અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી
સાયમન કમ બેક….ભારતની સ્વાતંત્ર્ય લડતમાં ‘સાયમન ગો બેક’ (સાયમન, ચાલ્યો જા) સ્લોગન મહત્ત્વ ધરાવે છે. અંગ્રેજોની વિદાયનું એ બ્યુગલ હતું. એનાથી સાવ વિપરીત અનુભવ અમેરિકન મહિલાને થયો છે. સાત વર્ષ પહેલાં વિખૂટા પડી ગયેલા બૉયફ્રૅન્ડને લઈને ‘સાયમન કમ બેક’ (સાયમન, પાછો આવ)ની વાંસળી
વાગી છે.
મજેદાર વાત એવી છે કે 2017માં 21 વર્ષની સિલિયાની મુલાકાત સાયમન નામના ચીની વિદ્યાર્થી સાથે થઈ હતી. મુલાકાત પછી પરિચય વધ્યો અને બંને વચ્ચે ગાઢ મૈત્રી થઈ. જોકે, અભ્યાસ પૂર્ણ થતાં સાયમન સ્વદેશ પાછો ફર્યો અને બંનેનો સંપર્ક તૂટી ગયો. સિલિયાને પેલા ચીની સાયમન સાથે એ હદે ગોઠી ગયું હતું કે એણે સોશિયલ મીડિયામાં ટહેલ નાખી કે ‘મને સાયમન ગોતી દો… મને એની ગેરહાજરી સાલે છે!’ નેટિઝનોએ ઉદારતા દાખવી અને સિલિયાએ સાયમનનો આપેલો ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. એક એવી વ્યક્તિના ધ્યાનમાં આ ફોટોગ્રાફ આવ્યો જે સાયમનને ઓળખતી હતી. વાત પહોંચી ગઈ સાયમન સુધી અને સિલિયાના વીડિયો નીચે કૉમેન્ટ આવી કે ‘હેલો, હું છું સાયમન. કેટલાંક વર્ષ પહેલાં મારી બેસ્ટ ફ્રૅન્ડથી છૂટા પડી ગયા પછી આવી રીતે પુનર્મિલાપ થશે એની તો સપનેય કલ્પના નહોતી. બધાનો હૃદયપૂર્વક આભાર.’ આમ સિલિયા માટે તો સાયમન કમ બેક થઈ ગયું!
‘તમે તો ગુજરી ગયા છો આઘાત અને આશ્ચર્યનો સામનો દરેક જીવંત માણસે ક્યારેક તો કરવો પડતો હોય છે. અમેરિકાના મેરીલૅન્ડ રાજ્યમાં નિકોલ પોલિનો નામની યુવતીને જીવતાં જગતિયું થયું હોય એવો આશ્ચર્યજનક અનુભવ થયો. થયું એવું કે મેડમના ડ્રાઈવિંગ લાઈસન્સની મુદત પૂરી થવા આવી હોવાથી એ રિન્યુ કરાવવું જરૂરી હતું. પોલિનોએ અરજી કરી અને મેડમને મેસેજ આવ્યો જે વાંચીને તેને સખત આઘાત લાગ્યો.
કેમ? કારણકે લાઈસન્સ ઑથોરિટીની સિસ્ટમ અનુસાર એ નિકોલ પોલિનો તો આ લોકમાંથી પરલોકમાં સિધાવી ગઈ હતી.‘તમે તો ગુજરી ગયા છો એટલે તમને લાઈસન્સ નહીં મળે’ એવો મેસેજ આવતાં પોલિનો ખૂબ અપસેટ થઈને રડવા લાગી. વાત આટલેથી અટકી નહીં. પોલિનોની માતા અને એનાં ત્રણ બાળકના હેલ્થ ઈન્સ્યોરન્સ પણ કૅન્સલ કરી દેવામાં આવ્યા. પૂછપરછ કરતાં ખબર પડી કે કોઈ મૃત વ્યક્તિના અવસાનની વિગતો નોંધતી વખતે સોશિયલ સિક્યોરિટી નંબર ટાઈપ કરવામાં ગફલત થઈ અને પોલિનોનું જીવતાં જગતિયું થઈ ગયું…! અહેવાલ અનુસાર દર વર્ષે 30 લાખ મૃત્યુ થાય છે અને દસેક હજાર લોકોના રેકોર્ડની નોંધણીમાં આવા લોચા મારવામાં આવે છે.
સોલકરનો અજાણ્યો વર્લ્ડ રેકોર્ડ 23 જાન્યુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે ક્રિકેટ અને સ્ટેડિયમ સાથેની અનેક સ્મૃતિઓ મમળાવવામાં આવી. આ સ્ટેડિયમ પર સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટરનું બહુમાન મેળવનારા એકનાથ સોલકરના પરિવારને 10 લાખ રૂપિયાની થેલી આપી. એની યશોગાથાનાં કેટલાંક પ્રકરણ તાજાં કરવામાં આવ્યાં. મિડિયમ ફાસ્ટ – સ્પિન બોલિંગ તેમ જ એક ઉપયોગી બેટ્સમેન કરતાં સોલકરની વધુ ખ્યાતિ શોર્ટલેગના સ્થાન પરના એક ચિત્તા જેવા ફિલ્ડર તરીકે પણ હતી. વિકેટકીપર સિવાયના ફિલ્ડરે પકડેલા કેચની યાદીમાં સોલકરના નામે એક વર્લ્ડ રેકોર્ડ છે, જે ભવિષ્યમાં તૂટવાની સંભાવના બહુ પાતળી છે. 50 કે તેથી વધુ કેચ પકડનારા ફિલ્ડરોની વાત કરીએ તો સોલકરે 27 ટેસ્ટમાં 53 કેચ પકડ્યા છે અને એટલે એની સર્વોત્તમ સરેરાશ પ્રતિ ટેસ્ટ 1.96 થાય છે. બીજા નંબરે છે 1.77ની સરેરાશ (62 ટેસ્ટમાં 110 કેચ) સાથે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન બોબી સિમ્પસન. સૌથી વધુ કેચનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતા રાહુલ દ્રવિડ (164 ટેસ્ટમાં 210 કેચ)ની પ્રતિ ટેસ્ટ સરેરાશ ફક્ત 1.28 છે.
સોફીનું શાણપણ: કચરાપેટીમાંથી કરિયાણું! ‘કથીરમાંથી કંચન’ ઉક્તિનો અલગ જ ભાવાર્થ 30 વર્ષની સોફી જુલ – એન્ડરસને સમજાવ્યો છે. વિદેશમાં અનેક ઠેકાણે ‘ડમ્પસ્ટર ડાઈવિંગ’ (કચરાપેટીમાંથી ઉપયોગી કે કીમતી સામાન વીણી કાઢવો) વૃત્તિ અનેક લોકોમાં – યુવાનો તેમ જ વડીલોમાં – જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતી સોફીએ ઓક્ટોબર 2020માં બિન (કચરાપેટીનું રૂપાળું નામ) વીણવાનું શરૂ કર્યું હતું. વિદેશમાં ફૂડ આઈટમની એક્સપાયરી ડેટ નજીક હોય એવાં પેકેટ્સ કે પછી વધારે અથવા જરૂર ન હોવા છતાં લેવાઈ ગઈ હોય એવી વસ્તુઓ બિનમાં પધરાવી દેવાની પ્રથા છે. સોફી શરૂઆતમાં તો અમુક કચરાપેટીમાંથી ત્યજી દેવાયેલી તાજી આઇટમ જ ઉપાડી ઘરે લાવતી, પણ પછી સોફીને ખ્યાલ આવ્યો કે ચીવટ રાખી વધુ કચરાપેટી ફેંદવાથી આખા અઠવાડિયાનું કરિયાણું ઘરભેગું કરી શકાય છે. ધીરે ધીરે આ વૃત્તિ એની પ્રવૃત્તિ બની ગઈ અને તમે માનશો નહીં, પણ ગયા આખા વર્ષમાં સુપરમાર્કેટમાં ચીજવસ્તુ ખરીદવા પાછળ સોફીએ ફક્ત 99 ડૉલર વાપર્યા છે. ટૉઈલેટ રોલ, ડિશ વૉશિંગ સોપ અને ટૂથપેસ્ટ જેવી વસ્તુ જ ખરીદી હતી. પૈસાની થયેલી બચત એ જગત ભ્રમણ પાછળ વાપરે છે અને જલસા કરે છે.
લ્યો કરો વાત! પોતે જેનાથી વંચિત રહી ગયા એ બધું પુત્ર કરી શકે એવી તમન્ના દરેક પિતાની હોય છે તો એવા પણ પુત્ર હોય છે જે જાણે છે અને સમજે છે કે પોતે સ્થાન બનાવી શક્યો એ માટે પિતાએ શું ભોગ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઘટનામાં એક યુવાન માતા-પિતા સાથે એક આલીશાન હોટેલમાં બેસી ભોજન કરી રહ્યો છે. આ એ જ હોટેલ હતી, જ્યાં પિતાએ વર્ષો પહેલાં પેટે પાટા બાંધી વૉચમેનની નોકરી કરી હતી. એ હોટેલમાં જમવાથી પિતાનું માત્ર પેટ નહીં ભરાયું હોય, એના અંતરના ઓરડે દીવડા પ્રગટ્યા હશે.