જો બાઇડેને પુતિનની હત્યા કરાવવાની કોશિશ કરી, જાણીતા અમેરિકનનો દાવો
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કરી સત્તા સંભાળી લીધી છે ત્યારથી જ તેમના બેબાક નિવેદનોને કારણે અહીંના રાજકીય વિવાદો શમવાનું નામ નથી લઇ રહ્યા. એવામાં હવે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને લઇને સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે, જેને કારણે વિવાદ થવાની શક્યતા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઇડેને રશિયન પ્રમુખ વ્લાડિમિર પુતિનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
અમેરિકન રાજકારણના પંડિત, પૂર્વ ન્યુઝ એન્કર અને કન્ઝર્વેટિવ મનાતા ટકર કાર્લસને બાઇડન વહીવટીતંત્ર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે બાઇડેન પ્રશાસને રશિયન પ્રમુખ વ્લાડિમિર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કાર્લસને તેના લેટેસ્ટ પોડકાસ્ટમાં આ દાવા કર્યા હતા. અમેરિકન લેખક અને પત્રકાર મેટ તૈબી સાથે વાત કરતી વખતે તેમણે આવો સનસનીખેજ દાવો કર્યો હતો. તેઓ આટલેથી જ નહોતા અટક્યા. કાર્લસને યુએસના પૂર્વ સેક્રેટરી ઑપ સ્ટેટ ટોની બ્લિંકનને એવા વ્યક્તિ ગણાવ્યા હતા, જે યુદ્ધ માટે આગ્રહ કરી રહ્યા હતા અને પુતિનને મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ટકર કાર્લસને એમ પણ જણાવ્યું હતું કે તેમનો ઇરાદો ત્રીજુ વિશ્વયુદ્ધ છેડવાનો અને દુનિયાભરમાં દહેશત, અંધાધૂંધી ફેલાવવાનો જ હતો. જોકે, કાર્લસનના આવા દાવાઓ પાછળ કોઇ નક્કર પુરાવાઓનો આધાર નથી, પણ તેમના આવા નિવેદનોએ ખાસ્સો વિવાદ ચગાવ્યો છે અને રશિયાએ પણ તેની નોંધ લીધી છે.
ટકર કાર્લસનની વાત કરીએ તો તેમને 2023માં ન્યુઝ ચેનલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, કારણ કે તેમણે 2020ની અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ઘાલમેલના ખોટા દાવા કર્યા હતા, જેને કારણે ન્યુઝ ચેનલને કાનૂની કેસનો સામનો કરવો પડ્યો હતો. ટકર કાર્લસનના આ દાવા પર બાઇડન પ્રશાસને મૌન સેવ્યું છે. તેમણે હજી સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી, પણ રશિયા સાવધ થઇ ગયું છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયન સ્પેશિયલ સર્વિસ પુતિનની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલા લઇ રહી છે.