મૌની અમાસ પર અયોધ્યામાં ઉમટશે ભક્તોનું ઘોડાપૂર, રામ મંદિર ટ્રસ્ટે કરવી પડી આ ખાસ અપીલ
અયોધ્યાઃ પ્રયાગરાજમાં મહાકુંભ (mahakumbh 2025) ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે, આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનમાં ભાગ લે તેવી શક્યતા છે. આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યામાં બિરાજમાન રામલલાના દર્શન કરવા આવી શકે છે. જેને લઈ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મોટી અપીલ કરી હતી.. ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને 15-20 દિવસ બાદ દર્શન માટે આવવાની અપીલ કરી હતી.
સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાય તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે તે, 29 જાન્યુઆરીએ કુંભમાં મૌની અમાસનું મુખ્ય સ્નાન છે. આશરે 10 કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં સ્નાન કરશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે.
ટ્રસ્ટના મહામંત્રીએ કહ્યું, છેલ્લા ત્રણ દિવસથી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં રામલલાના દર્શન કરી શકે તે ખૂબ મુશ્કેલ છે. તેથી ભક્તોને પરેશાની થઈ શકે છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના રોકવી જરૂરી છે. શ્રદ્ધાળુઓ પગપાળા આ રહ્યા છે. અડોશ-પડોશમાં રહેતા શ્રદ્ધાળુઓ 20 દિવસ બાદ અયોધ્યામાં દર્શન માટે પધારે તેવી અમારી વિનંતી છે. વસંત પંચમી બાદ ફેબ્રુઆરી મહિનામાં રાહત રહેશે તથા હવામાન પણ સ્વચ્છ રહેશે.
આ પણ વાંચો : ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોમાં ફફડાટ
બુધવારે ત્રિવેણી સંગમમાં લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવે તેવી શક્યતા છે, તેમાંથી લગભગ 10% શ્રદ્ધાળુઓ ટ્રેન દ્વારા મુસાફરી કરે તેવી શક્યતા છે. મૌની અમાસના દિવસે મુસાફરોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ પ્રયાગરાજ સ્ટેશનોથી દર ચાર મિનિટે એક વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી છે. રેલવે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે એક જ દિવસમાં 150થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે, જે એક મોટી સિદ્ધિ હશે.