નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

એક નાનકડા ચાઈનીઝ સ્ટાર્ટ અપે અમેરિકાની ઊંઘ ઉડાડી દીધીઃ કરોડોનુ નુકસાન…

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મામલે OpenAI તેના ChatGPTટૂલ સાથે ઘણા સમયથી ટોચના સ્થાને રહ્યું છે, પરંતુ હવે એક નવા ચાઈનીઝ સ્ટાર્ટ અપ DeepSeek R1એ તેની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેણે વૈશ્વિક ટેક માર્કેટને હચમચાવી નાખ્યું છે.
DeepSeek R1 ચીનનું AI મોડલ છે, જેને ચાઈનીઝ સ્ટાર્ટઅપ દ્વારા બનાવવામાં આવ્યું છે. તે ChatGPTને હંફાવી રહ્યું છે.

DeepSeek R1 લોન્ચ થયાના એક અઠવાડિયાની અંદર એટલું બધું લોકપ્રિય થઈ ગયું છે કે તેણે અમેરિકન ChatGPTને પણ ક્યાંય પાછળ છોડી દીધું છે. કંપનીએ હાલમાં તેના નવા રજીસ્ટ્રેશન બંધ કરી દીધા છે અને ઘણી જગ્યાએ કામ કરવાનું પણ બંધ કરી દીધું છે. કંપનીએ જણાવ્યું છે કે DeepSeek સર્વર પર મોટા પાયે સાયબર એટેક થયો છે, જેને કારણે તેને રજિસ્ટ્રેશન બંધ કરવા પડ્યા છે.

Also read : SpaceXનું રોકેટ તૂટી પડ્યું પણ Elon Muskને મજા પડી! X પર વીડિયો શેર કરી આપ્યું આવું રીએક્શન

DeepSeek R1ને ઓછા અદ્યતન ચીપ સેટ કે પ્રોસેસર પર પણ સારી રીતે અને સરળતાથી વાપરી શકાય છે. આ પરિવર્તને ટેક માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. અમેરિકન ટેક કંપનીઓના શેર્સમાં ભારે ઘટાડો થઇ રહ્યો છે. DeepSeekની પોપ્યુલારિટીનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે તે અમેરિકન એપલ એપ સ્ટોર પર ચેટજીપીટીને પાછળ છોડીને નંબર-1 બની ગયું છે.

DeepSeekના આગમનથી અમેરિકન સિલિકોન વેલીમાં ખળભળાટ મચી ગયો છે. શક્તિશાળી AI પ્રોસેસર બનાવતી અમેરિકન ટેક કંપની Nvidiaને DeepSeekને કારણે ભીરે ફટકો પડ્યો છે. તેનું માર્કેટ કેપ ઘટીને 432 બિલિયન ડોલર થઇ ગયું છે, જેના કારણે અમેરિકન રોકાણકારો પણ ચિંતામાં મુકાઇ ગયા છે, તેમને લાગે છે કે DeepSeek જેવા વિકલ્પોને કારણે તેમની સ્થિતિ પર અસર થશે, કારણ કે અત્યાર સુધી AIનું બજાર Nvidiaના શક્તિશાળી અને મોંઘી ચીપ્સ પર નભતું હતું, હવે જ્યારે લોકોને ઓછા ખર્ચમાં એ જ વર્લ્ડ ક્લાસ ઉકેલ મળી રહ્યો હોય તો Nvidiaને તો તાળા મારવાનો વખત આવશે, એમ લોકો જણાવી રહ્યા છે.

OpenAI પાસે 4000 કર્મચારીઓની ફોજ છે, જ્યારે DeepSeekમાં માત્ર 200 કર્મચારી છે. તેમ છતાં DeepSeek અમેરિકન ChatGPT કરતા વધુ કાર્યક્ષમ છે. અમેરિકન કંપનીઓએ AI પર અબજો ડોલરનું રોકાણ કર્યું છે, જે હવે નકામુ થઇ જવાનો અમેરિકનોને ભય લાગી રહ્યો છે.

લોકો વધુ સોંઘા, સારા, સરળ એવા DeepSeek તરફ જ વળશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં આવેલા આ ફેરફારની અસર ક્રિપ્ટોકરન્સી માર્કેટ પર પણ પડી છે. તેના મૂલ્યમાં પણ ઘટાડો થયો છે.

અમેરિકા અને ચીન વચ્ચે આમ પણ હરિફાઇ છે જ. હવે DeepSeekના આવવાથી અમેરિકા અને ચીનના AI વચ્ચે પણ સ્પર્ધા તીવ્ર બની છે. ચીનના આ પગલાથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે તે AIના ક્ષેત્રમાં અમેરિકાને પાછળ છોડવા માગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button