ ઓળખવામાં આવે છે.
ગયા વર્ષે ભારતની અધ્યક્ષતામાં થયેલી જી-20 સમિટ સમયે તેઓ ચર્ચામાં રહ્યા હતા.

એમ નાગરાજઃ-
એમ નાગરાજ 1993ના બેચના ત્રિપુરા કેડરના આઇએએસ અધિકારી છે. તેઓ 19 ઓગસ્ટ, 2024 થી ફાઇનાન્શિયલ સર્વિસ વિભાગનો હવાલો સંભાળે છે. તેઓ નાણા પ્રધાનને નાણાકીય સમાવેશ, ફિનટેકના નિયમન અને અન્ય બાબતો પર સલાહ આપે છે. તેઓ વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમણે નાણા, વાણિજ્ય, મહિલા અને બાળ વિકાસ જેવા વિવિધ વિભાગોમાં મહત્વના હોદ્દા પર સેવા આપી ચૂક્યા છે.

Also read : Mahakumbh Stampede: નાસભાગ અંગે અખિલેશ યાદવનું નિવેદન, યોગી સરકારને આ અપીલ

અરૂણીશ ચાવલાઃ-
તેઓ 1992 બેચના બિહાર કેડરના આઇએએસ અધિકારી છે. તેઓ પણ બજેટ ટીમના સભ્ય છે. તેઓ 15 દિવસ સુધી મહેસુલ સચિવ રહ્યા હતા. ત્યાર બાદ તેમને ડિસઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગના સચિવ બનાવવામાં આવ્યા હતા. તેમનું ધ્યાન ડિસઇન્વેસ્ટમેન્ટ અને સરકારી સંપત્તિઓના મુદ્રીકરણ જેવી બાબતો પર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button