સ્પોર્ટસ

વિરાટે રણજી માટે પ્રૅક્ટિસ શરૂ કરી, દિલ્હીના 18 ખેલાડીઓએ તેને માત્ર ટીવી પર જ જોયો હતો!

`કિંગ કોહલી'એ મનપસંદ છોલે-પૂરી ખાવાની ના પાડી, પણ બધા સાથે કઢી-ચાવલ ખાધા

નવી દિલ્હીઃ ગુરુવારે (સવારે 9.30 વાગ્યાથી) અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે શરૂ થનારી ચાર-દિવસીય રણજી મૅચમાં રમવા માટે વિરાટ કોહલી દિલ્હીની ટીમ સાથે જોડાઈ ગયો છે અને પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. કોહલી 12 વર્ષ બાદ પહેલી વાર રણજી ટ્રોફીમાં દિલ્હી વતી રમવા આવ્યો છે. 2012માં કોહલી છેલ્લી વાર દિલ્હી વતી રમ્યો ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અપ્રતિમ પર્ફોર્મન્સ દ્વારા કિંગ કોહલી' બની ગયો છે. કોહલી સોમવારે ત્રણ કલાક સુધી દિલ્હીના હોમ-ગ્રાઉન્ડ પર હતો. દિલ્હીની ટીમમાંથી પેસ બોલર નવદીપ સૈનીને બાદ કરતા બાકીના તમામ 18 ખેલાડીઓએ અત્યાર સુધી કોહલીને માત્ર ટીવી પર જ જોયો હતો અને તેને સ્મૉલ સ્ક્રીન પર પર્ફોર્મ કરતો જોઈને પોતે પણ પોતાની ટૅલન્ટ મુજબ અવ્વલ દરજ્જાના ખેલાડી બનવાનું સપનું સેવ્યું છે. હવે આ ખેલાડીઓ કોહલી સાથે રણજી મૅચમાં રમવાના છે. આજે પણ કોહલીએ પ્રેક્ટિસ કરી હતી. પીટીઆઇના અહેવાલ મુજબ 30મી જાન્યુઆરીએ સવારે રેલવે સામેની મૅચ શરૂ થાય એ પહેલાં કોહલીએ દિલ્હીના આ ખેલાડીઓ સાથે ખૂબ પ્રૅક્ટિસ કરી હતી. તે બધા ખેલાડીઓમાં સતતપણે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દિલ્હીની ટીમનો દરેક ખેલાડી તો ઠીક, પણ હેડ-કોચ સરણદીપ સિંહ તેમ જ બૅટિંગ-કોચ બન્ટુ સિંહ પણ કોહલીની નજીક રહેવા તત્પર હોવાનું જોવા મળ્યું હતું. દિલ્હી ક્રિકેટમાંચીકુ’ તરીકે ઓળખાતા કોહલીએ વિનમ્રતાથી બધા સાથે પૂરતો સમય વીતાવ્યો હતો અને પોતાના ભૂતપૂર્વ અન્ડર-19 કોચ મહેશ ભાટી સાથે પણ જોવા મળ્યો હતો. ભાટી ટીમના ઍડમિનિસ્ટ્રેટિવ મૅનેજર છે.

કોહલી એ દિવસે પહેલી વાર પ્રૅક્ટિસ માટે સવારે 9.00 વાગ્યે જેટ બ્લૅક પોર્શ કારમાં સ્ટેડિયમ ખાતે આવ્યો હતો. તેણે વીરેન્દર સેહવાગ ગેટ'માંથી એન્ટ્રી કરી હતી દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિયેશન (ડીડીસીએ)ના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇને વિરાટ કોહલી વિશે જણાવ્યું હતું કેવો બદલા નહીં હૈ. ઉસકો છોલે-પૂરી પસંદ થે ઔર હમને મંગાકે રખા થા. લેકિન ઇસને બોલા છોલે-પૂરી નહીં ખાઉંગા. પ્રૅક્ટિસ કે બાદ ઉસને પૂરાને ટાઇમ કી તરહ કઢી-ચાવલ ખાયા સબકે સાથ.’

2006માં કોહલી દિલ્હી વતી રમતો હતો ત્યારે દિલ્હી રણજી ટીમના એ સમયના મૅનેજર અજિત ચૌધરીએ કોહલીને ચીકુ'નું હુલામણુ નામ આપ્યું હતું. કોહલી સોમવારે ત્રણ કલાક મેદાન પર હતો અને એમાંથી એક કલાક તે દિલ્હીના ખેલાડીઓ સાથે એક કલાક નેટ પ્રૅક્ટિસમાં હતો. આયુષ બદોની દિલ્હીનો કૅપ્ટન છે અને કોહલીને નેટમાં આવતો જોઈને સતર્ક થઈ ગયો હતો તેમ જ ખૂબ ઉત્સાહિત પણ હતો. કોહલી આવતાવેંત બોલ્યો,આયુષ, તૂં બૅટિંગ કર લે…ફિર દોનોં સ્વિચ કરકે કરેંગે (પછીથી આપણે વારાફરતી બૅટિંગ પ્રૅક્ટિસ કરીશું.)’

આ પણ વાંચો : વિરાટ કોહલી ડોમેસ્ટિકને બદલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવાની પેરવીમાં છે?

કોહલી પછીથી સ્પિનર્સની નેટમાં ગયો હતો જ્યાં તેણે દિલ્હીના સ્પિનર હર્ષ ત્યાગી અને સુમીત માથુરના સ્પિનનો સામનો કર્યો હતો. એ પહેલાં, દિલ્હીના પેસ બોલર્સ નવદીપ સૈની, મૉની ગે્રવાલ, રાહુલ ગેહલોત અને સિદ્ધાંત શર્માએ નેટમાં બોલિંગ કરી હતી. જોકે ટીમ ઇન્ડિયાની સરખામણીમાં દિલ્હીની ટીમના બોલર્સનો સામનો કરવામાં કોહલીને ખાસ કોઈ તકલીફ નહોતી પડી.


દિલ્હીના બાળકને અને ટીમના ખેલાડીઓને કોહલીએ શું સલાહ આપી?

વિરાટ કોહલીએ 12 વર્ષે ફરી દિલ્હી વતી રણજી ટ્રોફીમાં રમતાં પહેલાં સોમવારે કરેલી પ્રૅક્ટિસ દરમ્યાન દિલ્હીના ખેલાડીઓને પ્રેરક સલાહ આપી હતી. દિલ્હીના એકમાત્ર નવદીપ સૈનીને બાદ કરતા બધા ખેલાડીઓ પહેલી જ વાર કોહલીને પ્રત્યક્ષ મળ્યા હતા. દિલ્હી વતી અન્ડર-17 અને અન્ડર-19 ટીમ વતી રમી ચૂકેલા શાવેઝ નામના ભૂતપૂર્વ ખેલાડીનો ચાર વર્ષીય પુત્ર કબીર ખાસ કોહલીને જોવા દિલ્હીના સ્ટેડિયમમાં આવ્યો હતો. તે અંકલ વિરાટ'નો સ્કૅચ દોરીને લાવ્યો હતો. કબીરને કોહલી સાથે થોડી વાતચીત કરવાનો મોકો મળ્યો હતો. પીટીઆઇના અહેવાલ મુજબ કબીરે કોહલીને પૂછ્યું,સર, હું ભારત વતી કેવી રીતે રમી શકીશ?’ કોહલીએ જવાબમાં કહ્યું, બેટા, તારે ખૂબ પ્રૅક્ટિસ કરવી જોઈશે. તનતોડ મહેનત કરવી પડશે. તારા પપ્પા તને પ્રૅક્ટિસ માટે મેદાન પર જવાનું કહે એને બદલે તારે તારા પપ્પાને કહેવાનું કે મારે પ્રૅક્ટિસ કરવા જવાનું છે.' કોહલીએ દિલ્હીના યુવા ખેલાડીઓને સલાહ આપતા કહ્યું હતું કેદિલ્હીવાલે હો…દમ દિખાઓ. શુરુઆત અચ્છા કિયા ફિર ઠંડે પડ ગયે. પૉઝિટિવ ખેલો જૈસે દિલ્હીવાલે ખેલતેં હૈ.’
કોહલી ફૉર્મમાં હોય કે ન હોય, કિંગ' હંમેશાંકિંગ’ જ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button