નેશનલ

મહાકુંભ સ્ટેમ્પેડ અંગે પીડિત પરિવારોએ શું કહ્યું? કોઈએ માતા ગુમાવી તો કોઈએ પત્ની…

પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યાને દિવસે પવિત્ર સ્નાન માટે આવનારા લોકોની ભીડ એટલી બધી વધી ગઇ હતી કે તેમાં નાસભાગ મચી ગઇ હતી. ભીડમાં થયેલી નાસભાગને કારણે દસથી વધુ લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘાયલોને સેક્ટર-2માં બનાવવામાં આવેલી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન ઘટનાના સમયે ત્યાં ઉપસ્થિત રહેલા લોકોએ તેમની આપવીતી જણાવી હતી.

મારી મા ભીડમાં કચડાઇને મરી ગઇ :-
બિહારના એક શહેરમાં રહેતા સુરજ યાદવ નામના શખ્સે જણાવ્યું હતું કે અમે 12.13 જણ ગંગાસ્નાન માટે મહાકુંભ આવ્યા હતા. આ દરમિયાન અહીં ભારે નાસભાગ મચી ગઇ હતી, જેમાં લોકોના પગ હેઠળ કચડાઇ જવાને કારણે તેની માતા મૃત્યુ પામી હતી. તેણે જણાવ્યું હતું કે ભીડ એટલી બધી હતી કે તે તેની માતાને બચાવવા માટે નીચે વળી પણ નહોતો શક્યો.

હું અડધો કલાક ભીડની નીચે દબાયેલો રહ્યોઃ-
મહાકુંભ સ્ટેમ્પેડમાં પોતાની પત્ની ગુમાવી ચુકેલા ફૂલચંદ વિશ્વકર્મા નામના અન્ય એક સજ્જને જણાવ્યું હતું કે અમે ગંગામાંથી નાહીને નીકળ્યા તો જોયું કે ગેટ ખુલ્લો હતો. બંને બાજુ ભારે ભીડ હતી. લોકો એકબીજાને કચડીને, ધક્કામુક્કી કરીને આગળ વધી રહ્યા હતા. આવી ભીડ સામે ટકવાનું તો મહિલાઓ અને બાળકોનું કોઇ ગજુ જ નહીં. મારી પત્ની ભીડમાં કચડાઇને મૃત્યુ પામી અને હું પોતે પણ ભીડ નીચે અડધો કલાક કચડાતો રહ્યો. ત્યાર બાદ માંડ માંડ ઉઠ્યો, પણ હું મારી પત્નીને ખોઇ ચૂક્યો છું.

માણસો એકબીજા પર પડી રહ્યા હતા પણ…..
મહાકુંભમાં આવેલા વિનયકુમાર નામના અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ઘાટ તરફ જઇ રહ્યા હતા. મેં જોયું કે થોડી વારમાં તો આગળ વધેલા કેટલાક લોકો પીછેહઠ કરવા માંડ્યા. એવામાં પાછળથી આવતી ભીડે તેમને ધક્કો માર્યો. કોઇ બહાર જ નીકળી નહીં શક્યું. અહીં એ સમયે કોઇ પોલીસ પણ નહોતી. આ દરમિયાન ભીડમાં કેટલાક લોકો પડ્યા અને પછી તો માણસો પર માણસો પડતા રહ્યા. કોઇ તેમને ઉઠાવી નહીં શક્યું અને લોકોના પગ તળે દબાઇને જ તેઓ મૃત્યુ પામ્યા.

કેવી રીતે સર્જાઇ આ કરુણાંતિકાઃ-
મૌની અમાવસ્યા પર સ્નાન માટે મંગળવારે રાતે બે વાગે ભારે સંખ્યામાં લોકોની ભીડ સંગમ તટ પર ઉમટી હતી. આ દરમિયાન બેરિકેડિંગનો એક ભાગ તૂટી પડવાથી અફડાતફડી મચી ગઇ હતી. પળવારમા ંતો સ્થિતિ બેકાબુ થઇ ગઇ અને લોકો આમતેમ નાસભાગ કરવા લાગ્યા. લોકોનો સામન પડી ગયો. ભારે અરાજક્તા સર્જાઇ ગઇ . લોકો એકબીજાને કચડીને ભાગવા લાગ્યા.

આ ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમે આરામથી જઇ રહ્યા હતા ત્યાં અચાનક ભીડ ઉમટી પડી હતી અને ભારે ધક્કામુક્કી થવા લાગી. અમે બચવાનો પ્રયાસ તો કર્યો, પણ કિડિયારાની જેમ ઉભરાતા લોકો વચ્ચે તસુભાર જગ્યા નહોતી. બધા જ્યાં ત્યાં નાસવા લાગ્યા, પડવા લાગ્યા,ઇજાગ્રસ્ત થવા લાગ્યા, કંઇ જ ખબર નહોતી પડી રહી કે શું થઇ રહ્યું છે. એટલામાં નાસભાગની જાણ થતા જ પોલીસ, પેરા મિલિટ્રી ફોર્સ અને ફાયર સર્વિસ આવી પહોંચી. તેમની મદદથી ઘાયલોને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા.

19.94 કરોડ લોકો લગાવી ચૂક્યા છે આસ્થાની ડુબકીઃ-
સરકારી આંકડા અનુસાર 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 19.94 કરોડ લોકો ગંગામાં ડુબકી લગાવી ચૂક્યા છે. મૌની અમાવસ્યાના શુભ પર્વ પર 10 કરોડથી વધુ લોકો અહીં પહોંચે એવી ગણતરી રાખવામાં આવી હતી, પણ આ દુર્ઘટનાને કારણે અહીંની સ્થિતિ બદલાઇ ગઇ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button