બળાત્કારી ગુરમીત રામ રહીમ ફરી પેરોલ પર જેલ બહાર આવ્યો; સિરસા ડેરા પહોંચશે
ચંડીગઢ: બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર આવ્યો છે, કોર્ટે ફરી તેને પેરોલ પર (Gurmeet Ram Rahim Singh) છોડ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે મંગળવારે સવારે જેલમાંથી બહાર આવ્યો.
સિરસાના ડેરાની મુલાકાત લેશે:
આજે મંગળવારે સવારે 5:26 વાગ્યે વહીવટીતંત્રે રામ રહીમને ગુપ્ત રીતે જેલમાંથી મુક્ત કર્યો. આ સમય દરમિયાન, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 2017 માં બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠર્યા બાદ ગુરમીત રામ રહીમ પહેલી વાર સિરસાના ડેરાની મુલાકાત લેશે. અગાઉના પેરોલ દરમિયાન પણ તેને પેરોલ મળી ચુક્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત તેમના આશ્રમમાં જ જવાની મંજૂરી આપવામાં આવી હતી.
અનુયાયીઓને અપીલ કરી:
જેલમાંથી બહાર આવ્યા બાદ, ગુરમીત રામ રહીમે યુટ્યુબ ચેનલ અનુયાયીઓ માટે વિડીયો સંદેશ શેર કર્યો છે. તેણે જણાવ્યું છે કે આ વખતે જેલમાંથી બહાર આવ્યા પછી તે સિરસા આશ્રમમાં રહેશે. ગુરમીત રામ રહીમે તેમના અનુયાયીઓને સિરસા ન આવવા અને ડેરાના સેવાદારો દ્વારા તેમને જે સુચના આપવામાં આવે છે તેનું પાલન કરવાની અપીલ કરી છે.
વકીલે શું કહ્યું?
રામ રહીમના વકીલે કહ્યું, ‘કાયદા મુજબ, તેમને આજે 30 દિવસના પેરોલ આપવામાં આવ્યા છે.કાયદા મુજબ, એક વર્ષમાં 70 દિવસની પેરોલ અને 21 દિવસની ફર્લો આપી શકાય છે. આને કોઈપણ ચૂંટણી કે રાજકીય ઘટના સાથે જોડવું જોઈએ નહીં.
4 વર્ષમાં 16 વખત જેલ બહાર આવ્યો:
આ પહેલા રામ રહીમ ગયા વર્ષે ઓક્ટોબરમાં જેલમાંથી બહાર આવ્યો હતો. છેલ્લા 12 મહિનામાં તે ચોથી વાર જેલની બહાર આવ્યો છે, ચાર વર્ષ પહેલાં તેને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તે 16 વખત જેલ બહાર આવી ચુક્યો છે.
આ પણ વાંચો…ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોમાં ફફડાટ
રામ રહીમનો હરિયાણા અને પંજાબમાં લાખો અનુયાયીઓ છે. અગાઉ તેને મ્યુનિસિપલ ચૂંટણી અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી સમયે જ પેરોલ આપવામાં આવ્યા હતાં, જેને કારણે હોબાળો મચ્યો હતો.