‘મૃત્યુ પછીની સૃષ્ટિ’ વિશે ઑનલાઈન સર્ચ કરનારી સગીરાએ જીવન ટૂંકાવ્યું

નાગપુર: ‘મૃત્યુ પછી શું થાય છે’ એ વિશે ઑનલાઈન સતત સર્ચ કર્યા પછી નાગપુરમાં આરબીઆઈના રિજનલ ડિરેક્ટરની 17 વર્ષની પુત્રીએ કથિત આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ સગીરા ખાનગી સ્કૂલમાં 12મા ધોરણમાં ભણતી હતી. નાગપુરના આરબીઆઈના રિજનલ ડિરેક્ટરની પુત્રી મૃત્યુ અને વિદેશી સંસ્કૃતિ વિશે સતત સર્ચ કરતી હતી.
આપઘાત માટે સગીરાએ ચાકુ ઑનલાઈન ઑર્ડર કર્યું હોવાનું કહેવાય છે. ચાકુથી સૌપ્રથમ કાંડું કાપ્યું હતું. પછી ક્રોસ માર્ક્સ કર્યાં હતાં અને છેલ્લે પોતાનું ગળું ચીરી જીવન ટૂંકાવ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના નાગપુરના છત્રપતિ નગર વિસ્તારમાં આવેલા સગીરાના ઘરમાં બની હતી. સોમવારની સાંજે 5.45 વાગ્યાની આસપાસ માતાની નજર બેડરૂમમાં લોહીલુહાણ હાલતમાં પડેલી પુત્રી પર પડી હતી. માતાએ બૂમાબૂમ કરી પડોશીઓને બોલાવ્યા હતા અને પોલીસને જાણ કરાઈ હતી.
આ પણ વાંચો : નાગપુર-ગોવા પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસવેનો લાતુરના ખેડૂતોનો વિરોધ
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સગીરાનો મોબાઈલ ફોન તાબામાં લીધો હતો. મોબાઈલની તપાસ કરતાં સગીરા ગૂગલ પર મૃત્યુ પછીની સૃષ્ટિ વિશે સતત સર્ચ કરતી હોવાનું જણાયું હતું, એવું ધનતોલી પોલીસ સ્ટેશનના અધિકારીનું કહેવું છે.
સગીરાએ પોતાની ડાયરીમાં વિદેશી સંસ્કૃતિ વિશે પણ ઘણુંબધું લખ્યું હતું. તેને ખાસ કરીને યુરોપિયન સંસ્કૃતિમાં રુચિ હતી અને થોડા સમયથી તે મૃત્યુ પર સંશોધન કરતી હતી. આના પરથી એવું માલૂમ થાય છે કે તે અનેક સપ્તાહથી આત્મહત્યાની યોજના બનાવતી હતી.
શબનું નિરીક્ષણ કરતાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે સગીરાના કાંડા પર ચાકુના પાંચ કાપા હતા, જેમાં બે ક્રોસ માર્કનો પણ સમાવેશ થાય છે. તેણે ગળા પર પણ ચીરો મૂક્યો હોવાનું દેખાતું હતું.
સગીરા તેના વડીલો સાથે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી હતી, જ્યારે પહેલા માળે તેના કાકાનો પરિવાર અને દાદી રહે છે. આ પ્રકરણે ધનતોલી પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)