માઉન્ટ એવરેસ્ટ પર ચઢી શકો પણ કૈલાશ પર્વત પર નહીં, જાણો કારણ શું છે?
હિંદુ માન્યતા અનુસાર કૈલાસને ભગવાન શિવ અને પાર્વતીનું નિવાસસ્થાન માનવામાં આવે છે. દરેક હિન્દુ જીવનમાં એકવાર કૈલાસ માનસરોવરની યાત્રા કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ ભારત અને ચીન વચ્ચે ગલવાન વિવાદ બાદ ૨૦૨૦થી કૈલાશ માનરોવર યાત્રા અને દિલ્હી અને બીજિંગ વચ્ચેની સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હવે ભારત અને ચીનના સંબંધોને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ચીને કૈલાશ માનસરોવરની યાત્રા માટે મંજૂરી આપી દીધી છે સાથે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ પણ શરૂ થશે. બંને દેશો વચ્ચેના સંબંધો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થવાનું એ હિંદુ શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. કૈલાસ માનસરોવરની યાત્રા જેટલી મુશ્કેલ છે તેટલા જ રહસ્યો આ પર્વત સાથે જોડાયેલા છે. આમાં સૌથી મોટું આશ્ચર્ય કૈલાસ શિખર પર ચઢવાનું છે. આ પર્વત વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ કરતાં લગભગ ૨૦૦૦ મીટર નાનો હોવા છતાં હજુ સુધી કોઈ આ પર્વત પર ચઢી શકતા નથી, જે એક રહસ્ય છે.
Also read: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે? એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી બેઠક
વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૮ મીટર છે, જ્યારે કૈલાશ પર્વતની ઊંચાઈ ૬૬૩૮ મીટર છે, એટલે કે કૈલાશ પર્વતની ઉંચાઈ લગભગ ૨૦૦૦ મીટર ઓછી છે. આમ છતાં ૭૦૦૦થી વધુ લોકો માઉન્ટ એવરેસ્ટ પર ચઢી ચૂક્યા છે, જ્યારે અત્યાર સુધી કોઈ પર્વતારોહક કૈલાસ પર ચઢવામાં સફળ થયા નથી. જોકે, કેટલાક લોકોએ કૈલાશ પર્વતની ૫૨ કિલોમીટરની પરિક્રમા કરી છે. કૈલાસ પર્વત પર ચઢવાનો છેલ્લો પ્રયાસ ૨૦૦૦માં થયો હતો. પરંતુ હવે તેના પર ચઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
શું છે તેની પાછળનું વિજ્ઞાન?
કૈલાસને લઈને અનેક રહસ્યો છે. એવું પણ કહેવાય છે કે કૈલાસ પર્વતના શિખર પર સમય પણ અટકી જાય છે. જો કે, તેના પર ચઢી ન શકવા પાછળ વિજ્ઞાન છે. વાસ્તવમાં કૈલાશ પર્વતનું ચઢાણ ખૂબ જ મુશ્કેલ છે. આ પર્વતનો ઢોળાવ ૬૫ ડિગ્રીથી વધુ છે, જ્યારે માઉન્ટ એવરેસ્ટનો એન્ગલ ૪૦થી ૫૦ ડિગ્રી છે. આ જ કારણ છે કે કૈલાસ કરતાં માઉન્ટ એવરેસ્ટ પર ચડવું ઘણું સરળ છે. કૈલાશ પર્વત પર હવામાન પણ અનુકૂળ નથી, તેના પર ચઢવાના ઘણા પર્વતારોહકોએ પ્રયાસો કર્યા હતા, પરંતુ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતાં.