દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના (UBT) તટસ્થ રહેશે, કોંગ્રેસ કે AAP માટે પ્રચાર નહીં કરે: સંજય રાઉત

મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે તટસ્થ વલણ અપનાવશે. આપ અને કોંગ્રેસ બંને ઈન્ડિ ગઠબંધનમાં સહયોગી હોવા છતાં, ઠાકરે કોઈપણ પક્ષ માટે પ્રચાર નહીં કરે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ), કૉંંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખિયો જંગ થવાની શક્યતા છે. ‘અમે ક્યાંય (પ્રચાર માટે) જઈ રહ્યા નથી. અમે તટસ્થ છીએ,’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઠાકરે પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષોમાંથી કોઈ એક માટે પ્રચાર કરશે, ત્યારે તેમણે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
Also read: વિધાનસભાની ચૂંટણી લડવા 40 લાખની જરુરઃ આતિશિએ દિલ્હીવાસીઓને ‘દાન’ આપવાની કરી અપીલ
ચૂંટણી માટે યુદ્ધ રેખાઓ ખેંચાઈ ગઈ છે, જેમાં સમાજવાદી પાર્ટી (સપા) અને ટીએમસીએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળના આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો છે. જ્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. 2020માં આપને 70માંથી 62 બેઠકો પર મળેલા પ્રચંડ વિજય બાદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીમાં સત્તા કબજે કરવા માટે પ્રયત્નશીલ છે.