બાબા સિદ્દીકી હત્યા કેસ પુત્ર ઝીશાને પોલીસને અમુક બિલ્ડર અને રાજકારણીઓનાં નામ આપતાં નવો વિવાદ

મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી કરાયેલી હત્યાના કેસમાં પુત્ર ઝીશાનના નિવેદન પછી નવો વિવાદ ઊભો થવાની શક્યતા છે. બાબા સિદ્દીકીના હત્યા કેસની તપાસમાં બાન્દ્રાના સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટોનો મુદ્દો ધ્યાનમાં લેવાની ભલામણ કરી પુત્ર ઝીશાને અમુક બિલ્ડર્સ અને રાજકારણીઓનાં નામ પોલીસને જણાવ્યાં હતાં.
એક ડેવલપરે તો એક વાર પિતા વિરુદ્ધ ગાળાગાળી પણ કરી હોવાનું ભૂતપૂર્વ વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીએ પોલીસને કહ્યું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે અનેક બિલ્ડર્સ તેના પિતાના સતત સંપર્કમાં હતા.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં દાખલ કરેલા આરોપનામાનો એક ભાગ છે ઝીશાનનું આ નિવેદન. બાન્દ્રા પૂર્વ પુત્ર ઝીશાનની ઑફિસ બહાર ત્રણ શૂટર્સે 12 ઑક્ટોબરની રાતે ગોળીબાર કરી બાબા સિદ્દીકીની હત્યા કરી હતી.
ઝીશાને પોલીસને કહ્યું હતું કે તે અને તેના પિતા બાન્દ્રા વિસ્તારના ઝૂંપડપટ્ટીવાસીઓના અધિકારો માટે સતત લડતા હતા. એક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામે તેણે ઉઠાવેલા વાંધાને પગલે તેની વિરુદ્ધ ખોટો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
ઝીશાને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતુંકે અનેક બિલ્ડરો મારા પિતાના સંપર્કમાં હતાં. મારા પિતાને રોજિંદાં કામોની એક ડાયરીમાં નોંધ કરવાની આદત હતી. હત્યાના દિવસે સાંજે 5.30થી 6 વાગ્યા દરમિયાન ભાજપના નેતા મોહિત કમ્બોજે વ્હૉટ્સઍપ પર મારા પિતાનો સંપર્ક કર્યો હતો. બાન્દ્રામાં મુંદ્રા બિલ્ડર્સ દ્વારા ચાલતા પ્રોજેક્ટ સંબંધે મોહિત મારા પિતાને મળવા માગતા હતા.
આ પણ વાંચો : દહેશત ફેલાવવા અને વર્ચસ જમાવવા બાબા સિદ્દીકીની હત્યા કરાઈ: ચાર્જશીટ
એસઆરએ પ્રોજેક્ટ સંબંધી અમુક વ્યક્તિઓ સાથેની મીટિંગમાં એક બિલ્ડરે મારા પિતા માટે ગાળાગાળી પણ હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મારા પિતાની હત્યાના કેસની બારીકાઈથી તપાસ કરવાની હું વિનંતી કરું છું, એવું ઝીશાને કહ્યું હતું.
આ કેસમાં પોલીસે 4,500 પાનાંનું આરોપનામું વિશેષ એમસીઓસીએ કોર્ટમાં દાખલ કર્યું હતું. ચાર્જશીટ 26 આરોપી વિરુદ્ધ દાખલ કરાઈ હતી, જ્યારે ત્રણ જણ શુભમ લોણકર, યાસીન અખ્તર અને અનમોલ બિશ્ર્નોઈને ફરાર દર્શાવાયા હતા. (પીટીઆઈ)