ટોપ ન્યૂઝનેશનલ

મહાકુંભમાં નાસભાગને કારણે થયેલા મોત પર રડી પડ્યા મહામંડલેશ્વર, કરી આવી અપીલ

પ્રયાગરાજઃ યુપીના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં બુધવારે સવારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. દરમિયાન નાસભાગની વાત કરતા પંચાયતી અખાડાના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી મહારાજ અચાનક રડવા લાગ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે પહેલા જ કહ્યું હતું કે મહાકુંભની સુરક્ષા સેનાને સોંપવામાં આવે પરંતુ કોઈ અમારી વાત નહીં સાંભળી. વહીવટી તંત્રની ભૂલને કારણે કુંભ કલંકિત થયો. આટલા બધા લોકોને સંભાળવાનું કામ માત્ર પોલીસનું નથી, જેને પરિણામે આટલી જાનહાનિ થઈ. આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. મારું દિલ ઘણું જ દુઃખમાં છે. જો કુંભની વ્યવસ્થા સેનાને સોંપવામાં આવી હોત તો આટલો મોટો અકસ્માત ના થયો હોત. હું અત્યારે ઘણો જ દુઃખી છું.

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રાજેન્દ્ર પૂરીએ જણાવ્યું હતું કે આ ઘટનાથી અમને પણ ઘણો આઘાત લાગ્યો છે. અમારી સાથે હજારો ભક્તો હતા. અમે જનહિતમાં એવો નિર્ણય લીધો છે કે આજે અખાડાઓ સ્નાનમાં ભાગ લેશે નહીં. હું લોકોને અપીલ કરું છું કે તેઓ આના બદલે વસંત પંચમી પર સ્નાન કરવા આવે. કરોડો લોકોને હેન્ડલ કરવા સરળ નથી સહુએ અધિકારીઓને સહકાર આપવો જોઈએ.

13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 15 કરોડ લોકોએ આસ્થાની ડુબકી લગાવી છે. આજે બુધવારે મૌની અમાવસ્યાના દિવસે 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની આશા હતી, પણ આ અકસ્માતને કારણે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. નાસભાગ બાદ પ્રશાસન અને પોલીસ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

નોંધનીય છે કે આજે મૌની અમાવસ્યાનો પવિત્ર દિવસ છે. આ દિવસે સંગમમાં સ્નાન કરવાનું ઘણું જ મહત્વ છે, જેને કારણે પ્રયાગરાજ ખાતે કરોડો લોકોનું કિડિયારુ ઉભરાયું છે. જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો દેખાઇ રહ્યા છે. એક ઇંચ પણ જગ્યા ખાલી નથી. મંગળવારે સાંજે 6:00 વાગ્યા સુધીમાં 4.64 કરોડ લોકોએ સંગમ સ્નાન કર્યુ હતું. આમાં પ્રયાગરાજ જિલ્લાની વસ્તી લગભગ 70 લાખ ઉમેરીએ તો પ્રયાગરાજ માં એક દિવસમાં જ 5.34 કરોડ લોકો નોંધાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button