અરાજકતા અને નાસભાગનો ઇતિહાસ રહ્યો છે કુંભમાં, જાણો ક્યારે ક્યારે બની છે આવી ઘટનાઓ
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં બુધવારે સવારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં અનેક લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વહીવટી તંત્રએ જોકે, હજી સુધી મૃતકો અને ઘાયલોનો આંકડો જાહેર કર્યો નથી. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે કુંભ ક્યારે રક્તરંજિત થયો છે. કુંભમેળામાં અરાજક્તા અને નાસભાગનો જૂનો ઇતિહાસ છે.
1954નો કુંભમેળોઃ-
દેશને આઝાદી મળી ત્યાર બાદ પ્રથમ વાર 1954માં અલાહાબાદ (હાલના પ્રયાગરાજ) ખાતે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મૌની અમાવસ્યાના પવિત્ર અવસર પર આસ્થાની ડુબકી લગાવતી વખતે ભક્તોના અચાનક ધસારાને કારણે નાસભાગ મચી ગઇ હતી, જેમાં સેંકડો લોકો નદીમાં ડુબી જવાથી કે કચડાઇને મૃત્યુ પામ્યા હતા.
1986નો કુંભ મેળોઃ-
હરિદ્વાર ખાતે યોજાયેલા આ કુંભમેળામાં પણ નાસભાગ મચી હતી અને અનેક લોકો કચડાઇ ગયા હતા. અહેવાલો અનુસાર આ કુંભમેળામાં તત્કાલિન મુખ્ય પ્રધાન વીર બહાદુર સિંહ તેમના મંત્રીમંડળ અને સાંસદો સાથે કુંભ સ્નાન માટે પહોંચ્યા હતા. તેમના આગમનને કારણે ભીડને અટકાવવામાં આવી હતી. આ ભીડ બેકાબુ થઇ ગઇ હતી અને નાસભાગ મચી ગઇ હતી, જેમાં સેંકડો લોકોના મોત થયા હતા.
Also read: મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગઃ જાણો પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
1992નો કુંભ મેળોઃ-
આ સિંહસ્થ કુંભ મેળાનું આયોજન ઉજ્જૈન ખાતે કરવામાં આવ્યું હતું. આ કુંભ મેળામાં મચેલી નાસભાગમાં 50થી વધુ શ્રદ્ધાળુઓ કચડાઇ ગયા હતા.
2003નો કુંભ મેળોઃ-
2003માં નાશિક ખાતે આયોજિત કુંભમા 27 ઑગસ્ટે નાસભાગની ઘટના બની હતી. અચાનક મચેલી ભાગદોડમાં 39 શ્રદ્ધાળુના મૃત્યુથયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.
2010નો કુંભમેળોઃ-
આ કુંભમેળો હરિદ્વાર ખાતે યોજાયો હતો. 14 એપ્રિલ 2010ના રોજ શાહીસ્નાન દરમિયાન સાધુઓ અને ભક્તો વચ્ચે અથડામણ થઇ હતી, જેને પરિણામે નાસભાગ મચી ગઇ હતી, જેમાં 7 લોકોના મૃત્યુ થયા હતા.
2013નો કુંભમેળોઃ-
આ કુંભમેળાનું આયોજન પ્રયાગરાજ ખાતે થયું હતું. તેમાં મૌની અમાવસ્યાના દિવસે અમૃત સ્નાન દરમિયાન નાસભાગની ઘટના બની હતી. 10 ફેબ્રુઆરીએ અલાહાબાદ રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી. કુંભ માટે ભેગા થયેલા યાત્રાળુઓ ટ્રેનો તરફ દોડ્યા હતા, જેને કારણે રેલવે સ્ટેશન પર મચેલી નાસભાગમાં મહિલાઓ અને બાળકો સહિત 36 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
2025નનો મહાકુંભ મેળોઃ-
પ્રયાગરાજ ખાતે આયોજિત તાજેતરના મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યાના પર્વ પર સંગમ સ્નાન કરવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સરકારે લોકોને અફવા પર વિશ્વાસ ના કરવાની અને જ્યાં હોય ત્યાંથઈ નજીકના ઘાટ પર જઇને આસ્થાની ડુબકી લગાવવાની અપીલ કરી છે. લોકોને સરકારી સૂચનોનું પાલન કરવાનું અને વ્યવસ્થાપનમાં સહયોગ આપવાનું કહેવામાં આવ્યું છે.