(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ચીનનાં નવાં ડીપસીક એઆઈ મૉડૅલને કારણે પરંપરાગત એઆઈ મૉડૅલ સામે પ્રશ્નાર્થ ઊભો થતાં ગઈકાલે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં ઈક્વિટી માર્કેટમાં થયેલી નુકસાની સરભર કરવા માટે સોનામાં રોકાણકારોની વેચવાલીનું દબાણ વધતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ભાવમાં કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ રહ્યું હોવાના નિર્દેશ હતા.
Also read : Stock Market: સતત વધી રહ્યો છે રોકાણકારોનો ઉત્સાહ, દર મહિને ઉમેરાઇ રહ્યા છે આટલા લાખ નવા રોકાણકાર
આમ ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 389થી 391નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધવાની શક્યતાને ધ્યાનમાં લેતા વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 549ના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 549ના ઘટાડા સાથે રૂ. 89,725ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીમાં નિરુત્સાહ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 389 ઘટીને રૂ. 79,686 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 391 ઘટીને રૂ. 80,006ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે ચીન દ્વારા રજૂ કરવામાં આવેલા ઓછા ખર્ચ અને ઓછા પાવર વપરાશવાળા ડીપસીક એઆઈ મૉડૅલને પગલે પરંપરાગત એઆઈ મૉડૅલના અસ્તિત્વ જોખમમાં મૂકાવાની ભીતિ હેઠળ વિશ્વભરના તમામ ઈક્વિટી માર્કેટમાં આઈટી સ્ટોકના નેજા હેઠળ વેચવાલીનું દબાણ વધતાં ઈક્વિટીમાં થયેલી નુકસાની સરભર કરવા માટે રોકાણકારોની સોનામાં વેચવાલી નીકળતાં ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા કરતાં વધુ માત્રામાં ઘટાડો આવ્યો હતો અને ભાવ 18 ડિસેમ્બર પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 2739.28 ડૉલર અને વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી 0.2 ટકાના સુધારા સાથે 2742.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 29.97 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વધુમાં હાલ સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની બજારો નવાં લ્યૂનાર વર્ષની ઉજવણી નિમિત્તે બંધ હોવાથી માગ નિરસ રહી હતી. તેમ જ આજથી અમેરીકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકનો આરંભ થઈ રહ્યો હોવાથી રોકાણકારોએ પણ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ આ વખતે વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા પ્રબળ છે, પરંતુ તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં કાપ મૂકવા માટે હાકલ કરી હોવાથી બજાર વર્તુળોમાં અવઢવ હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે જો બેઠકનાં અંતે વ્યાજદર યથાવત્ રાખવામાં આવશે તો ગત સપ્ટેમ્બરથી શરૂ થયેલા વ્યાજદરમાં કપાતનાં વલણને પહેલી વખત બે્રક લાગશે. જોકે, બેઠકના અંતે ફેડના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતનો અણસાર આપશે તો સોનાની તેજીને ટેકો મળશે.
Also read : રોકાણકારોને આજે મળેલી રાહત લાંબી નહીં ટકે? બજારમાં મોટું ગાબડું પડે એવી શક્યતા, જાણો કારણો
જોકે, રૉઈટર્સનાં વિશ્લેષકોના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળામાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 2800 ડૉલરની સપાટી સુધી પહોંચી શકે છે, જ્યારે લાંબા સમયગાળા માટે ટ્રમ્પની નીતિઓ ફુગાવાલક્ષી હોવાની શક્યતાને ધ્યાનમાં લેતાં પણ સોનાની તેજીને ટેકો મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.