વિનોદ કાંબળી સાથેના સંઘર્ષભર્યા લગ્નજીવન વિશે પત્ની ઍન્ડ્રિયાનું શૉકિંગ સત્ય, જાણો તેના જ શબ્દોમાં…

મુંબઈ: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળી સાથેના સંઘર્ષભર્યા લગ્નજીવન વિશે તેની પત્ની ઍન્ડ્રિયા હ્યુઇટે તાજેતરમાં વાનખેડે સ્ટેડિયમની સુવર્ણ જયંતીના અવસરે આપેલા એક ઇન્ટરવ્યૂમાં આઘાતજનક છતાં પેટછૂટી વાતો કરી હતી.
Also read : ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ‘રમતગમત’ મહત્વની ભૂમિકા નિભાવશેઃ માંડવિયા

કાંબળીને દસ દિવસ પહેલા વાનખેડેના સમારોહમાં ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરના શુભહસ્તે પુરસ્કાર આપવામાં આવી રહ્યો હતો ત્યારે કાંબળીનો હાથ પકડીને પત્ની ઍન્ડ્રિયા તેને લઈ આવી હતી.
ઍન્ડ્રિયાએ પતિ વિનોદ કાંબળીને એક સમયે છૂટાછેડા આપવાનો વિચાર કરી લીધો હતો. કાંબળીની વર્ષો જૂની દારૂની લતને સહન કર્યે રાખીને તેની સાથેનું લગ્નજીવન પોતે કેવી રીતે ટકાવી રાખ્યું એની વાત તેણે આ મુલાકાતમાં કરી છે.
ઍન્ડ્રિયાએ એક પ્રાઇવેટ પોડકાસ્ટ માટેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘વિનોદના દારૂના વ્યસનને કારણે એક વાર મેં ડિવોર્સ માટે અરજી સુધ્ધા કરી દીધી હતી, પરંતુ તેની સારવાર દરમ્યાન મને લાગ્યું કે હવે તે સારો થઈ જશે અને સુધરી જશે એટલે મેં ડિવૉર્સનો વિચાર પડતો મૂક્યો હતો. દારૂની લત છોડાવવા તેની 14 વાર સારવાર થઈ ચૂકી છે.’
કાંબળીની પ્રથમ પત્નીનું નામ નોએલા લુઇસ હતું. કાંબળીએ તેને છોડી દીધા બાદ ઍન્ડ્રિયા સાથે 2006માં મેરેજ કર્યા હતા. તેઓ પહેલી વાર એકબીજાને એક જાહેરખબર માટેના શૂટિંગ વખતે મળ્યા હતા બંને વચ્ચેની દોસ્તી સમય જતાં ખૂબ મજબૂત બની હતી અને તેમણે 2006માં લગ્નજીવન શરૂ કર્યું હતું.
જોકે વિનોદ કાંબળીની દારૂની આદત ગઈ નહોતી. ઍન્ડ્રિયાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘એક વાર તો મેં તેને છોડી દેવાનો વિચાર કર્યો હતો, પરંતુ મને થયું કે તે સાવ બાળક જેવો છે એટલે પોતાનું ધ્યાન કેવી રીતે રાખશે? એવું વિચારીને મેં તેને છોડવાનો વિચાર માંડી વાળ્યો હતો. હું કોઈ ફ્રેન્ડને પણ આવી હાલતમાં ન છોડું અને તે તો મારો પતિ છે એટલે તેને છોડવાનો વિચાર મેં છોડી જ દીધો હતો.
Also read : બુમરાહ ફરી છવાયોઃ ICC ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરનું સન્માન મળ્યું બુમરાહને
ઘણી વાર હું અમારા ઘરેથી જતી રહી હતી, પરંતુ પછી મને વિચાર આવતો કે તેણે બરાબર ખાધું હશે કે નહીં? પલંગ પર બરાબર સૂતો હશે કે નહીં? હું બહારથી તેના વિશે જાણકારી મેળવતી અને મને થતું કે તેને મારી ખૂબ જરૂર તો છે જ.’
ઍન્ડ્રિયાએ મુલાકાતમાં એવું પણ કહ્યું છે કે ‘હું ઘણી વાર પોતાને સમજાવતી હતી કે અમારા પરિવારમાં હું જ પપ્પા અને હું જ મમ્મી છું એટલે મારે મારી જવાબદારી સમજવી જોઈએ. મારો પુત્ર ક્રિસ્ટિયાનો નાનો છે, પણ બહુ સમજદાર છે. મારી કઠણાઈઓને બરાબર સમજીને તેણે હંમેશા મને નૈતિક જુસ્સો અપાવ્યો છે.’