ટોપ ન્યૂઝનેશનલ

PHOTOS: મહાકુંભમાં ભાગદોડ બાદ શાહી સ્નાન રદ્દ થતાં અધવચ્ચેથી પરત ફર્યા અખાડા

પ્રયાગરાજઃ મહાકુંભમાં મૌની અમાસના દિવસે ઉમટેલી ભીડના કારણે ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયાની આશંકા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. અમુક લોકો બેભાન થયા હોવાના પણ અહેવાલ છે.

ભાગદોડની ઘટનાના પગલે તમામ અખાડાએ શાહી સ્નાન ન કરવાનો ફેંસલો કર્યો હતો. આ જાહેરાત અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર ગિરી નિરંજન છાવણીથી કરવામાં આવી હતી. અખાડા પરિષદના અધ્યક્ષે કહ્યું, જે રીતે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે અને ભાગદોડની ઘટના સામે આવી છે તેનાથી અખાડાએ સ્નાન ન કરવાનો ફેંસલો કર્યો છે. અખાડાના ત્યાં જવાથી સ્થિતિ વધુ વણસી શકે છે. અખાડા પરિષદની જાહેરાત બાદ વિવિધ અખાડા અધવચ્ચેથી જ તેમની છાવણીમાં પરત ફર્યા હતા.

ઘટના સ્થળેથી બહાર આવેલા વીડિયો અનુસાર કેટલીક મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા હતા. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. મહાકુંભ શહેર વહીવટીતંત્રે ભક્તોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સંયમ રાખવાની અપીલ કરી છે. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ભાગદોડ શરૂ થતાં જ લોકો દોડવા લાગ્યા હતા. સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ભાગદોડ દરમિયાન સંગમ તટ પર અનેક શ્રદ્ધાળુ બેભાન થયા હતા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

Also read:મહાકુંભમાં ભાગદોડ, 10 શ્રદ્ધાળુના મૃત્યુની આશંકા; શાહી સ્નાન રદ્દ

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર પુરીએ કહ્યું કે, જે દુર્ઘટના થઈ છે તેનાથી અમે દુઃખી છીએ. અમારી સાથે હજારો શ્રદ્ધાળુ હતા. જનહિતમાં અમે આજના સ્નાનમાં સામેલ નહીં થવાનો ફેંસલો લીધો હતો. હું લોકોને આજના બદલે વસંત પંચમીના દિવસે આવવાની અપીલ કરું છું. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સંગમ ઘાટ પહોંચી રહ્યા હોવાથી આ સ્થિતિ ઉભી થઈ હતી. લોકોને જ્યાં પણ ગંગા મળે ત્યાં ડૂબકી લગાવવી જોઈએ. આ પ્રશાસનની ભૂલ નથી, કરોડો લોકોને સંભાળવા આસાન નથી. આપણે અધિકારીઓને સાથ સહયોગ આપવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button